________________
‘ઈંટ અને ઇમારત’ એથી એમના વ્યક્તિત્વનો એક અવિભાજ્ય અંશ બની રહી છે. ગુજરાતના વાચકના હૃદયમાં કુમારપાળે એ રીતે આસન જમાવ્યું.
અને પછી તો તે સ્વબળે અનેક ક્ષેત્રે પોતાની રીતની મથામણ આદરે છે. લુણાવાડા મારે ત્યાં, મારી કૉલેજમાં આવે છે, આધુનિકતા વિશે પણ એ બોલે, અને જૈન ઉપાશ્રયમાં મહાવીર વિશે પણ રસભરી શૈલીમાં વાત કરે, લુણાવાડા રોટરી ક્લબમાં કોઈ આફ્રિકન વાર્તા કહી તે માનવીય વેદનાને પણ પ્રત્યક્ષ કરી આપે.... કુમારપાળ વિસ્તરતા જતા હતા, તેમનું વક્તૃત્વ પણ વિસ્તરતું જતું હતું.... મારે ત્યાં રોકાયા પણ સાહિત્યકારના કશા ભાર વિના. ફાવશે, ભાવશે, ચાલશેની વૃત્તિ તેમનામાં એવી કે યજમાનને કોઈ મુશ્કેલી ન લાગે. કુમારપાળ ઉત્તમ યજમાન અને ઉત્તમ અતિથિ ! આ બધું સૂક્ષ્મ માનવસમાજમાંથી આવે. કુમારપાળમાં માતા-પિતાનો સંસ્કારવારસો તાણાવાણાની જેમ વણાઈ ગયો છે...
કુમારપાળમાં મેં જોયું કે કશી ધખના નથી, બડાશ પણ નથી અને છતાં નિરંતર ઉદ્યમ, પ્રવૃત્તિ અને પરિણામે વિકાસ – અંદ૨નો અને બહા૨નો – તરત નજરે પડે તેવો જોવાય છે. જૂથમાં નહિ અને છતાં જૂથ ! અનેકો વચ્ચે છતાં એકલા ! અનેક પ્રવૃત્તિઓ અને છતાં મુક્ત ! સંસ્થાઓથી દૂર છતાં સંસ્થાઓ વચ્ચે... કોઈને અડવા-નડચા વિના કુમારપાળ વૃક્ષશૈલીએ વિસ્તર્યા છે, તેથી જ પરિષદમાં, સાહિત્યસભામાં કે ગુજરાત સાહિત્ય અકાદમીમાં એ અનુકૂળ એવું કરી-કરાવી શક્યા છે. અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ આવી શક્યા છે, સુમન શાહ અને રઘુવીર ચૌધરી જેવા ભિન્ન પ્રકૃતિ ધરાવનારાઓ સાથે પણ મૈત્રીસંબંધ કેળવી શક્યા છે. કુમારપાળ મૃદુ, મધુર ને વિનમ્ર તો છે પણ દક્ષતાનો, કુનેહનો, વિચક્ષણતાનો પણ તેમનામાં એક એવો જ બીજો છેડો નીકળ્યો છે જે તેમના દાદાના કારભારીપણા સાથેનું અનુસંધાન ધરાવે છે. કુમારપાળના વ્યક્તિત્વની એક પ્રબળ રેખા હેલ્સિંગ નેચરની છે. કુમારપાળ કોઈને પણ કશી મુશ્કેલી હોય, તરત તેનો માર્ગ કાઢે, મદદરૂપ થવાની તૈયારી બતાવે અને મદદ પણ કરે. એટલે ક્યારેક એમના ઘરે કોઈ આર્થિક મદદ માટે પણ આવ્યું હોય, કોઈ વિદ્યાર્થી તેમની ઑફિસમાં મટીરિયલ લેવા આવ્યો હોય, કોઈક રિફ્રેશર કોર્સમાં આવેલો અધ્યાપક તેમની પાસેથી ઉતારાની વ્યવસ્થા માટે કહેતો હોય, વિશ્વકોશ ટ્રસ્ટની બાબતે ક્યારેક આર્થિક મદદ માટે કોઈ શ્રેષ્ઠીને મળવાનું હોય – બધી વેળા કુમારપાળ સ્વસ્થ રીતે, અનાકુલ રહી માર્ગ કાઢે, મદદ કરે. અરે, એક વાર એમના ઘરે મારી રૂબરૂમાં કુંડલિની ચર્ચા માટે એક તેમનો વાચક આવ્યો હતો ! કુમારપાળ એને પણ સંતોષે... !
આવા કુમારપાળ પછીનાં વર્ષોમાં પોતાના રસના વિષયોમાં આગળ વધે છે. કૉલમોનો એ બાદશાહ છે. સંખ્યાબંધ કૉલમો લખે, પણ કશી તેની હડિયાદોટ કે બોજ ન લાગે. બધું નિયમિત, સમયસર કરે. સમયવ્યવસ્થા એ કુમારપાળનો મોટો ગુણ છે. હા, મુખ્યત્વે એ પ્રેરણાદાયી
84
મારા કુમારપાળ