________________
ઊંડો અભ્યાસ અને સંશોધન માન ઉપજાવે એવાં રહ્યાં. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા જેને ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનું બહુમાન ડૉ. કુમારપાળને ફાળે જાય છે. વિદેશોમાં વસતાં ગુજરાતીઓ જૈન ધર્મ ઉપરનાં એમનાં અભ્યાસી પ્રવચનોની પ્રશંસા કરતાં આજેય થાકતાં નથી. ડૉ. કુમારપાળને સાંભળવા એ પણ જીવનનો એક લહાવો ગણાય છે. પૂર્ણ અભ્યાસ કર્યા વગર કોઈ પણ વિષય ઉપર બોલતા નથી એ એમનું બહુ મોટું જમા પાસું છે.
જે પિતાએ સાહિત્યસંસ્કારનો મૂલ્યવાન વારસો આપ્યો એ મમતાળુ પિતાને કુમારપાળ આજે ભૂલ્યા નથી. પિતૃઋણ ચૂકવવા માટે એમણે “શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિ કરી. પ્રકાશનોની સાથે સાથે વિવિધ વિષયો પરના વિદ્વાનોનાં પ્રવચનો પ્રતિવર્ષ યોજીને અમદાવાદના સાહિત્યપ્રેમીઓને લાભ આપતા રહ્યા છે.
ગુજરાતમાં ઉચ્ચકોટિના ગણ્યાગાંઠ્યા વિદ્વાનો અસ્કામત રૂપે આપણી પાસે રહ્યા છે, એમાંનું એક આદરણીય નામ ડૉ. કુમારપાળ દેસાઈનું છે. સર્જન અને શિક્ષણકાર્યની સાથોસાથ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી વિશ્વકોશ, ગુજરાતી સાહિત્ય સભા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી, અનંતરાય રાવળ સ્મારક સમિતિ જેવી અનેક જાણીતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એટલું જ નહીં, પણ એમાં સક્રિય રસ લઈ રહ્યા છે. ક્યાંય આળસ નહીં, થાક નહીં, કંટાળો નહીં નિયત સમયે જે તે સંસ્થામાં ઘડિયાળના કાંટે હાજર જ હોય. કામની ચીવટ પણ એટલી જ. સ્વભાવની ઋજુતા, મદદરૂપ થવાની ભાવના, આ બધા ગુણોને લઈને એમનું મિત્રવર્તુળ પણ બહોળું છે. મળવા-મળવાનું ઓછું બને પણ સંબંધો કાયમ એવા ને એવા અકબંધ.
પ્રવૃત્તિ જાણે કે એમનો જીવનમંત્ર છે. સવારથી લઈને સાંજ સુધી સાહિત્યપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેનારા સર્જક-સંશોધક ડૉ. કુમારપાળ ઓછું બોલે છે પણ એમનું કામ વધુ બોલે છે. માણસ જીવનભર સાધના કરે, તપ કરે એનું ફળ એને અવશ્ય મળે છે. ડૉ. કુમારપાળે સાહિત્યજગતમાં નિષ્ઠા, ખંત અને ધીરજથી જે કાર્ય કર્યું છે એની સુવાસ જનતા-જનાર્દનનાં હૈયાં સુધી પહોંચી છે. સાહિત્યસેવાની કદર રૂપે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે એમને જેનરત્ન' એવૉર્ડ અપાયો અને ૨૦૦૪માં પદ્મશ્રીનો એવોર્ડ પણ એનાયત થયો. આવા ઉદાત્ત માનપાનના અધિકારી ડૉ. કુમારપાળ દેસાઈને ગુજરાત લોકકલા ફાઉન્ડેશન વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારા વિદ્વાન મિત્ર અને કર્તવ્યપરાયણ ડૉ. કુમારપાળ દેસાઈનું જીવન સાહિત્ય અને પત્રકારત્વજગતમાં પગલાં માંડનાર સહુ કોઈના માટે પથદર્શક બની રહે એવું છે.
GT જોરાવરસિંહ જાદવ