________________
તો ખરું જ. તેમાં ધ્યાન આપવું જ પડે અને તેમાં જેટલું ધ્યાન આપે, તેટલું જ ધ્યાન સર્જનમાં આપે.
પાંચ ઘોડાની સવારી સાથેનો આ નિપુણ ઘોડેસવાર વિદ્યાર્થી અમારી નજર સમક્ષ શિશુમાંથી સાહિત્યકાર, વિદ્યાર્થીમાંથી વિદ્વાન, પ્રવચનકારમાંથી પ્રાધ્યાપક, અધ્યાપકમાંથી અધ્યક્ષ, પરિશ્રમ દ્વારા પદ્મશ્રી બનતો નિહાળ્યો. અમે ગમ્મત કરનારા ગમ્મત કરતા રહી ગયા, જોનારા જોઈ જ રહ્યા અને એના એ પાંચેય ઘોડા એકસાથે એ દોડે, શું દોડે!ન ઘોડા પરથી એ પડે, ન ઘોડાઓને પડવા દે.
આ પછી તો પંચકલ્યાણી એ રવાલ એવી તાલમાં આવી ગઈ કે ન એ પાંચ ઘોડાને પોતાના સવાર વગર ચાલે, ન સવારને પંચાવ્યા વગર ચાલે. બસ, સમય કપાતો જાય, ગતિ આગળ વધતી જાય, મંઝિલો પાછળ છૂટતી જાય, નવી દિશાઓ ખૂલતી જાય.
અમારા બાળસાહિત્યમાં ઘોડો ઊડેય ખરો. આ છ સાથીઓ માત્ર ધરતી પર દોડ્યા જ નહિ, દેશવિદેશમાં ઊડ્યા. પાંખો એવી ફેલાવી કે કેનેડા, ઈંગ્લેન્ડ, અમેરિકા, સિંગાપોર, એન્ટવર્પ, કેનિયા, દુબાઈ જેવા કંઈક દેશો એ પમુખ ઉડ્ડયનને જોવા માટે ગરદન ઊંચી કરતા રહ્યા.
એ પાંચ ઘોડાની નિયમિતતા તો આશ્ચર્યકારક, કુમારપાળ ગમે ત્યાં હોય, ગમે ત્યાં જાય, ગમે તે કરે, તેનું કૉલમ નિયમિત આવતું જ રહે. કોઈ સમય ન ચૂકે, કોઈ વાર ન ચૂકે, કોઈ કલાક ન ચૂકે. ક્યારેક લાગે કે આ કલમકાર પાસે બેથી વધારે દૃષ્ટિઓ જરૂર હશે. રમતગમતના લેખમાં જૂની પુષ્ટિ સાથેની નવામાં નવી માહિતી, ‘ઝગમગમાં હોળી, દિવાળી, નાતાલ બધું સાચવે. સમયના થપાટ પર બનતી ઘટનાઓની સાથે જ કલમને દોડાવે, જ્ઞાનવિજ્ઞાનને વાર્તામાં વણીગૂંથીને તેની સુગંધભરી શાશ્વત પુષ્પમાળા બનાવે. પ્રવચનમાં બીજા તજજ્ઞોના વચન સાથે પોતાના સૂચન પણ સામેલ કરે. બધું જ સુરમ્ય રીતે, સુરીલી રીતે. ન પોતે બોજ અનુભવે, ન વાચક કે શ્રોતાને બોજ અનુભવવા દે. હાસ્યકાર નહિ, પણ હસાવવાની થોડીક યુક્તિઓ અજમાવે અને હસવામાં ફસાવે.
જેને વિશે બોલે તેનો અભ્યાસ કર્યો હોય, પૂછીને જાણીને ગૂંથી લે. એકસાથે એક જ વિષય પર છ પ્રશિષ્ટો બોલવાના હોય તો પણ જરાય પીછેહઠ નહિ. બધાંથી જુદું બોલે, અલાયદું બોલે, નજીકનું બોલે, બધાનાં વક્તવ્યોના સારને ચગાવી દે.
રમતમાં તો તાત્કાલિક જ લખવું પડે પણ લાલબહાદુર શાસ્ત્રીના અવસાન વખતે લાલ ગુલાબ” પણ તાત્કાલિક લખાયેલ પુસ્તક. ૨૦૦ પાનાં, એક સપ્તાહમાં દશ હજાર પ્રતોનું વેચાણ. એ સમયે કુલ ૬૦ હજાર પ્રતોનું વેચાણ. પુસ્તકને ઇનામ તો ઠીક પણ એની ચિરંજીવિતાય વંદન કરે. રાતોરાત લખાયેલાં પુસ્તકો પ્રસિદ્ધ નથી હોતાં એવું માનશો નહિ, લાલ ગુલાબ' હજી આજેય લોકપ્રિય છે, ખુશબો ફેલાવે છે.
11 હરીશ નાયક