________________
સૌજન્ય એટલું કે પોતાની તાલબદ્ધ દોડની સાથે સાથીઓ અને જરૂરતમંદોનાં કામેય થતાં જ જાય. અકાદમીમાં પહોંચ્યા તો બાળસાહિત્યને ન્યાય અપાવ્યો. આજ સુધી જે બાળસાહિત્ય “અડધી ટિકિટ મનાતું તેને પ્રોઢ સાહિત્યની સમકક્ષ મૂક્યું. અવાજો ઊડ્યા હશે, ઊડ્યા જ હશે. મોટી નવલકથાના લેખકો કહે, “અમે બસો પાનાં લખીએ અને પાંચ હજાર ઇનામ અને બાળસાહિત્યવાળા વિસ પાનાં લખે, તેના પાંચ હજાર?” તેમને તેનો જવાબ મળી રહેતો : “તમેય લખો વીસ પાનાં, બતાવી આપો. મેદાન બધાને માટે ખુલ્લું છે. પણ તમારાં બસો પાનાંની વાત તેઓ વીસમાં સમાવતા હશે કેવી રીતે ? એ ખૂબી વિચારજો.”
બાળસાહિત્યને જાહેર મંચ ઉપર આટલી ગરિમા અપાવી કુમારપાળે.
કામ કરવું છે એટલે કરવું જ છે, કરતા જ રહેવું છે, એ જ જાણે કે મુદ્રાલેખ છે જીવનનો. કામની હળવાશ આ કુમારને અશોકકુમાર જેવા સદાબહાર કુમાર બનાવી રહે છે. સારસ્વતકુમાર કહીશું?
મોટાઓની, નિબંધોની, મહાનિબંધોની ઘણી વાત મોટાઓ લખશે, પણ બાળસાહિત્યને નૂતન બાળસાહિત્યનું રૂપ તથા ગૌરવ અપાવ્યું કુમારપાળે. દેત્ય, દાનવ, ભૂવા, ડાકણ, પાયાવિહીન કંઈક વાર્તાની ગળાપકડમાંથી બાળસાહિત્યને આ પિતા-પુત્રે જે સાર સમજ, સુબુદ્ધિ, સૌજન્ય, સદાચારી સુમાર્ગે મૂક્યું છે તેનો યશ તો ઇતિહાસ આપવો જ પડશે. સુમતિ, સુબુદ્ધિ, સુસંસ્કારિતા અને સુરમ્યતાની એવી સહેલ બાળ આલયમાં મૂકી કે જૂના, પીઢ, પાયા વિનાના, જડ ઘાલી બેઠેલા કિંવદંતી રાક્ષસો ભાગી જાય. સંજોગવશાત્ ફેન્ટસી આવી પણ તે હેતુલક્ષી અને તર્કસંગત.
પિતા જે ઈંટ ગોઠવતા એ ઇમારતને વધુ મજબૂત, દક્ષ, સુશોભિત તાજમહાલ બનાવવાનું કામ પુત્ર સાથે જ શરૂ કર્યું અને પિતા ન રહ્યા તો કલમનો ચંદો પિતા-પુત્રની સંયુક્ત જવાબદારીથી રમાડી “ઈંટ-ઇમારતને અમીટ ઇમારત, ઐતિહાસિક ઇમારત, મંદિર ઇમારત કે પ્રાર્થના ઇમારતની કક્ષાએ મૂકી દીધી. આટલી લાંબી, આટલી તાલબદ્ધ, આટલી સંગીતમય, આટલી પરિપક્વ, આટલી પ્રબુદ્ધ કૉલમશ્રેણીનો ઉલ્લેખ કોઈએ લિમકા કે ગિનેસ સુધી પહોંચાડવા જેવો છે. હું અને નવનીત સેવક ત્યારે સાહિત્યનાં કારખાનાં મનાતા, આણે તો એને ઉદ્યોગનું અંબાણી સ્વરૂપ જ બક્ષી દીધું.
જૈન છે એટલે વ્યવહારુ છે, ચતુર છે, કુશળ છે, ચાણક્ય પણ કહેવા પડે, પણ વિવાદના ઉકેલ માટે એની જ જરૂર પડે. પડે છે. એક બાજુ અધ્યક્ષ ભોળાભાઈનો કાર્યભાર ઉપાડી યશ તેમને આપે, બીજી બાજુ સમિતિઓનું સભ્યોનું સાહિત્યકારોનું સન્માન પણ સાચવે અઘરી વાત છે, પણ એને માટે સહેલી છે. સ્મિત સહિતના એના આગમનથી જ ઘણાં મૂંઝાયેલાં રાહતનો શ્વાસ લેતા હશે !
12 પાંચ ઘોડાનો સવાર