________________
૫૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૭
શ્રાવકને થાય કે આ જ તે તપસ્વી સાધુ છે. આવું બોલનાર તે સાધુ તપસ્તેન કહેવાય છે. અને તેવા સાધુ પણ ઉત્કૃષ્ટ સંક્લેશ પામે તો દશવૈકાલિકસૂત્રમાં કહ્યા પ્રમાણે દેવ કિલ્બિષિક ભાવોને પામે છે.
આનાથી એ ફલિત થાય કે ઉત્સૂત્રભાષણ કરતાં ઉત્કૃષ્ટ સંક્લેશ થાય કે તપસ્તેનાદિના પ્રસંગે ઉત્કૃષ્ટ, સંક્લેશ થાય કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતાં ઉત્કૃષ્ટ સંક્લેશ થાય તો તે વખતે વર્તતા મિથ્યાત્વના તીવ્ર પરિણામને અનુસા૨ સંસારની વૃદ્ધિ થાય છે અને કિલ્બિષિકાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે.
વળી પૂર્વપક્ષી કહે છે તેમ દશવૈકાલિકસૂત્રના પાઠના બળથી ઉત્સૂત્રભાષણનું પ્રાયશ્ચિત્ત પરભવમાં ન થાય તેમ સ્વીકારવામાં આવે તો આચારાંગમાં કહ્યું છે કે “કેટલાક જીવો પ૨ના માટે ક્રૂર કર્મો કરીને તે દુ:ખથી સંમૂઢ થયેલા વિપર્યાસને પામે છે.” તે વચનને અનુસાર હિંસાદિ પાપ કરનાર પણ દુર્લભબોધિ બને છે માટે હિંસાદિ પાપ કરનારને પણ ભવાંતરમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ શકે નહિ તેમ સ્વીકારવું પડે.
આ સર્વ દોષોને સાંભળીને પૂર્વપક્ષી કહે કે પ્રમાદથી કરાયેલાં સર્વ પાપો વિપર્યાસનાં આધાયક બને છે અને વિપર્યાસ જલથી સિંચન કરાતાં ક્લેશરૂપી વૃક્ષો અનુબંધ ફળવાળાં હોય છે. તેથી સર્વ પાપોથી દીર્ઘ સંસારની પ્રાપ્તિ થઈ શકે છે છતાં જીવની તેવી યોગ્યતાવિશેષને કારણે કોઈક જીવનો તે વિપર્યાસ પાછળથી નિવર્તન પામે છે, તેથી અનુબંધવાળાં પણ તે કર્મોમાંથી અનુબંધશક્તિ નિવર્તન પામે છે, તેથી પૂર્વભવમાં કરાયેલાં હિંસાદિ પાપોની શુદ્ધિ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – જે નિયમ પૂર્વપક્ષી હિંસાદિ પાપ માટે સ્વીકારે છે તે નિયમ પ્રમાણે જ ઉત્સૂત્રભાષણથી થયેલા પાપમાં રહેલી અનુબંધશક્તિ કોઈક જીવમાંથી નિવર્તન પામી શકે છે. તેથી ઉત્સૂત્રભાષણના પાપની શુદ્ધિ પણ જન્માંત૨માં થઈ શકે છે.
અહીં કોઈને શંકા થાય કે આ પ્રમાણે સ્થાપન ક૨વાથી ઉત્સૂત્રભાષણ કરનારાઓને અનંતસંસારની પ્રાપ્તિ નિયમથી છે તેમ કહી શકાય નહીં. આવું સ્વીકારવાથી ઉત્સૂત્રભાષણ પ્રત્યેનો જે ભય છે તે થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉત્સૂત્રભાષણથી અનંતસંસારનો એકાંત નિયમ ન હોવા છતાં બહુલતાએ અનંતસંસારની પ્રાપ્તિ છે તે અપેક્ષાએ આસ્તિક જીવને ભયની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ હિંસાદિની પ્રવૃત્તિમાં પણ આસ્તિક જીવને ભય થાય છે કે આ પાપોથી મને નરકની પ્રાપ્તિ થશે.
આશય એ છે કે વંકચૂલ જેવા કેટલાક જીવોએ જીવનના પૂર્વાર્ધમાં ઘણી હિંસા કરેલી હોય છે અને પાછળથી વિવેક સંપન્ન થવાને કારણે આરાધના કરીને દેવભવમાં જાય છે. તેઓને તે હિંસાનું ફળ પ્રાપ્ત થતું નથી તોપણ હિંસાદિ ક૨ના૨ જીવો બહુલતાએ નરકમાં જાય છે તેવો નિયમ હોવાથી જેને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે તેવા આસ્તિક જીવોને હિંસાદિ પાપોથી દુર્ગતિની પ્રાપ્તિનો ભય વર્તે છે અને તેથી જ તેઓ હિંસાદિ પાપો કરતા નથી. તેમ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા એવા આસ્તિકને પણ જણાય છે કે ઉત્સૂત્રવચનથી બહુલતાએ અનંતસંસારની પ્રાપ્તિ છે તેથી ઉત્સૂત્રભાષણથી સદા ભય પામેલા તેઓ ક્યારેય ઉત્સૂત્રભાષણ કરતા નથી. II૰ા