________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૮૭
કેમ અસંબદ્ધ પ્રલાપ માત્રરૂપ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
ટીકાકારે “સર્વપ્રવાદમૂલ' એ ગાથાનો જે અર્થ કર્યો તેમાં કોઈ અનુપપત્તિ નથી. માટે ટીકાકારના તે કથનને અસંબદ્ધ કહેવું એ અસાર વચન છે.
અહીં પ્રશ્ન થાય કે દ્વાદશાંગ એ સર્વપ્રવાદનું મૂલ સ્વીકારીએ તો દ્વાદશાંગ શુભાશુભ સર્વ પ્રવાદોનું કારણ કઈ રીતે થઈ શકે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
વિધિનિષેધરૂપપણાથી કે સ્વસમય-પરસમય પ્રજ્ઞાપનાના પ્રકારથી દ્વાદશાંગીને સર્વ પ્રવાદનું મૂલ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
આશય એ છે કે અન્યદર્શનમાં પણ જે શુભ પ્રવાદો છે તેનો દ્વાદશાંગી વિધિરૂપે સ્વીકાર કરે છે અને અશુભ પ્રવાદો છે તેનો નિષેધરૂપે સ્વીકાર કરે છે તેમ સ્વીકારી શકાય; કેમ કે સર્વજ્ઞના વચનમાંથી તે તે દર્શનોનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે જે શુભ વચનોથી તે તે દર્શનની નયદષ્ટિ પ્રવર્તી તે વિધિરૂપ છે અને જે જે નયદૃષ્ટિ એકાંત આગ્રહથી પ્રવર્તી તે નિષેધરૂપ છે. અથવા સર્વ જીવોને હણવા જોઈએ ઇત્યાદિ અશુભ વચનો છે તે જિનવચનમાં નિષેધરૂપ છે. તેથી સર્વજ્ઞના વચનમૂલક સર્વપ્રવાદો હોવા છતાં જે શુભ પ્રવાદો છે તે કલ્યાણનું કારણ છે માટે વિધિરૂપ છે અને જે અશુભ પ્રવાદો છે તે અકલ્યાણનું કારણ છે માટે નિષેધરૂપ છે. અથવા જે શુભ પ્રવાદો છે તે સ્વસમયની પ્રજ્ઞાપના સર્વજ્ઞની પ્રજ્ઞાપના, છે અને જે અશુભ પ્રવાદો છે તે પર સમયની પ્રજ્ઞાપના છે તેમ સ્વીકારીને દ્વાદશાંગીમાંથી સર્વ પ્રવાદોના ઉભવને સ્વીકારવામાં કોઈ દોષ નથી.
વળી, અશુભ પ્રવાદો પણ સર્વજ્ઞના વચનમાંથી પ્રવર્યા છે. માટે સર્વજ્ઞના વચનમૂલક હોવાથી ઉપાદેય માનવા પડશે. એ પ્રકારનો જે પ્રસંગ પૂર્વપક્ષીએ આપેલો તે સંગત નથી; કેમ કે સર્વજ્ઞના વચનથી જે વિષયોનો બોધ થયો હોય તે સર્વજ્ઞના વચનમૂલક કહેવાય. સર્વજ્ઞ વચનમૂલક એવો સર્વ બોધ ઉપાદેયત્વમાં પ્રયોજક નથી, પરંતુ જિનવચનથી વિહિતત્વ જ ઉપાદેયતામાં પ્રયોજક છે. આથી જ ઉત્સર્ગમાર્ગ સાધુનો કેવા પ્રકારનો છે? તેવો બોધ જિનવચનથી જ થયેલો હોવા છતાં જે વખતે અપવાદનો અવસર હોય તે વખતે તે અપવાદ વચન જ પ્રવર્તક બને છે.
વળી, પૂર્વપક્ષીએ કહેલ કે સર્વપ્રવાદોને દ્વાદશાંગીમૂલક સ્વીકારવામાં આવે તો સર્વ પણ પરપ્રવાદોની અવજ્ઞા કરવામાં જિનની અવજ્ઞાની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે સર્વ પણ પરપ્રવાદોની અવજ્ઞા કરવામાં જિનની અવજ્ઞા સ્વીકારાતી નથી પરંતુ પરપ્રવાદોગત જે સુંદર પ્રવાદો છે. તેની અવજ્ઞાકરણમાં જ જિનની અવજ્ઞા સ્વીકારાઈ છે. તેથી “જીવને હણવા જોઈએ” ઇત્યાદિ નયપ્રવાદોની અવજ્ઞાથી જિનની અવજ્ઞાની પ્રાપ્તિ થશે એ પ્રકારે પૂર્વપક્ષીએ જે આપાદન કર્યું તે અસંગત જ છે. આ રીતે ટીકાકારનું વચન સંગત થતું હોવાથી “સર્વપ્રવાદ મૂલ” ગાથાનો અર્થ પૂર્વપક્ષી જે અન્ય રીતે કલ્પના કરે છે તે નિર્મલ જ છે અને અસંગતતર જ છે.