________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪ “યતિને પણ દ્રવ્યસ્તવનો ભેદ અનુમોદનાથી છે.” એ પ્રકારના પ્રતીકને વિવરણ કરતાં ટીકાકાર વડે કહેવાયું છે કે “યંતિને પણ=ભાવસ્તવારૂઢ એવા સાધુને પણ=કેવલ ગૃહસ્થને નહિ પરંતુ સાધુને પણ, દ્રવ્યસ્તવ વિશેષ અનુમોદનાથી=જિનપૂજાદિ દર્શન જનિત પ્રમોદ, પ્રશંસાદિ લક્ષણ અનુમતિથી, છે. ‘તિ’ શબ્દ વાક્યની પરિસમાપ્તિમાં છે.” ।।૩૪।।
39.
ભાવાર્થ :
અનુમોદના અંતરંગ પ્રીતિના પરિણામથી થતા માનસવ્યાપારરૂપ છે અને પ્રશંસા અંતરંગ પ્રીતિના પરિણામથી અભિવ્યક્ત થતા વચનવ્યાપારરૂપ છે. આ બેનો વિષયભેદ નથી, પરંતુ એક જ વિષય છે. ફક્ત અનુમોદના કહેવાથી અનુમોદનાસામાન્યનો સંગ્રહ થાય છે=કાયિક, વાચિક અને માનસિક અનુમોદનારૂપ અનુમોદનાસામાન્યનો સંગ્રહ થાય છે. જ્યારે પ્રશંસા કહેવાથી વાચિક અનુમોદનાનું ગ્રહણ થાય છે. તેથી જેમ પૃથ્વી અને દ્રવ્યમાં દ્રવ્યસામાન્ય છે અને પૃથ્વી એ દ્રવ્યવિશેષ છે તેમ અનુમોદના કહેવાથી ત્રણે યોગથી થતી અનુમોદનાનું ગ્રહણ થાય છે, માટે અનુમોદના સામાન્ય છે અને પ્રશંસા કહેવાથી વાચિક અનુમોદનાનું ગ્રહણ થાય છે, માટે પ્રશંસા એ અનુમોદનાવિશેષ છે. આ રીતે સામાન્ય-વિશેષરૂપ અનુમોદના-પ્રશંસાનો ભેદ છે, પરંતુ વિષયના ભેદથી અનુમોદના, પ્રશંસાનો આત્યંતિક ભેદ નથી; કેમ કે પ્રશંસાનું અનુમોદનાવિશેષપણું હોવાથી અન્ય વિષયના ભેદની પ્રાપ્તિ નથી.
વળી, અનુમોદનારૂપ જ પ્રશંસાવિશેષ છે તે બતાવવા યુક્તિ બતાવે છે
પ્રત્યક્ષથી ભિન્ન વિષયવાળું ઘટપ્રત્યક્ષ નથી તેમ પ્રશંસારૂપ અનુમોદના એ અનુમોદનાસામાન્યથી ભિન્ન વિષયવાળી નથી. વળી, માનસઉત્સાહરૂપ અનુમોદના પણ પ્રશંસાથી ભિન્ન વિષયવાળી નથી; કેમ કે પ્રકૃતિથી સુંદર વસ્તુનું જ સમ્યગ્દષ્ટિને અનુમોદનીયપણું છે અને પ્રશંસનીયપણું છે.
આશય એ છે કે જેઓની ગુણને જોનારી સુંદર દૃષ્ટિ છે તેઓ પ્રકૃતિથી સુંદર વસ્તુની જ અનુમોદના અને પ્રશંસા કરે છે. જેમ ગુણને જોનારી સુંદર દૃષ્ટિ હોવાને કારણે કૃષ્ણ મહારાજાએ રસ્તામાં પડેલા અતિશય દુર્ગંધમય એવા કૂતરાના બે દાંતની જ અનુમોદના અને પ્રશંસા કરી, અન્ય કોઈ અવયવોની પ્રશંસા કરી નહિ. તે રીતે તત્ત્વને જોનારી દૃષ્ટિ જેઓની ખૂલી છે તેઓ મોક્ષને અનુકૂલ એવી આચરણામાં પણ મોક્ષને અનુકૂલ ભાવોને જ જોઈને તેની અનુમોદના અને પ્રશંસા કરે છે.
અહીં પૂર્વપક્ષી કહે છે કે પોતાને જે ઇષ્ટ હોય તેને સાધક જ વસ્તુ અનુમોદનાનો વિષય છે. તેથી વિરતિધર મહાત્માઓ પોતાને ઇષ્ટ એવા જિનવચનાનુસાર કરાતા જ તપ-સંયમાદિની અનુમોદના કરે છે અને અવિરતિવાળા સંસારી જીવો પોતાને ઇષ્ટ એવા આરંભ-પરિગ્રહાદિની અનુમોદના કરે છે. આથી જ કોઈ સંસારી જીવો કુશળતાપૂર્વક સંસારના આરંભો કરતા હોય ત્યારે તે કૃત્ય પોતાને ગમતું હોય તો તે કૃત્યની સંસારી જીવો અનુમોદના કરતા હોય છે, પરંતુ પરના ઇષ્ટનું સાધન અને પોતાનું અનિષ્ટનું સાધન હોય તેની કોઈ અનુમોદના કરતું નથી. આથી જ પોતાના ધનનું હરણ કરીને પર