________________
૩૮૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ દેવરૂપે પૂજતા હોય ત્યારે તે પ્રતિમાને પૂજવાથી તે દર્શનની માન્યતાને પ્રોત્સાહન મળે છે, માટે તેઓના મિથ્યાદર્શનની વૃદ્ધિ થાય છે. તેથી સાક્ષાત્ તે પ્રતિમાને વિવેકી શ્રાવક નમસ્કાર કરતા નથી, તોપણ “જે કિંચિ નામ તિર્થં સૂત્રથી કે “જાવંતિ' સૂત્રથી તે પ્રતિમાને વંદન કરે જ છે; કેમ કે તે પ્રતિમા તીર્થંકરની હોવાથી તરવાનું કારણ છે, માટે જિનબિંબરૂપે સર્વ જિનપ્રતિમાઓને નમસ્કાર કરવામાં દોષ નથી.
આ રીતે પરમતનાં વચનોમાં પણ સર્વ જીવોના દયા-શીલાદિ શોભન છે, એ પ્રકારે સામાન્યથી અન્યદર્શનના ગુણોની અનુમોદના કરવામાં કોઈ દોષ નથી. આથી જ ધર્મબિંદુમાં ધર્મદેશનાના અધિકારમાં લોક-લોકોત્તર સાધારણગુણની પ્રશંસા કરવાનું કહેલ છે. તેથી પરદર્શનનાં પણ સુંદર વચનોને “આ વચનો મોક્ષનાં કારણ છે તે પ્રકારે પ્રતિસંધાન કરીને અનુમોદના કરવાથી દોષની પ્રાપ્તિ નથી. આ અનુમોદના કોઈ મિથ્યાષ્ટિ પુરુષને ગ્રહણ કરીને કરાયેલી નથી, પરંતુ આ દયાદિ ગુણો મોક્ષનાં કારણ છે એ રીતે સામાન્યથી પ્રશંસા કરાયેલી છે. જોકે તે વચનો પરદર્શનનાં હોવાથી વિશેષમાં જ પર્યવસાન પામે છે. અર્થાત્ પરદર્શનનાં આ વચનો મોક્ષનાં કારણ છે એ પ્રકારે જ અભિવ્યક્ત થાય છે, તોપણ તે પ્રશંસામાં સાધારણ ગુણોનો અનુરાગ જ અભિવ્યક્ત થાય છે. માટે તે પ્રશંસાથી મિથ્યાત્વની વૃદ્ધિ થતી નથી આ પ્રકારે ગ્રંથકારશ્રીએ સ્પષ્ટતા કરી.
તેથી કોઈકને શંકા થાય કે જેમ અન્યતીર્થિક વડે ગ્રહણ કરાયેલી જિનપ્રતિમા સામાન્યથી વંદ્ય હોવા છતાં વિશેષથી અવંદ્ય છે તેમ અન્યદર્શનમાં રહેલા પુરુષમાં જે દયાદિ ગુણો છે, તેની સામાન્યથી પ્રશંસા થઈ શકે તોપણ અન્યદર્શનમાં રહેલા તે પુરુષને આશ્રયીને તે ગુણોની પ્રશંસા થઈ શકે નહિ; કેમ કે અન્યદર્શનવાળા જીવો મિથ્યાષ્ટિ છે તેવું પ્રતિસંધાન થવા છતાં તેના ગુણોની પ્રશંસા કરવામાં આવે તો તેના દોષોની અનુમતિની પ્રાપ્તિ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો આ રીતે કોઈના પણ ગુણોની પ્રશંસા કરવાથી તેના દોષની અનુમતિની પ્રાપ્તિ થતી હોય તો અવિરતસમ્યગ્દષ્ટિના સમ્યક્તગુણની પ્રશંસા કરવાથી તેમાં રહેલા અવિરતિદોષની અનુમતિની પણ પ્રાપ્તિ થાય. તેથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિમાં રહેલા સમ્યક્તની અનુમોદના કરવાથી તેની અવિરતિની અનુમોદના થતી નથી, પરંતુ તેના સમ્યક્ત પ્રત્યેનો જ રાગભાવ વૃદ્ધિ પામે છે. તે જ રીતે અન્યદર્શનમાં રહેલા મિથ્યાષ્ટિ જીવોમાં પણ સમ્યક્તને અભિમુખ એવા માર્ગાનુસારીભાવને કારણે જે દયા-શીલાદિ ગુણો છે તેની અનુમોદના કરવાથી તેના મિથ્યાત્વની અનુમોદના થતી નથી પરંતુ તેઓમાં રહેલા સમ્યક્તના અભિમુખ ભાવની જ અનુમોદના થાય છે.
જેમ કોઈ સાધુ સુખશીલભાવમાં વર્તતા હોય ત્યારે તેના સુખશીલભાવને જોઈને પણ તેને વંદના કરવામાં તેના પ્રમાદસ્થાનની અનુમોદનાની પ્રાપ્તિ છે; કેમ કે સંયમીને સંયમી તરીકે વંદન કરવાથી સંયમની અનુમોદના થાય, પરંતુ જે સંયમી, વેશથી સંયમી હોવા છતાં સંયમની આચરણામાં યત્ન કરતા નથી તેઓને સંયમી માનીને વંદન કરવાથી તેના અસંયમની અનુમોદના થાય છે. તેમ અન્યદર્શનના મિથ્યાદૃષ્ટિ જીવોને મિથ્યાદૃષ્ટિ તરીકે અનુમોદના કરાતી નથી પરંતુ સમ્યક્તના સન્મુખ ભાવને આશ્રયીને અનુમોદના કરાય છે. માટે ત્યાં મિથ્યાત્વની અનુમોદના નથી.