________________
૩૭૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ હોવા છતાં તે સર્વ અનુષ્ઠાનમાંથી જે અનુબંધશુદ્ધઅનુષ્ઠાન છે તે અનુષ્ઠાનમાંથી પણ જે ઉત્સર્ગમાર્ગની આચરણારૂપ છે તેટલું જ અનુષ્ઠાન જાતિથી અનુમોદ્ય છે, અન્ય અનુષ્ઠાન જાતિથી અનુમોદ્ય નથી. આથી જ જિનવચનાનુસાર કોઈ શ્રાવક કે સમ્યગ્દષ્ટિ દયા, દાન, શીલાદિક અનુષ્ઠાનનું સેવન કરતા હોય તે સર્વ મોક્ષને અનુકૂલ ભાવનિષ્પત્તિને માટે સ્વરૂપયોગ્ય હોવાથી અનુમોદ્ય છે અને તેવું અનુષ્ઠાન જેમ અનુમોદ્ય છે તેમ પ્રશંસનીય પણ છે.
વળી, ભાવવિશેષને આશ્રયીને જે અનુષ્ઠાન જાતિથી સુંદર નથી તે પણ અનુમોદ્ય છે અને જાતિથી સુંદર છે તે પણ અનુમોદ્ય છે. આથી જ ભાવથી યુક્ત એવું અપુનબંધકથી માંડીને અયોગ કેવલી સુધીનું સર્વ અનુષ્ઠાન અનુમોદ્ય છે. તેથી કલ્યાણના અર્થી જીવોએ અપુનબંધકથી માંડીને અયોગીકેવલી સુધીની અવસ્થાનું જે જે ઉચિત અનુષ્ઠાન છે તે સર્વ અનુષ્ઠાનમાં વર્તતા મોક્ષને અનુકૂલ એવા અસંગ પરિણામના અંશરૂપ ભાવને આશ્રયીને સર્વની અનુમોદના અને પ્રશંસા કરવી જોઈએ. અર્થાત્ વિષયશુદ્ધઅનુષ્ઠાનમાં મોક્ષના આશયરૂપ કંઈક અસંગ અવસ્થાનો રાગ છે, તે અંશથી તે અનુષ્ઠાન અનુમોદ્ય છે. સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનમાં મોક્ષના આશયથી યુક્ત કંઈક મોક્ષને અનુકૂલ એવી બાહ્ય યમાદિની આચરણા છે, તે અંશથી અનુમોદ્ય છે. અનુબંધશુદ્ધઅનુષ્ઠાન જિનવચનથી નિયંત્રિત સૂક્ષ્મ બોધથી સંવલિત સ્વભૂમિકાનુસાર સમ્યગ્દષ્ટિ આદિ જીવોથી સેવા, દયા, દાનાદિકથી માંડીને યાવતુ યોગનિરોધ સુધીનું અનુષ્ઠાન છે. તે અનુષ્ઠાનમાં જે કાંઈ અપવાદની આચરણા છે, તે જાતિથી અનુમોદ્ય નથી, પરંતુ ભાવને આશ્રયીને અનુમોઘ છે. જેમ વીર ભગવાને તાપસની અપ્રીતિના પરિહારાર્થે ચાતુર્માસમાં વિહાર કર્યો, તે ચાતુર્માસમાં સાધુના વિહારગમનની ક્રિયા જાતિથી અનુમોદ્ય નથી, પરંતુ તાપસની અપ્રીતિના પરિહારરૂપ ભાવને આશ્રયીને અનુબંધ શુદ્ધ એવું પણ વીર પ્રભુનું અનુષ્ઠાન અનુમોદ્ય છે.
અહીં ઉપદેશપદની વૃત્તિમાં કહ્યું કે અપુનબંધકની ચેષ્ટાથી માંડીને અયોગીકેવલી અવસ્થા સુધીના તે તે પ્રકારના શુદ્ધ આચારોમાં બહુમાન કરવું જોઈએ. તે બહુમાનનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે ક્ષયોપશમના વૈચિત્ર્યથી મૃદુ, મધ્ય અને અતિશય બહુમાન કરવું જોઈએ. તેનાથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધકથી માંડીને અયોગીકેવલી અવસ્થા સુધીની કઈ કઈ આચરણાની ભૂમિકા છે તે આચરણાની ભૂમિકાનું પોતાના ક્ષયોપશમાનુસાર બોધ કરવા યત્ન કરવો જોઈએ. બોધ કર્યા પછી તે બોધને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ. એ બોધ સ્થિર થયા પછી વારંવાર તે સર્વ અવસ્થાઓ ઉત્તર-ઉત્તરની અવસ્થાની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિનું કારણ છે તેનું સૂક્ષ્મ પર્યાલોચન કરીને તે સર્વ અવસ્થા પ્રત્યે રાગનો અતિશય થાય તેવો યત્ન કરવો જોઈએ. આ પ્રકારનો કરાયેલો યત્ન પણ જીવના ક્ષયોપશમની વિચિત્રતાથી કોઈકને સામાન્ય બહુમાન, કોઈને મધ્યમ બહુમાન અને કોઈને શક્તિના ઉત્કર્ષથી બહુમાન થાય છે. તેથી સ્વશક્તિના સામર્થ્ય અનુસાર બહુમાન કરવું જોઈએ.
જેમ વીર ભગવાનને જોઈને જીર્ણ શેઠને શક્તિના ઉત્કર્ષથી બહુમાનનો ભાવ થયો. જેના બળથી ભગવાનના દાનના અભિલાષથી એ મહાત્મા ક્ષપકશ્રેણીની નજીકની ભૂમિકાને પામ્યા.