________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭
૩૩૭
દીક્ષાવિધિના ભાવનથી તેઓનો કુગ્રહ નાશ પામે છે. વળી, અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર મુનિઓ કુગ્રહ વગરના છે. તેથી દીક્ષાવિધિના ભાવનથી કે સેવનથી તેઓ વિશેષ પ્રકારના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે.
માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવો કુગ્રહવાળા પણ છે અને તેઓ દીક્ષાના ભાવનમાત્રથી કુગ્રહનો વિરહ કરી શકે તેવા નથી. તે કથનથી એ પ્રાપ્ત થાય કે જે જીવો નગરના બહારના ભાગમાં છે, પણ તે નગરને અભિમુખ ભાવવાળા છે. આ જીવો માર્ગાભિમુખ છે. વળી કોઈક જીવો તે નગરના દ્વાર પાસે આવીને રહેલા છે, પણ નગરની બહાર છે, આ જીવો માર્ગપતિત છે. વળી કોઈક જીવોએ નગરની અંદર પ્રવેશ કરેલો છે, પણ આઘભૂમિકામાં છે, આ જીવો સકૃદબંધક છે. વળી કોઈક જીવોએ તેનાથી આગળ નગરની અંદર પ્રવેશ કરેલો છે, પરંતુ તે નગરમાં રહેલ રાજાના સુંદર મહેલથી દૂર છે, આ જીવો અપુનબંધક છે.
આ ચારે પ્રકારના જીવો અભિન્નગ્રંથિવાળા હોવાથી મિથ્યાષ્ટિ છે, તોપણ માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોમાં મિથ્યાત્વનો અંશ અધિક છે. તેથી દીક્ષાવિધિના ભાવનમાત્રથી કુગ્રહનો વિરહ પ્રાપ્ત કરી શકતા નથી. સકૃબંધક અને અપુનબંધક મિથ્યાષ્ટિ હોવા છતાં મિથ્યાત્વની કંઈક મંદતાને પામેલા છે. તેથી ગીતાર્થની દેશનાના શ્રવણથી દીક્ષાવિધિનું ભાવન કરીને શીધ્ર કુગ્રહનો વિરહ કરી શકે છે. અવિરતસમ્યગ્દષ્ટિ આદિ જીવોને કુગ્રહ નહીં હોવાથી અને ભગવાનના શાસનના પરમાર્થને પામેલા હોવાથી દીક્ષાવિધિના પારમાર્થિક સ્વરૂપને સદા જોનારા છે અને તેના ભાવન દ્વારા ભાવથી દીક્ષાની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોને તેઓ નાશ કરે છે.
પૂજાવિંશિકાના ઉદ્ધરણમાં કહ્યું કે દેશઆરાધક જીવોને સાધુયોગાદિનો ભાવ તે પ્રકારનો અનુબંધવાળો થતો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મ સામાન્ય ફળ છે જેને એવી ક્રિયા કરનારા શ્રાવકોને ગીતાર્થ સાધુનો યોગ થાય તોપણ જે પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવો ગીતાર્થના ઉપદેશના પરમાર્થને જાણીને ઉત્તરોત્તર વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે સાનુબંધ અનુષ્ઠાન સેવે છે, તે પ્રકારે સાનુબંધ અનુષ્ઠાન ગ્રંથિની નજીક રહેલા જીવો ગીતાર્થના ઉપદેશ દ્વારા પણ સેવી શકતા નથી, તોપણ ગીતાર્થના ઉપદેશના બળથી કંઈક સાનુબંધ સેવીને શીધ્ર સમ્યક્તને પામે છે.
આખી ગાથાના કથનથી શું ફલિત થાય છે ? તે બતાવતાં કહે છે – ધર્મસામાન્ય ફલવાળા અનુષ્ઠાનને કરનારા ગીતાર્થનિશ્રિત સાધુનું કે શ્રાવકનું પણ દેશારાધકપણું છે; કેમ કે અવ્યુત્પન્નદશા હોવાને કારણે ગીતાર્થ પાસેથી તે તે અનુષ્ઠાન વિષયક ઉપદેશ સાંભળવા છતાં તે તે અનુષ્ઠાન કઈ રીતે સંયમના પરિણામની વૃદ્ધિ કરી શકે છે ? તે પ્રકારના મર્મનો બોધ થાય તે રીતે ભાવથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ નથી અને કલ્યાણના અર્થી હોવાથી શ્રાવકાચાર કે સાધ્વાચારના પાલનરૂપ શીલને પાળે છે, માટે દેશારાધક છે.