________________
૩૫૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦
અનુકૂળ લેશ પણ ભાવ નથી તેઓની ક્રિયા નિશ્ચયનયને અભિમત પરિણામના સ્પર્શ વગરની હોવાથી મોક્ષનું કારણ નથી. માટે એવા ક્લિષ્ટ કર્મવાળા જીવો વ્યવહારની સર્વક્રિયાઓ કરતા હોય તો પણ તે ક્રિયાથી તેઓનું લેશ પણ આ સંસારસમુદ્રમાં રક્ષણ નથી. વળી શાસ્ત્રમાં વ્યવહાર બલવાન છે તેમ જ કહ્યું છે તે નિશ્ચયપ્રાપક વ્યવહાર છે. તેથી એ ફલિત થાય કે જે વ્યવહારનયની ક્રિયા પરિણામના લક્ષ્યની સાથે બદ્ધ થઈને કરવામાં આવે છે તે ક્રિયાથી તત્કાલ જ નિશ્ચયનયને અભિમત ભાવો અવશ્ય થાય છે તેવો વ્યવહારનય બલવાન છે. જેમ ભગવાનના ગુણના પ્રણિધાનપૂર્વક કોઈ શ્રાવક ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે ભગવાનની ભક્તિકાળમાં ચારિત્રનાં પ્રતિબંધક કર્મોનું વિગમન થાય તેવા નિશ્ચયનયને અભિમત પરિણામ થાય છે. આથી જ કોઈ સાધુ જિનવચનના સ્મરણપૂર્વક ભિક્ષાની વિધિથી ભિક્ષા લાવેલા હોય તો તે ભિક્ષા લાવવાની ક્રિયા વિધિશુદ્ધ હોવાથી સંયમવૃદ્ધિનું કારણ છે, તેથી કેવલીને તે ભિક્ષા કેવલજ્ઞાનમાં અશુદ્ધ જણાય તોપણ તે ભિક્ષાને કેવલી વાપરે છે. પરંતુ આ ભિક્ષા અશુદ્ધ છે તેમ કહેતા નથી.
વળી, ભાવને અનુકૂળ વ્યવહારમાં યત્ન કરવો જોઈએ તેની જ પુષ્ટિ કરવા અર્થે શાસ્ત્રકારોએ કહ્યું છે કે કોઈ અવિચારક જીવો કહે છે કે અવિધિથી પણ સામાયિકાદિ ક્રિયા કરવી જોઈએ; કેમ કે દુષમા કાળમાં વિધિનું દુર્લભપણું છે અને વિધિનું આશ્રયણ કરવામાં આવશે તો પ્રાયઃ ક્રિયા કરનારા જીવોની અપ્રાપ્તિ થવાથી માર્ગનો ઉચ્છેદ થશે. તેઓનાં તે વચનો ભગવાનના શાસનથી વિપરીત છે તે બતાવવા માટે વ્યવહારની શુદ્ધિનો હેતુ એવી વિધિમાં જ યત્ન કરવો જોઈએ. એમ પંચાશકમાં હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે.
પંચાશકના કથનનું તાત્પર્ય એ છે કે પ્રસ્તુત ઉદ્ધરણની પૂર્વની ગાથામાં કહ્યું એ પ્રમાણે સૂરિએ વંદનાદિ ક્રિયા વિષયક પૂર્વાપર ભાવનું આલોચન કરવું જોઈએ. અર્થાત્ કારણભાવ પૂર્વભાવ છે અને કાર્યભાવ અપર ભાવ છે. તેથી વંદનાદિની ક્રિયામાં તે પ્રકારના પૂર્વભાવમાં યત્ન કરવો જોઈએ. જેથી તે ક્રિયાથી નિષ્પાઘ એવો ઉત્તરભાવ પ્રગટ થાય અને અન્ય જીવોને પણ તે પ્રકારે જ કરાવવું જોઈએ. જેથી અવ્યુત્પન્ન એવા મુગ્ધ જીવો પણ તે આચાર્યાદિ દ્વારા કરાતી વંદનાદિની ક્રિયાને જોઈને તે પ્રમાણે જ કરવાના પરિણામવાળા થાય. જોકે મુગ્ધ જીવો અવ્યુત્પન્ન બુદ્ધિવાળા હોવાથી જે પ્રકારે આચાર્ય સ્વયં વંદના કરે છે અને વ્યુત્પન્ન બુદ્ધિવાળા શિષ્યો પાસેથી કરાવે છે તે પ્રમાણે પૂર્ણરૂપે કરી શકતા નથી, તોપણ આચાર્યાદિના વચનનું અનુસરણ કરીને કંઈક અંશથી તે ભાવો નિષ્પન્ન થાય તેવો યત્ન કરે છે. જેથી તે ક્રિયા કરીને જ ક્રમસર વ્યુત્પન્ન બુદ્ધિવાળા પણ બને છે.
આ સર્વ કથનથી એ ફલિત થાય કે કાળના દોષને કારણે જૈનશાસનની ક્રિયા કરનારા જીવોમાં પણ અલ્પ જીવો જ આરાધક દેખાય છે. તેથી ભગવાનની આજ્ઞાનુસાર કરવાની રુચિથી શુદ્ધ એવા જીવોમાં જ ભક્તિ-બહુમાનાદિ કરવું જોઈએ, પરંતુ સ્વમતિ અનુસાર ક્રિયા કરનારાઓની ભક્તિ-બહુમાનાદિ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. Il૩૦માં