________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૩
૩૬૩
માનસવ્યાપારથી થતી અનુમોદનાથી જે ફળ વિશેષ પ્રાપ્ત થાય છે તે સંગત થાય નહિ, પરંતુ એમ જ કહેવું પડે કે માનસવ્યાપારને અનુરૂપ જ અનુમોદનાનું ફળ છે. વસ્તુતઃ માત્ર માનસવ્યાપારથી થતી અનુમોદનામાં જેવો પરિણામ છે તેના કરતાં ત્રણે યોગથી થતી અનુમોદનામાં અનુમોદનનો પરિણામ વિશેષ છે. તેથી ત્રણે યોગથી થતી અનુમોદનાથી વિશેષ પ્રકારની નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રકારનો અનુભવસિદ્ધ વ્યવહાર છે.
વળી, નૈયાયિક અંતર્ગત કેટલાક વિચારકો કહે છે કે ગ્રંથરચનાદિ અર્થે મંગલ કરાય છે અને ગુણની પ્રાપ્તિ અર્થે ભગવાનની પૂજા કરાય છે તે સર્વમાં મંગલત્વ અને પૂજા– જાતિ છે તે માનસવ્યાપારરૂપ છે. તેથી માનસના અનેક વ્યાપારોમાંથી અમુક પ્રકારનો માનસવ્યાપાર મંગલત્વ જાતિ છે અને અમુક પ્રકારનો માનસવ્યાપાર એ પૂજા– જાતિ છે. માટે માનસત્વવ્યાપ્ય જાતિવિશેષ મંગલત્વાદિ છે, પણ મંગલ કે પૂજા કાયિક ક્રિયારૂપ કે વાચિક ક્રિયારૂપ નથી, પરંતુ માનસવ્યાપારરૂપ છે. આવી અનુમોદનાત્વ જાતિ જૈનો માનતા નથી પરંતુ ત્રણે યોગોના વ્યાપારરૂપ અનુમોદના જૈનો માને છે. તેથી આત્મામાં હર્ષ છે મૂલમાં જેને એવો મન, વચન, કાયાના યોગોનો વ્યાપાર તે અનુમોદના છે.
આ પ્રકારના કથનમાં ગ્રંથકારશ્રીને ઉપસ્થિતિ થઈ કે કોઈ કોઈ ઠેકાણે ચિત્તના ઉત્સાહમાં જ અનુમોદનાનો વ્યપદેશ કરેલો દેખાય છે તેથી મનોવ્યાપારરૂપ જ અનુમોદના છે તેમ તે તે વચનોથી સિદ્ધ થાય છે. તેના સમાધાન માટે કહે છે – સામાન્યવાચક પદનું વિશેષપરપણું હોવાથી તે તે શાસ્ત્રમાં ચિત્તઉત્સાહને અનુમોદના કહેલ છે.
આશય એ છે કે વૃક્ષ એ સામાન્ય વાચક પદ છે. છતાં કોઈ પૂછે કે વૃક્ષ શું છે ? ત્યારે ઉત્તર મળે કે જે પેલા આંબાનું વૃક્ષ દેખાય છે તે વૃક્ષ છે. તે વખતે વૃક્ષસામાન્યવાચક પદનો વૃક્ષવિશેષરૂપ આંબાના વૃક્ષમાં પ્રયોગ કર્યો. તેમ ત્રણે યોગોના વ્યાપારરૂપ અનુમોદના હોવા છતાં પરના ગુણોને જોઈને જે પરના ગુણો પ્રત્યે ચિત્તનો ઉત્સાહ છે તે અનુમોદના છે તેમ કહેલ છે. તેથી ત્રણે યોગમાં અનુમોદના વર્તતી હોવા છતાં માનસવ્યાપારવિશેષમાં અનુમોદનાનો પ્રયોગ કરેલ છે અથવા નિશ્ચયનયના આશ્રયણથી ચિત્તઉત્સાહને અનુમોદના કહેલ છે. જેમ નિશ્ચયનયના આશ્રયણથી મંગલ, પૂજા માનસવ્યાપારરૂપ જ છે તેમ નિશ્ચયનયથી સર્વ ધર્મકૃત્યો માનસવ્યાપાર જ છે. તેથી અનુમોદનાનો પરિણામ પણ નિશ્ચયનયથી માનસવ્યાપારરૂપ જ છે; કેમ કે નિશ્ચયનય આત્માના પરિણામને જ ધર્મરૂપે કહે છે. તેથી ભગવાનની પૂજા પણ વીતરાગના ગુણોને અનુકૂળ અંતરંગ વ્યાપારરૂપ હોય તો જ તે ધર્મકૃત્યરૂપ બને છે. તેમ ગુણસંપન્ન વ્યક્તિના ગુણોને જોઈને તે ગુણો પ્રત્યેના રાગભાવનો પરિણામ તે અનુમોદના છે તેમ નિશ્ચયનય કહે છે. કાયાનો વ્યાપાર અંતરંગ પરિણામથી જન્ય તે તે પ્રકારની શરીરની ચેષ્ટારૂપ છે અને વચનવ્યાપાર તે તે પ્રકારના વચનના પુદ્ગલસ્વરૂપ છે. જ્યારે આત્માના ભાવને ગ્રહણ કરનાર નિશ્ચયનય તો આત્માના અંતરંગ પરિણામરૂપ ચિત્તના ઉત્સાહને જ અનુમોદના કહે છે, તોપણ વ્યવહારનયથી ત્રણે યોગરૂપ જ અનુમોદનાને સ્વીકારવી જોઈએ. ll૩૩