________________
૩૬૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૩
વળી, ભાવનો અર્થી જીવ ભાવના ઉપાયભૂત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. તેથી જે ક્રિયાઓ મોક્ષને અનુકૂળ જેટલા જેટલા અંશથી અસંગ ભાવને પ્રગટ કરે છે તેટલા-તેટલા અંશથી તેના કારણરૂપે તે ક્રિયા પણ અનુમોદનીય છે. વળી, ક્રિયા કરનાર વ્યક્તિમાં વર્તતો મોક્ષને અનુકૂળ ભાવ અને મોક્ષને અનુકૂળ ક્રિયા હોવાથી તે પુરુષ પણ શિષ્ટ પુરુષોને અનુમોદનીય બને છે. આ રીતે ભાવની, ભાવના ઉપાયરૂપ ક્રિયાની અને ભાવ સાથે સંબંધિત પુરુષની, અનુમોદના કરવાથી પોતાનામાં પણ તે તે ગુણના પ્રતિબંધક કર્મનો નાશ થાય છે.
આ અનુમોદના શું છે ? તે સ્પષ્ટ કરે છે – મોક્ષને અનુકૂળ તે તે ગુણોના સમ્યગુ બોધપૂર્વક કોઈક જીવોમાં વર્તતા તે ગુણોને જોઈને આત્મામાં થયેલો પ્રમોદનો પરિણામ, તમૂલક હર્ષપૂર્વકનો મન-વચન-કાયાનો વ્યાપાર તે અનુમોદના છે. તે અનુમોદનામાં તે ગુણોના સ્મરણથી જે રોમાંચકનો ઉદ્ગમ થાય છે તે કાયિક વ્યાપાર છે. તે ગુણોને જોઈને પ્રશંસાનાં વચનો નીકળે છે તે વાણીનો વ્યાપાર છે. અને તે ગુણો પ્રાપ્ત કરવાનો જે પ્રણિધાનરૂપ વ્યાપાર છે અર્થાત્ “તે ગુણો મને પ્રાપ્ત થાઓ” તેવો બદ્ધ રાગનો પરિણામ તે મનોવ્યાપાર છે. પરંતુ માત્ર મનોવ્યાપારરૂપ જ અનુમોદના નથી; કેમ કે ધર્માનુષ્ઠાનનું કરણ મન-વચન-કાયાથી થાય છે, માત્ર મનોવ્યાપારથી થતું નથી. ધર્મનું કરાવણ પણ ત્રણે યોગોથી થાય છે તેમ અનુમોદના પણ ત્રણે યોગોથી થાય છે.
આશય એ છે કે જ્યારે વિવેકી પુરુષ ધર્મનું અનુષ્ઠાન કરે છે ત્યારે ભગવદ્ પૂજાદિ બાહ્ય કૃત્ય કાયાથી થાય છે તે કાયયોગથી કરણ છે. તે પૂજાદિ કરણકાળમાં અન્તર્જલ્પાકારરૂપે કે સ્તુતિ આદિરૂપે જે ગુણોની વિચારણા કરાય છે તે વાગ્યોગથી કરણ છે. ભગવાનના ગુણોને અવલંબીને વીતરાગતાના ભાવોને સ્પર્શે તે પ્રકારના અંતરંગ ઉદ્યમકાળમાં જે માનસવ્યાપાર છે તે મનોયોગથી કરણ છે.
તે રીતે કોઈ મહાત્મા શિષ્યાદિને સાધ્વાચારનાં ઉચિત અનુષ્ઠાનો કરાવતા હોય ત્યારે કાયાથી તે તે પ્રકારનો નિર્દેશ કરે છે તે કાયાથી કરાવણ છે. શિષ્યાદિને તે તે અનુષ્ઠાન બતાવતી વખતે જે વચનપ્રયોગ કરે છે તે વાગ્યોગથી કરાવણ છે. અને કાયાથી અને વચનથી શિષ્યને ઉચિત અનુષ્ઠાન બતાવતી વખતે શિષ્યાદિને તે તે અનુષ્ઠાનો દ્વારા અંતરંગ કઈ રીતે મોક્ષને અનુકૂળ ભાવો થાય અને તે ભાવોની નિષ્પત્તિમાં
બહિરંગ ક્રિયા કઈ રીતે નિમિત્ત બને છે તે બતાવતા હોય ત્યારે ગુરુને જે અંતરંગ પરિણામ વર્તે છે કે “આ શિષ્યાદિ જીવો મોહનું ઉમૂલન કરીને આ અનુષ્ઠાનથી હિતની પ્રાપ્તિ કરે”, આ પ્રકારના પરિણામને અનુકૂળ જે અંતરંગ-વ્યાપાર વર્તે છે તે મનોયોગથી કરાવણ છે. તે રીતે કોઈ મહાત્માનાં ઉચિત કૃત્યોને જોઈને દેહમાં રોમાંચનો ઉદ્ગમ થાય છે, તે કાયિક અનુમોદના છે. પ્રશંસાના ઉદ્ગારો નીકળે છે તે વાચિક અનુમોદના છે. અને તે ગુણોની પ્રીતિને કારણે તે ગુણોની પ્રાપ્તિનો જે અંતરંગ અભિલાષ થાય છે, તેને અનુકૂળ જે માનસવ્યાપારરૂપ પ્રણિધાન છે તે માનસિક અનુમોદના છે.
વળી, માનસવ્યાપારરૂપ જ અનુમોદના સ્વીકારવામાં આવે તો પ્રશંસા અને રોમાંચ વગરની માનસવ્યાપારરૂપ જ અનુમોદનાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં પ્રશંસા અને રોમાંચના વ્યાપારથી યુક્ત એવા