________________
૨૯૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ જૈનાગમ જ છે; કેમ કે જેનાગમ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયરૂપ છે અને તેમાંથી સ્વ સ્વ રુચિ અનુસાર નયને ગ્રહણ કરીને તે તે દર્શન ઉત્પન્ન થયાં છે.
વળી પૂર્વપક્ષીએ કહેલ કે ‘અન્યદર્શનનો સમૂહ જૈનાગમના બિંદુભાવને ભજે છે.’ એ પ્રયોગની અનુપપત્તિ છે; કેમ કે અવયવ-અવયવીના ઉપમાન-ઉપમેયભાવમાં ગૌરવનો અભાવ છે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન અસત્ છે; કેમ કે પૂર્વપક્ષીએ જે રીતે કહેલ કે હસ્ત આદિના અવયવો અંગુષ્ઠાદિ છે તેમ કહેવાથી હસ્તની સ્તુતિ થતી નથી તેમ ભગવાનના શાસનના અવયવ અન્યદર્શન છે તેમ કહેવાથી ભગવાનના શાસનની સ્તુતિ નથી. તે વચન સંગત નથી; કેમ કે જૈનશાસનરૂપ સમુદ્ર આગળ અન્યદર્શન બિંદુભાવ જેવા છે. તે વચનથી એ પ્રાપ્ત થાય છે કે સમુદિત એવાં પણ બધાં દર્શનોમાં જૈનશાસનનું એક દેશપણું જ છે. માટે જૈનશાસન સમુદ્ર તુલ્ય છે અને અન્યદર્શનનું સર્વવચન બિંદુ તુલ્ય છે. એથી ભગવાનના શાસનની સ્તુતિનો કોઈ વિરોધ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના શાસનમાં મોક્ષમાર્ગના યથાર્થ નિરૂપણ માટે જે દ્વાદશાંગીની રચના થઈ છે તે શાબ્દબોધની મર્યાદાથી જે યોગમાર્ગનો બોધ કરાવી શકે, તે પૂર્ણ યોગમાર્ગના યથાર્થ નિરૂપણ તુલ્ય છે. અન્યદર્શનનાં વચનો એક-એક નયને અવલંબીને ચાલનારાં હોવાથી જે કંઈ પણ યોગમાર્ગનો બોધ કરાવે છે તે સર્વદર્શનોના યોગમાર્ગના બોધનો સમુચ્ચય ક૨વામાં આવે તોપણ જૈનશાસનના વચનના બોધથી થતા યોગમાર્ગના બોધની આગળ અન્ય સર્વ દર્શનના વચનથી થતો યોગમાર્ગનો બોધ બિંદુ તુલ્ય છે. તે બોધ સન્માર્ગનો સ્થાપક હોવાથી કલ્યાણનું કારણ છે તોપણ જે પ્રકારે જૈનાગમરૂપી રત્નાકર કલ્યાણનું કારણ છે તતુલ્ય અન્યદર્શનનાં વચનોથી થતો બોધ કલ્યાણનું કારણ નથી. આથી જ, અન્યદર્શનમાં રહેલા તત્ત્વના અર્થી પણ જીવો તે તે દર્શનના બળથી યોગની ચાર દૃષ્ટિ સુધી જ યોગમાર્ગને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે સર્વજ્ઞના વચનને પામેલા યોગીઓ સર્વજ્ઞના વચનના બળથી યોગની આઠ દૃષ્ટિ સ્વરૂપ પૂર્ણ યોગમાર્ગના પરમાર્થને પ્રાપ્ત કરી શકે છે.
વળી પૂર્વપક્ષીએ કહેલ કે અન્યપ્રવાદો સમુદ્રનાં બિંદુઓ છે એ પ્રમાણે કહેવું પણ સંગત નથી; કેમ કે સમુદ્રથી ભરતી, કલ્લોલ, ઊર્મિ આદિ થાય છે, સમુદ્રમાંથી બિંદુ થતા નથી. બિંદુઓ તો મેઘથી કે હસ્ત, વસ્ત્રાદિના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. પૂર્વપક્ષીનું તે વચન પણ અસંગત છે; કેમ કે સમુદ્રસ્થાનીય જૈન મહાશાસ્ત્ર છે. તેનાથી પ્રભવ એવા કલ્લોલસ્થાનીય અવાંતર શાસ્ત્ર=અન્ય સુવિહિત સાધુઓએ રચેલાં શાસ્ત્રો છે. તે શાસ્ત્રોમાંથી સામાન્ય દૃષ્ટિરૂપ પવનથી પ્રેરિત એવા પ૨સમયરૂપ બિંદુઓનો ઉદ્ગમ થાય છે. તેથી એ ફલિત થાય કે ગણધરોએ જે દ્વાદશાંગીની રચના કરી તે સમુદ્ર તુલ્ય છે. તેના ગાંભીર્યને જાણીને યોગ્ય જીવોના ઉપકારાર્થે જે મહાપુરુષોએ અવાંતર શાસ્ત્રો રચ્યાં, તે કલ્લોલો છે. તેમાં સર્વ નયોની દૃષ્ટિઓ ગૂંથાયેલી છે. તે શાસ્ત્રોમાંથી સામાન્ય તત્ત્વને જોનારી દૃષ્ટિરૂપ પવનથી પ્રેરિત પરસમયોનો ઉદ્ગમ થયો છે. તેથી તે તે દર્શનમાં પણ મોક્ષમાર્ગને અનુકૂળ જે યથાર્થ પદાર્થનું નિરૂપણ પ્રાપ્ત થાય છે તે પ્રારંભિક ભૂમિકાના સામાન્ય તત્ત્વમાર્ગને બતાવનાર છે. તેથી જૈનાગમ સંબંધી તત્ત્વ આગળ બિંદુ તુલ્ય તેઓના તત્ત્વનું નિરૂપણ છે.