________________
૩૧૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ કેમ અસંગત જણાય છે ? તે સ્પષ્ટ કરતાં પૂર્વપક્ષી કહે છે –
દ્વાદશાંગને રત્નાકર તુલ્ય કહીએ તો અન્યદર્શનના પ્રવાદોને નદી તુલ્ય કહી શકાય નહીં, કેમ કે સમુદ્રમાંથી નદીઓની ઉત્પત્તિ નથી. અને દ્વાદશાંગને રત્નાકર તુલ્ય કહીને તેમાંથી ઊઠેલા પ્રવાદો છે તેમ કહીએ તો રત્નાકર જેવું ભગવાનનું વચન અન્ય પ્રવાદરૂપ નદીનું ઉત્પત્તિ સ્થાન છે તેમ માનવાનો પ્રસંગ આવે. સમુદ્રમાંથી નદીઓ ઉત્પન્ન થતી નથી માટે તે વચન અનુભવવિરુદ્ધ છે.
વળી રત્નાકર તુલ્ય દ્વાદશાંગમાંથી નદીઓ તુલ્ય અન્ય પ્રવાદો ઉત્પન્ન થાય છે તેમ કહીએ તો સમુદ્રને નદીનો પિતા માનવાની આપત્તિ આવે. અને તેમ સ્વીકારીએ તો બધી નદીઓ સમુદ્રમાં પ્રવેશ પામે છે માટે કવિઓ સમુદ્રને નદીપતિ કહે છે તે વચન સંગત થાય નહીં. માટે ભગવાનના વચનમાંથી સર્વપ્રવાદો ઉત્પન્ન થયા છે તેમ કહેવું અનુચિત છે એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
વળી, સમુદ્રમાંથી નદીઓ ઉત્પન્ન થાય છે તેમ માનીએ તો સમુદ્રના ગાંભીર્યની હાનિની પ્રાપ્તિ થાય; કારણ કે સમુદ્રમાંથી નદીઓ નીકળે છે તેમ સ્વીકારીએ તો એટલો જલનો પ્રવાહ સમુદ્રમાંથી ઓછો થાય. વળી, અનુભવથી વિચારીએ તો નદીઓ સમુદ્રમાં મળે છે, સમુદ્રમાંથી નીકળતી નથી. માટે રત્નાકર તુલ્ય એવા દ્વાદશાંગમાંથી અન્ય પ્રવાદો નીકળે છે તેમ કહેવું સંગત થાય નહિ. માટે સ્તુતિ કરનાર સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનો અભિપ્રાય પૂર્વપક્ષી નીચે પ્રમાણે બતાવે છે :
અન્યતીર્થિકોની પોતપોતાના માર્ગની શ્રદ્ધાનરૂપ દૃષ્ટિઓ છે તે સર્વજ્ઞ એવા ભગવાનમાં સમ્યગુ ઉદયને પામેલ છે અર્થાત્ અન્યદર્શનમાં જે પોતપોતાના માર્ગની શ્રદ્ધાનરૂપ દૃષ્ટિઓ છે. તે દૃષ્ટિઓ અન્યદર્શનમાં વિવેક વગરની હતી અને તે જ દૃષ્ટિ ભગવાનના શાસનમાં વિવેકસંપન્ન થઈ. માટે અન્યદર્શનની દૃષ્ટિઓ ભગવાનના શાસનમાં સમ્યગુ ઉદયને પામેલ છે. જેમ અન્યદર્શનવાળા ઉપવાસ કરે છે છતાં તે ઉપવાસમાં ફળાહાર કરે છે તેથી તેઓનો ઉપવાસ વિવેક વગરનો છે, જ્યારે ભગવાનના શાસનમાં સર્વાહારના ત્યાગરૂપ વિવેકવાળો ઉપવાસ દેખાય છે. માટે અન્યતીર્થિકોના આચારોમાં “તમે નથી=ભગવાન નથી”, અને ભગવાનના આચારમાં એ લોકોના દર્શનના આચારો યથાર્થરૂપે વણાયેલા છે. તેથી “ભગવાનના બતાવાયેલા આચારોમાં અન્યદર્શન છે”. માટે અન્યદર્શનના અસંબદ્ધ આચારોને જાણીને તે આચારને સેવનારા દેશારાધક છે તેમ કહેવું ઉચિત નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
વળી, પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે અન્યતીર્થિકની દૃષ્ટિઓ ભગવાનમાં વર્તે છે. તેમાં પૂર્વપક્ષી દૃષ્ટાંતને કહે છે – “જે પ્રમાણે સમુદ્રમાં બધી નદીઓ ઉદયને પામે છે=સમુદ્રમાં બધી નદીઓ અંતર્ભાવ થતી હોવાથી ખ્યાતિને પ્રાપ્ત કરે છે, તેમ અન્યદર્શનમાં પાપ અકરણનિયમાદિ દૃષ્ટિઓ ભગવાનના દ્વાદશાંગરૂપી સમુદ્રમાં સમ્યગુ ઉદયને પામે છે. જે પ્રમાણે પ્રવિભક્ત નદીઓમાં સમુદ્ર નથી તે પ્રમાણે અન્યદર્શનમાં તમે નથી' આ અભિપ્રાયથી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ સ્તુતિ કરી છે. પરંતુ ભગવાનના પ્રવચનમાંથી અન્યતીર્થિકની દૃષ્ટિઓ ઉત્પન્ન થઈ છે એ અભિપ્રાયથી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ ભગવાનની સ્તુતિ કરી નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે.