________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪.
૨૮૧
થશ=ધર્માધર્મનું મિશ્રપણું થશે, પરંતુ અધર્મમાં ધર્મબુદ્ધિરૂપ એકાંત મિથ્યાપણું થશે નહિ. અને અન્યદર્શનમાં ધર્માધર્મનું મિશ્રપણું શાસ્ત્રમાં સ્વીકારાયેલું નથી; કેમ કે અન્યદર્શનમાં એકાંત મિથ્યાત્વનો જ સ્વીકાર છે અર્થાત્ તેઓનાં સર્વવચનો એકાંત મિથ્યા છે એ પ્રમાણે શાસ્ત્રકારો સ્વીકારે છે એમ પૂર્વપક્ષી કહે છે અને તેમાં દશવૈકાલિકનિયુક્તિની સાક્ષી આપી. તેનાથી એ પ્રાપ્તિ થાય કે સમ્યગ્દષ્ટિ જીવ પણ આગમમાં અનુપયુક્ત પ્રમાદથી જે કાંઈ અસંબદ્ધ વચન કે યુક્તિવિકલ વચન કહે તે સર્વ મિથ્યા વચન છે. મિથ્યાદૃષ્ટિ વળી ઉપયોગપૂર્વક કે અનુપયોગપૂર્વક કહે તોપણ મિથ્યાષ્ટિની એકાંતવાદની દૃષ્ટિ હોવાથી અનેકાંતાત્મક પદાર્થના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શનારો તેઓને બોધ નહીં હોવાથી તેઓનાં સર્વ વચનો મિથ્યા જ છે અર્થાત્ ઘુણાક્ષરન્યાયથી સ્થૂલથી યથાર્થ વચન દેખાય તોપણ એકાંત દષ્ટિ હોવાથી તેઓનાં સર્વ વચનો મિથ્થારૂપ જ છે. આ પાઠથી એ સિદ્ધ થાય કે અન્યદર્શનવાળા જે કાંઈ બોલે છે તે એકાંતથી બોલે છે માટે અસત્ય જ છે. આમ છતાં અન્યદર્શનવાળા જે ધર્મનું સ્વરૂપ બતાવે છે તે ધર્મને સેવનારા એવા બાલતપસ્વી દેશારાધક છે તેમ સ્વીકારવામાં આવે તો તે દર્શનમાં ધર્મને કહેનારાં વચનો સત્ય છે અને અધર્મને ધર્મરૂપે કહેનારાં વચનો અસત્ય છે તેમ માનવું પડે. આવું સ્વીકારવાથી દશવૈકાલિકના વચન સાથે વિરોધ આવે; કેમ કે તેઓનાં સર્વ વચનને દશવૈકાલિકમાં મૃષારૂપે જ સ્વીકારેલ છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષનું આ કથન બરાબર નથી; કેમ કે અન્યદર્શનમાં જેઓ સ્વદર્શન પ્રત્યે અભિનિવિષ્ટ છે તેઓની અન્યદર્શનની સર્વ જ પ્રવૃત્તિનું ફલથી અપ્રમાણપણું છે. અર્થાત્ અસગ્રહથી દૂષિત થયેલી હોવાથી તેઓની યમ-નિયમની આચરણા આત્મકલ્યાણનું કારણ નહીં હોવાથી ફલથી અધર્મરૂપે હોવાને કારણે તેને ધર્મરૂપે કહેવું અપ્રમાણભૂત વચન છે અર્થાત્ મૃષા વચન છે.
વળી માર્ગાનુસારી જીવોને આશ્રયીને અન્યદર્શનના યમ-નિયમને કહેનારા સુંદર વચનનું જૈન વચનમાં પર્યવસિતપણું હોવાથી ફલથી પ્રમાણપણું છે; કેમ કે માર્ગાનુસારી જીવો કદાગ્રહ વગરના હોવાથી યમનિયમની આચરણા કરીને સંસારથી પર થવાને અનુકૂળ એવા વીતરાગભાવને અભિમુખ જાય છે. તેથી પોતાના ઇષ્ટ દેવની ઉપાસના કરીને પણ પૂર્ણ પુરુષની ઉપાસના કરે છે. તેથી તેઓની તે પ્રવૃત્તિ આત્મકલ્યાણનું કારણ હોવાથી ભગવાનના વચનમાં જ પર્યવસાન પામે છે. તેથી ફલને આશ્રયીને તે પ્રવૃત્તિઓ પ્રમાણભૂત છે. અને જે એકાંતવાદનાં અવશિષ્ટ વચનો છે, તે વચનો એકાંત મિથ્યારૂપ હોવાથી મૃષારૂપ જ છે. માટે માર્ગાનુસારી જીવોને આશ્રયીને સુંદર વચનો સત્યરૂપ છે અને અસુંદર વચનો અસત્યરૂપ છે. તેમ કહેવામાં કોઈ વિરોધ નથી.
અહીં વિશેષ એ છે કે દશવૈકાલિક નિર્યુક્તિમાં મિથ્યાષ્ટિનાં દરેક વચનોને જે મૃષા કહેલ છે તે અભિનિવિષ્ટ વક્તાને આશ્રયીને છે અને જેઓ અનભિનિવિષ્ટ છે તેઓનાં તે વચનો જિનવચનાનુસાર હોવાથી પરમાર્થથી સ્યાદ્વાદને સ્પર્શનારાં છે માટે મૃષારૂપ નથી; કેમ કે માર્ગાનુસારી જીવોને અભિનિવેશ નહીં હોવાથી જિનવચનથી વિપરીત એવો જે એક નય દૃષ્ટિનો એકાંતથી બોધ છે. તે નિવર્તન પામીને સ્યાદાવાદના બોધની પ્રાપ્તિનું કારણ છે.