________________
ઉ૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮
ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે અનંતસંસારનું કારણ જે અશુભ અનુબંધ છે. તે અશુભ અનુબંધનું મૂળ શું છે ? તેથી અશુભ અનુબંધનું મૂળ મિથ્યાત્વ છે તેમ બતાવે છે –
અહીં પ્રશ્ન થાય કે પૂર્વે કહેલ કે ઉત્કટ હિંસાદિ દોષો કે ઉસૂત્રભાષણાદિ દોષોથી અનંતસંસાર થાય છે અને અહીં કહ્યું કે અનંતસંસારનું કારણ એવા અશુભ અનુબંધનું મૂળ મિથ્યાત્વ છે. તેથી સ્થૂલથી દેખાતા વિરોધના પરિવાર અર્થે કહે છે –
મિથ્યાત્વના સહકૃત જ ઉત્કટ હિંસાદિ દોષોનું અશુભ અનુબંધનું હેતુપણું છે; કેમ કે મિથ્યાત્વનો સહકાર ન હોય તો દોષમાં વ્યામૂઢતાની પ્રાપ્તિ થાય નહિ અને દોષમાં વ્યામૂઢતાની પ્રાપ્તિથી જ અશુભ અનુબંધની પ્રાપ્તિ છે. માટે અશુભ અનુબંધનું કારણ મિથ્યાત્વ જ છે. તે મિથ્યાત્વ આભિગ્રહિકાદિ પાંચ ભેદવાળું છે. વળી અપેક્ષાથી વિચારીએ તો જીવાદિ પદાર્થોમાં ‘તત્ત્વ' એ પ્રમાણે નિશ્ચયાત્મક સમ્યક્તના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ બે પ્રકારનું જ પ્રાપ્ત થાય છે. “જીવાદિ તત્ત્વ નથી” એ પ્રમાણે વિપર્યાસાત્મક મિથ્યાત્વ અને “જીવાદિ તત્ત્વ છે” એ પ્રમાણે નિશ્ચયના અભાવરૂપ મિથ્યાત્વ વળી, આ બે ભેદને આશ્રયીને જ વાચકવર ઉમાસ્વાતિજી મહારાજાએ અનધિગમ અને વિપર્યયરૂપ મિથ્યાત્વ કહેલ છે. આમ છતાં મિથ્યાત્વનો વિશદ બોધ કરવા અર્થે ધર્મમાં અધર્મસંજ્ઞા એ વિગેરે રૂપ ૧૦ ભેદો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે રીતે મિથ્યાત્વના આભિગ્રહિક, અનાભિગ્રહિક આદિ ૫ ભેદો પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. માટે ગ્રંથકારશ્રીએ અશુભ અનુબંધના કારણરૂપ મિથ્યાત્વના ૫ ભેદો અહીં બતાવેલ છે. (૧) આભિગ્રહિકમિથ્યાત્વા:
તે પાંચ મિથ્યાત્વમાં આભિગ્રહિકમિથ્યાત્વનું સ્વરૂપ બતાવે છે. જે જીવોએ માર્ગાનુસારી પ્રજ્ઞાથી તત્તાતત્ત્વને જાણવા માટે યત્ન કર્યો નથી તેઓ કોઈપણ શાસ્ત્રને સ્વીકારતા હોય આમ છતાં શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી પદાર્થનો વિચાર કરીને તત્ત્વનો નિર્ણય કર્યો નથી તે સર્વ જીવો અનાકલિત તત્ત્વવાળા છે. અને પોતપોતાની માન્યતાથી પોતપોતાને અભિમત પદાર્થને સ્વીકારે છે. આમ છતાં કોઈક યોગ્ય ઉપદેશક યુક્તિ અને અનુભવ અનુસાર તે પદાર્થ તત્ત્વ નથી તેમ બતાવે તોપણ સ્વમત પ્રત્યેની રુચિને કારણે જે જીવો અપ્રજ્ઞાપનીય હોય તેઓમાં આભિગ્રહિકમિથ્યાત્વ છે. જેમ અન્યદર્શનમાં રહેલા જીવો એકાંતવાદને સ્વીકારે છે. તે વસ્તુતઃ તત્ત્વ નથી છતાં સ્વદર્શનના રાગથી યોગ્ય ઉપદેશક દ્વારા પણ તત્ત્વને પામે તેવા નથી તેઓને આભિગ્રહિકમિથ્યાત્વ છે. જૈનદર્શનમાં રહેલા પણ જેઓ શાસ્ત્રવચનથી જાણીને યુક્તિ અને અનુભવ અનુસાર તત્ત્વનો નિર્ણય કરવા અર્થે કોઈ યત્ન કરતા નથી પરંતુ આપણું દર્શન સર્વજ્ઞ કથિત છે માટે તે જ તત્ત્વ છે તેમ માને છે તેમાં પણ આભિગ્રહિકમિથ્યાત્વ છે.
જેઓ શાસ્ત્રવચનથી તત્ત્વને જાણીને યુક્તિ અને અનુભવ અનુસાર આ જ તત્ત્વ જિનવચનથી પ્રરૂપિત છે, એકાંત નિરવદ્ય છે, મોક્ષનું પરમ કારણ છે તેવો સ્થિર નિર્ણય કરીને પોતાના સ્વીકારાયેલા અર્થમાં