________________
૧૨૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૦
જીવોને વિવક્ષિત એવા કોઈક તત્ત્વ વિષયક અનાભોગ છે, જે અનાભોગને કારણે તેઓમાં સમ્યક્ત નથી. આ પ્રકારનો સમ્યક્તની પ્રાપ્તિમાં વ્યાઘાતક એવો અવ્યક્ત બોધ ભિન્ન ભિન્ન સ્થાનને આશ્રયીને અનેક વિકલ્પવાળો બને છે. તેથી અનાભોગમિથ્યાત્વના પણ અનેક પ્રકારો છે.
આ રીતે પાંચ મિથ્યાત્વના અવાંતર અનેક ભેદો બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે મિથ્યાત્વ વિપરીત રુચિરૂપ છે. તેથી તેના અનેક ભેદો કેમ છે ? વિપરીત રુચિરૂપ એક ભેદ કેમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જીવને મહામોહરૂપી નટના નચાવવાના અનેક પ્રકારો છે. એક પ્રકાર નથી. તેથી જીવમાં વર્તતું મિથ્યાત્વમોહનીયજીવને કર્મરૂપ જટ એક સ્વરૂપે નચાવતો નથી પરંતુ કોઈક ને કોઈક સ્વરૂપે નચાવે છે તો કોઈકને અન્ય સ્વરૂપે નચાવે છે. તે મહામોહના નર્તનને કારણે જ જીવને મિથ્યાત્વના જુદા જુદા પરિણામો થાય છે. તેથી મિથ્યાત્વના અનેક ભેદો પડે છે.
આ પાંચ મિથ્યાત્વમાંથી અનાભિગ્રહિક, સાંશયિક અને અનાભોગરૂપ ત્રણ મિથ્યાત્વો ઉપદેશાદિની સામગ્રી મળે તો જે જીવો પ્રજ્ઞાપનીય હોય અને ગુણવાન ગુરુનું પાતંત્ર્ય મળે તો તે મિથ્યાત્વ નિવર્તન પામે તેમ હોય તે જીવોની અપેક્ષાએ લઘુ છે. અર્થાત્ તેઓમાં રહેતો વિપરીત બોધ અતિદઢ નથી પરંતુ સામગ્રી પામીને નિવર્તન પામે તેવો છે. તેથી તે મિથ્યાત્વકાળમાં તત્સહવર્તી અનંતાનુબંધી કષાયના ઉદયને કારણે અનંતસંસારની પ્રાપ્તિ થાય તેવો અનુબંધ હોવા છતાં તે અનુબંધ અતિક્રૂર નથી અર્થાત્ તે અનુબંધ સોપક્રમ હોવાથી નિવર્તન પામે તેવો છે.
આશય એ છે કે જીવમાં વર્તતો વિપર્યાસ ઉત્તરોત્તરના વિપર્યાસને નિષ્પન્ન કરીને જીવોને દીર્ઘકાલ સુધી સંસારના પરિભ્રમણનું કારણ બને છે. આમ છતાં આ ત્રણ મિથ્યાત્વમાં રહેલો વિપર્યાસ શિથિલ મૂળવાળો હોવાથી તે જીવો પ્રજ્ઞાપનીય હોય છે. તેથી ઉપદેશક ન મળે તોપણ તેઓમાં દઢવિપર્યાસ ન હોવાથી તેઓનું અત્યંત અહિત થતું નથી અને ઉપદેશક મળે તો ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારીને નિવર્તન પામે છે. તેથી પૂર્વે વિપર્યાસને કારણે જે અનુબંધ ચલાવે તેવાં કર્મ બંધાયેલાં તે પણ શિથિલ મૂળવાળું હોવાથી સમ્યક્તની પ્રાપ્તિ પછી નાશ પામે છે
વળી આભિગ્રહિક અને આભિનિવેશિકમિથ્યાત્વ ગુરુ છે; કેમ કે તત્કાલ નિવર્તન પામે તેવાં નથી. માટે સાનુબંધ ક્લેશનાં કારણ છે. જ્યાં સુધી નિવર્તન પામે તેવા શિથિલ મિથ્યાત્વવાળાં થાય નહીં ત્યાં સુધી તેઓથી બંધાયેલાં કર્મો ઉત્તરોત્તરના ક્લેશની વૃદ્ધિનાં કારણ બને તેવાં હોય છે. આમ છતાં તેવા પણ જીવોનો તે વિપર્યાસ જ્યારે શિથિલ મૂળવાળો બને છે ત્યારે રિવર્તન પામે છે. આથી જ આભિગ્રહિકમિથ્યાત્વને પામેલ એવી કાલીદેવીનો જીવ પૂર્વે યથાછંદના કાળમાં અનિવર્તિનીય વિપર્યાસવાળો હતો છતાં પાછળથી તે મિથ્યાત્વ શિથિલ થવાથી કાલી દેવીના ઉત્તરના ભવમાં તે જીવ મોક્ષની પ્રાપ્તિ કરશે. આભિનિવેશિકમિથ્યાત્વી એવા જમાલી પણ ૧૫-૧૬ ભવ પછી તે મિથ્યાત્વ શિથિલ થવાથી સમ્યક્તને પામીને મોક્ષને પ્રાપ્ત કરશે. માટે આભિનિવેશિકમિથ્યાત્વ ગુરુ હોવા છતાં પાછળથી તે ભવમાં કે અન્ય ભવમાં શિથિલ થાય તો આભિનિવેશિકમિથ્યાત્વકાળમાં સાનુબંધ ફ્લેશની શક્તિ જે હતી તે નિવર્તન પામે છે. ll૧ના