________________
૨૪૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
તે કારણથી=ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે બાહ્યક્રિયાને આશ્રયીને આરાધકપણું સ્વીકારવામાં આવે તો નિહ્નવોને પણ દેશારાધકપણું પ્રાપ્ત થાય અને તે ઇષ્ટ નથી તે કારણથી, વૃત્તિને=ભગવતીસૂત્ર ઉપરની આરાધક-વિરાધક ચતુર્થંગીની ટીકાને, ગ્રહણ કરીને પરિભાષા કરવા માટે યુક્ત છે. શ્લોકમાં ‘ને’ શબ્દ છે તે પાદપૂરણ અર્થમાં નિપાત છે.
વૃત્તિમાં વળી શ્રુત-શબ્દથી જ્ઞાન-દર્શનનું અને શીલ-શબ્દથી પ્રાણાતિપાતાદિ નિવૃત્તિની ક્રિયાનું જ પરિભાષણ હોવાથી=આ પ્રકારની પરિભાષા જ કરી હોવાથી, અશ્રુતવાન અને શીલવાનરૂપ પ્રથમ ભાંગાનો સ્વામી માર્ગાનુસારી બાલતપસ્વી જ પર્યવસાન પામે છે, એ પ્રકારનો ભાવ છે. પરંતુ દ્રવ્યલિંગને ધારણ કરનાર અભવ્યાદિ વ્યવહારથી બાલતપસ્વી કહેવા માટે સંગત થતા નથી.
પૂર્વે કહ્યું કે દ્રવ્યલિંગધારી અભવ્યાદિને વ્યવહારથી બાલતપસ્વી કહી શકાય નહિ. ત્યાં પ્રશ્ન થાય કે મહાનિશીથમાં નાગિલનું વચન છે, તે સ્થાનમાં ચરમાવર્ત બહારના જૈન સાધુવેશમાં રહેલા જીવોને આશ્રયીને બાલતપસ્વી કહેલ છે. તેથી દ્રવ્યલિંગધારી અભવ્યાદિને વ્યવહારથી બાલતપસ્વી સ્વીકારવા જોઈએ. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે –
“તે આ બાલતપસ્વી જાણવા.” તે પ્રમાણે મહાનિશીથમાં નાગિલનું વચન કુશીલ એવા તે ચાર મહાત્માઓમાં બાલનિશ્ચયાભિપ્રાયક જ છે=દેશારાધકરૂપ બાલતપસ્વીના અભિપ્રાયક નથી, પરંતુ અમાર્ગાનુસારી એવા બાલજીવોના નિશ્ચયના અભિપ્રાયક જ છે. એથી વ્યવહારથી બાલતપસ્વીરૂપ દેશારાધક તેઓ છે તેમ કહી શકાય નહીં, તેમ પૂર્વના કથન સાથે સંબંધ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે આરાધક-વિરાધક ચતુર્થંગીમાં શીલવાન્ અશ્રુતવાનુ પ્રથમ ભાંગો છે, તેમાં અશુદ્ધ વ્યવહારથી દેશારાધકપણું અને નિશ્ચયથી બાલતપસ્વીપણું સ્વીકારી શકાશે. તેથી દ્રવ્યલિંગી એવા અભવ્યાદિને પણ દેશા૨ાધક સ્વીકારવામાં વિરોધ નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે
અને એક જ વાક્યમાં=શીલવાન્-અશ્રુતવાન્ એ રૂપ ચતુર્થંગીના એક જ વાક્યમાં દેશારાધકપણું અશુદ્ધવ્યવહારથી છે અને તદુપપાદક બાલતપસ્વીપણું=અશુદ્ધ વ્યવહારથી સ્વીકારાયેલા દેશઆરાધકત્વનું ઉપપાદક બાલતપસ્વીપણું, નિશ્ચયથી છે તે પ્રમાણે કહેવું યુક્ત નથી; કેમ કે સંદર્ભનો વિરોધ છે=મોક્ષમાર્ગના આરાધક કોણ છે ? તે બતાવવાના સંદર્ભથી કરાયેલા દેશારાધકમાં અશુદ્ધ વ્યવહારથી દેશારાધકત્વ સ્વીકારીને તેઓને નિશ્ચયથી બાલતપસ્વી કહીને મોક્ષમાર્ગને અનનુરૂપ ક્રિયા કરનારા છે તેમ કહેવારૂપ સંદર્ભનો વિરોધ છે, પરંતુ નિશ્ચયપ્રાપક એવા વ્યવહારથી દેશારાધકપણું અને તેનો ઉપપાદક=નિશ્ચયપ્રાપક વ્યવહારનયને અભિમત દેશારાધકને ઉપપાદક, માર્ગાનુસારી યમ-નિયમાદિ ક્રિયાવત્ત્વરૂપ બાલતપસ્વીપણું છે એ પ્રકારના સંદર્ભનો અવિરોધ છે. અને વ્યવહારમાં નિશ્ચય પ્રાપકત્વ-અપ્રાપકત્વ દ્વારા વિશેષ=ભેદ, શાસ્ત્રઅસિદ્ધ છે. એ પ્રમાણે વ્યામૂઢ વૃત્તિથી શંકા કરવી નહિ; કેમ કે યોગબિંદુ, ઉપદેશપદાદિમાં આના વિશેષની=નિશ્ચય પ્રાપકત્વ અને અપ્રાપકત્વ દ્વારા વ્યવહારના વિશેષની પ્રસિદ્ધિ છે.