________________
૨૫૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૩ જિનના ઉપાસક છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – અન્યદર્શનમાં પણ જે માર્ગાનુસારી જીવો છે તેઓને મોક્ષના કારણભૂત તેવી માર્ગાનુસારી ક્રિયામાં જ તાત્પર્ય છે. અર્થાત્ તેવી માર્ગાનુસારી ક્રિયાને સેવવાના જ આશયવાળા છે. આથી જ તે તે દર્શનની ક્રિયાઓ કરીને પણ રાગાદિનું શમન થાય તે પ્રકારે જ તેઓ યત્ન કરે છે, પરંતુ કદાગ્રહથી સ્વપક્ષના પક્ષપાતી નથી.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનવાળા માર્ગાનુસારી જીવો આ ક્રિયા કષાયના ઉપશમનું કારણ છે અને આ ક્રિયા કષાયના ઉપશમનું કારણ નથી તેવો વિભાગ કઈ રીતે કરી શકે ? તેથી કહે છે – માર્ગાનુસારી જીવો ક્ષીર-નીરના વિભાગને કરનારા હંસની જેમ સ્વભાવથી જ શુદ્ધાશુદ્ધ ક્રિયાના વિશેષને ગ્રહણ કરનારા છે. તેથી અન્યદર્શનમાં પણ રહેલા માર્ગાનુસારી જીવો જે જે યમ-નિયમાદિની આચરણા કરે છે તેનાથી જિનના વીતરાગભાવને અભિમુખ એવા આત્માના સંસ્કારોને આધાન કરે છે. અને જેઓ માર્ગાનુસારી બુદ્ધિવાળા નથી તેઓ જૈનદર્શનની સામાયિકાદિની ક્રિયા કરતા હોય તો પણ શુદ્ધાશુદ્ધ ક્રિયાના વિશેષને ગ્રહણ કરનારા નહીં હોવાથી જિનની ઉપાસના કરનારા નથી.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનવાળા જીવો જે ક્રિયા કરે છે તે ક્રિયા ભાવથી જૈનદર્શનની ક્રિયા છે તેમ કેમ કહ્યું ? તેથી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – ભગવાનનો અપ્રમાદસાર મુખ્ય ઉપદેશ છે. અર્થાત્ પરમ ઉપેય એવા વીતરાગભાવને અનુકૂળ અપ્રમાદ મુખ્ય ઉપદેશ છે. અને તે ઉપદેશ પુરુષના ભેદને આશ્રયીને જુદા જુદા પ્રકારનો છે. તેથી જે જીવને જે ભૂમિકામાં જે પ્રકારનો યત્ન ઉચિત ગુણો આધાયક બને તે જીવને આશ્રયીને તે પ્રકારનો અપ્રમાદ કરવાનો ભગવાનનો ઉપદેશ છે. તેથી અન્યદર્શનવાળા જીવો પણ કદાગ્રહ રહિત પોતાને અભીષ્ટ એવા દેવતા પૂર્ણ પુરુષ છે, તેમ માનીને તેઓની ઉપાસના કરે તેનાથી પૂર્ણ પુરુષ પ્રત્યેના પક્ષપાતરૂપ ઉચિત ગુણનું આધાન થાય તેવી અપ્રમાદભાવવાળી તે ઉપાસના બને છે. માટે તે તે દર્શનના જીવો પણ પોતપોતાના દર્શનને અભિમત ક્રિયાઓ કરીને પરમ ઉપેય એવા વીતરાગભાવને અનુકૂળ અપ્રમાદભાવ કરી શકતા હોય તો તેઓની તે ક્રિયા જિન થવાને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી ભાવથી જૈની ક્રિયા જ છે. અર્થાત્ દ્રવ્યથી અન્યદર્શનની ક્રિયા છે, ભાવથી જૈનદર્શનની જ ક્રિયા છે.
તેમાં ઉપદેશપદની સાક્ષી આપતાં બતાવે છે – જેઓ સંસારથી વિરક્ત થયેલા હોય, મોક્ષના અર્થી હોય આમ છતાં ભારે કર્મવાળા હોવાને કારણે સંયમ પાળવા માટે અસમર્થ હોય તેવા જીવોને તેઓની યોગ્યતાનુસાર જુદા-જુદા પ્રકારનો અપ્રમાદનો ઉપદેશ છે.
આનાથી અર્થથી એ પ્રાપ્ત થાય કે જેમ સર્વવિરતિ માટે અસમર્થને તેની ભૂમિકાનુસાર અપ્રમાદપ્રધાન ઉપદેશ અપાય છે, તેમ અન્યદર્શનમાં રહેલા પણ માર્ગાનુસારી જીવો તે તે ભૂમિકાનુસાર પરમ ઉપેય એવા વિતરાગભાવ વિષયક અપ્રમાદ કરતા હોય તો તેઓની તે ક્રિયા જિનવચનના ઉપદેશાનુસાર છે. વળી
ભગવાનનો ઉપદેશ અપ્રમાદસાર પણ અનેક પ્રકારનો છે. તેથી કેટલાક અપુનબંધકાદિ જીવોને આશ્રયીને તેઓ સામાન્ય દેશનાને જ યોગ્ય છે તેમ નક્કી થાય છે. જેમ કેટલાક અપુનબંધક જીવો ચૂલબોધવાળા