________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૭૩
તેથી એ પ્રાપ્ત થાય કે જિનવચનાનુસાર કરાયેલી સમ્યગ્દષ્ટિની કે દેશવિરતિધરની કરાયેલી ધર્મની પ્રવૃત્તિમાં થોડો ધર્મ છે તેમ કહી શકાય; કેમ કે તે ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ ધર્મમાં વિશ્રાન્ત થાય છે. જિનવચનાનુસાર સર્વવિરતિમાં જેઓ ઉદ્યમ કરે છે તેમાં પૂર્ણ ધર્મ છે પરંતુ થોડો ધર્મ છે તેમ કહી શકાય નહિ; કેમ કે સર્વવિરતિધર સાધુ પોતાના મન-વચન-કાયારૂપ ત્રણે યોગોના પૂર્ણ સામર્થ્યથી ધર્મ સેવે છે જે પ્રકર્ષને પામીને યોગનિરોધકાળમાં પૂર્ણ ધર્મમાં વિશ્રાન્ત થાય છે.
વળી અન્યદર્શનમાં માર્ગાનુસારી જીવો જે સામાન્ય ધર્મનું સેવન કરે છે તેમાં ભગવાનના વચનનું જ સ્વતંત્ર પ્રમાણપણું છે; કેમ કે તેઓ પણ ભગવાને કહેલા વચનાનુસાર અસગ્રહનો ત્યાગ કરીને નિર્મળ બુદ્ધિથી સંસારનાં કારણોનો અને મોક્ષનાં કારણોનો ઊહ કરે છે. ફક્ત તેઓને સર્વવિશેષને બતાવનારા ભગવાનનાં વચનો પ્રાપ્ત થયાં નથી, પરંતુ ભગવાને બતાવેલી કોઈક એક નય દૃષ્ટિથી તેઓ તે પ્રકારની માર્ગાનુસા૨ી બુદ્ધિવાળા થયા છે. તેથી તેઓના સામાન્યધર્મમાં પણ સ્વતંત્ર પ્રમાણ ભગવાનનું વચન જ છે, તેઓનું દર્શન નથી. માટે તે દર્શનમાં થોડો ધર્મ છે તેમ કહી શકાય નહીં, પરંતુ તે દર્શનમાં રહેલા મધ્યસ્થ પુરુષો કદાગ્રહ વગર જે ઉચિત યમ-નિયમ સેવે છે તે જિનવચનાનુસાર છે. તેથી તેમાં ધર્મ છે તેમ કહી શકાય. આથી જ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કહ્યું કે સાંખ્યદર્શનવાળા આત્માને જે રીતે કૂટનિત્ય માને છે તે વચનાનુસાર યોગમાર્ગની પ્રવૃત્તિ કરનારા તે દર્શનના યોગીઓ વિચારે છે કે આપણો આત્મા આ ભવ પૂરતો નથી પરંતુ શાશ્વત છે. માટે શાશ્વત આત્માના હિત અર્થે પૂર્ણ પુરુષની ઉપાસના કરવી જોઈએ. ભવનું કારણ જે પ્રધાન અર્થાત્ પ્રકૃતિ છે તેનો નાશ કરવાથી સંસારની વિડંબના દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મા એકાંતનિત્ય છે એ બાબતમાં નિવર્તન ન પામે તે પ્રકારે કદાગ્રહ વગર એક નયની દૃષ્ટિથી તત્ત્વના રાગી પુરુષો જે કપિલદર્શનના યોગમાર્ગને સેવે છે તે કપિલને પૂર્ણ પુરુષ માનીને સેવતા હોય તોપણ સર્વજ્ઞના જ ઉપાસક છે. માટે તેઓમાં વર્તતો સામાન્ય ધર્મ પણ ભગવાનના વચનાનુસાર હોવાથી ધર્મરૂપ બને છે; કેમ કે સામગ્રીને પામીને અન્ય નયનો પણ સ્વીકાર થાય તેવી મધ્યસ્થદૃષ્ટિ તેઓમાં વર્તે છે. તેથી તેઓના સેવાતા ધર્મમાં પણ ભગવાનનું વચનાનુસાર કંઈક ઉચિત પ્રવૃત્તિ છે તેને આશ્રયીને તે પ્રવૃત્તિ પ્રમાણ છે.
અથવા મરીચિનું વચન ઉત્સૂત્ર કેમ છે ? તેનું સમાધાન ગ્રંથકારશ્રી અન્ય રીતે કરે છે
કપિલ બાલ હોવાથી અન્ય લિંગને જ તે અન્યદર્શનરૂપે માને છે અને તે લિંગમાં સ્વનિરૂપિતકારણતાવિશેષથી કોઈ ધર્મ નથી, છતાં મરીચિએ ત્યાં ધર્મ છે તેમ કહ્યું તે ભાવઅસત્યરૂપ છે. માટે મરીચિનું વચન ઉત્સૂત્રરૂપ છે.
આશય એ છે કે બાલજીવો બાહ્ય આચરણારૂપ લિંગને જ ધર્મ માને છે. કપિલ બાલ હોવાથી સંન્યાસીના લિંગને અને સંન્યાસીની તે તે આચરણાને જ ધર્મરૂપે માને છે. મરીચિએ પરિવ્રાજકના વેશની કલ્પના કરતી વખતે વિચારેલું કે સાધુ કર્મબંધના કારણભૂત મનદંડ-વચનદંડ-કાયદંડથી વિરત છે અને હું