________________
૨૭૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ હોવાથી ઓઘદૃષ્ટિ છે. તેથી ઔધિક યોગદૃષ્ટિથી તેઓના અકરણનિયમના વર્ણનમાં સામાન્યધર્મના પ્રદર્શનનો અવિરોધ છે. વળી, જેઓ માર્ગાનુસારી નથી અને સ્વ-સ્વ દર્શનમાં બદ્ધાગ્રહવાળા છે. આમ છતાં ઘુણાક્ષરન્યાયથી તેઓ પાપ અકરણનિયમનું વર્ણન કરે છે. તેઓના પાપ અકરણનિયમના વર્ણનમાં માત્ર ઓઘદૃષ્ટિ જ છે. યોગદૃષ્ટિ નથી. તેથી તેઓનું અકરણનિયમનું વર્ણન આકૃતિ માત્ર જ છે. પરમાર્થથી શુભાનુબંધીપુણ્યનું કારણ નથી. માટે તેઓના અક૨ણનિયમમાં સામાન્ય ધર્મ પણ નથી.
વળી, અન્યદર્શનમાં પણ સામાન્ય ધર્મની સત્તા છે એ વચન ઉપદેશપદની વૃત્તિકા૨ના વચનથી સિદ્ધ થાય છે; કેમ કે ઉપદેશપદના વૃત્તિકારે કહ્યું છે કે અન્યદર્શનમાં રહેલા અકરણનિયમાદિમાં ધર્મ નથી એ પ્રકારનું દ્વેષનું વચન બૌદ્ધાદિ સામાન્ય ધાર્મિકજનનો પણ મૂઢભાવરૂપ છે માટે જે બૌદ્ધાદિ સામાન્ય ધાર્મિક છે તેઓ પણ અન્યદર્શનના અકરણનિયમાદિમાં પ્રદ્વેષ કરતા નથી. તેથી જણાય છે કે તેવા બૌદ્ધાદિ સામાન્ય ધાર્મિક જનો કોઈપણ દર્શનમાં પોતાને અભિમત પાપને અન્ય શબ્દથી પાપ કહેતા હોય અને તેની નિવૃત્તિનો ઉપદેશ આપતા હોય તે વચન પ્રત્યે સામાન્ય ધાર્મિકજનને પ્રદ્વેષ થતો નથી, પરંતુ પક્ષપાત થાય છે. માટે તત્ત્વના પક્ષપાતરૂપ સામાન્ય ધર્મની સત્તા અન્યદર્શનવાળા માર્ગાનુસારી જીવોમાં છે તેમ ફલિત થાય છે.
પૂર્વમાં ‘શ્ર્વિવા’થી જે પક્ષ બતાવ્યો તેમાં પૂર્વપક્ષીએ કહેલ કે અન્યદર્શનમાં પરમાર્થથી અકરણનિયમ નથી, પરંતુ શબ્દમાત્રરૂપ અકરણનિયમ છે, માટે તેવા અકરણનિયમને સેવનારા બાલતપસ્વીને દેશારાધક કહી શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી અનેક શાસ્ત્રોનાં વચનોથી અન્યદર્શનમાં પણ સામાન્ય ધર્મનો સદ્ભાવ છે તેમ સ્થાપન કરીને માર્ગાનુસારી એવા અન્યદર્શનવાળા જીવોમાં દેશા૨ાધકપણું છે તેમ સ્થાપન કર્યું.
વળી પૂર્વપક્ષીએ કહેલ જો અન્યદર્શનમાં ધર્મનો સદ્ભાવ સ્વીકારશો તો કપિલની આગળ મરીચિએ કહેલ કે ‘થોડો અહીં પણ ધર્મ છે.’ તે વચન ઉત્સૂત્ર કહી શકાશે નહીં. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અન્યદર્શનમાં સ્વતંત્રપ્રમાણથી પ્રતિપત્તિના અનુબંધિવિષયપણાથી થોડો પણ ધર્મ નથી. પરંતુ તેમનામાં વર્તતા સામાન્ય ધર્મમાં પણ ભગવાનના વચનનું જ સ્વતંત્ર પ્રમાણપણું છે.
આશય એ છે કે ધર્મ પ્રત્યક્ષનો વિષય નથી, અનુમાનનો વિષય નથી પરંતુ સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે. સર્વજ્ઞ કેવળજ્ઞાનથી ‘કઈ ઉચિત પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે ?' તેનો નિર્ણય કરીને ઉપદેશ આપે છે. તેથી ભગવાનનું વચન ધર્મના વિષયમાં સ્વતંત્ર પ્રમાણ છે. વળી તે ભગવાનનું વચન સ્વીકારીને ધર્મની પ્રવૃત્તિ ક૨વામાં આવે તો તે ધર્મપ્રવૃત્તિ ઉત્તરોત્તરના ધર્મની પ્રાપ્તિનું કારણ બને તેવી સાનુબંધી હોય છે. માટે તે વચનાનુસાર કરાયેલી ધર્મની પ્રવૃત્તિ પૂર્ણ ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે તેવી સાનુબંધ ધર્મની પ્રવૃત્તિનું વર્ણન અન્યદર્શનમાં નથી. માટે અન્યદર્શનમાં થોડો પણ ધર્મનો ભાવ નથી, તેથી તેવા ધર્મને ધર્મરૂપે કહેવો તે ઉત્સૂત્રરૂપ છે.