________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૬૯
કેમ સંગત નથી ? તે બતાવતાં કહે છે –
ભગવાનના શાસનને પામેલા સુસાધુઓ ત્રણ ગુપ્તિપૂર્વક જે તપ-સંયમની ક્રિયા કરે છે, તે ક્રિયાઓ અંતરંગ રીતે ક્ષમાદિભાવોને અનુકૂળ યત્નરૂપ હોવાથી પાપના અકરણરૂપ છે. અને તેવા શુભભાવ વિશેષ સાપેક્ષ એવું અકરણનિયમનું વર્ણન અન્યદર્શનવાળા કરે છે. તેથી તે પ્રકારના અકરણનિયમનું પાલન કરીને તેઓ માર્ગાનુસારીભાવવાળા હોવાથી તેઓમાં સામાન્ય ધર્મની સિદ્ધિ છે.
આશય એ છે કે મુનિઓનો પાપઅકરણનિયમ જિનવચનાનુસાર હોવાથી સાક્ષાત્ મોક્ષ સાથે કે મોક્ષના કારણભૂત એવા યોગનિરોધ સાથે એક કારણપણાથી સંબદ્ધ છે. તેથી તેવા મહાત્માઓ સંયમના બળથી અસંગભાવને અભિમુખ જાય છે. જે અસંગભાવ પ્રકર્ષને પામીને વીતરાગતાનું કારણ છે. એવા અસંગભાવને જ અન્યદર્શનવાળા પણ અકરણનિયમરૂપે સ્વીકારે છે. અન્યદર્શનમાં પણ જેઓ મોક્ષના અર્થી છે તેઓ સર્વથા સંગ વગરના પરિણામને જ અકરણનિયમરૂપે સ્વીકારે છે અને તદર્થે સ્વદર્શનના સંયમના આચારો પાળે છે. આમ છતાં સ્યાદ્વાદ દૃષ્ટિના મર્મને નહીં પામેલા છે તે દર્શન અનુસાર એકાંતવાદને સ્વીકારનાર અન્યદર્શનકારો પણ મોક્ષના અર્થી હોવાથી એકાંતવાદમાં અનિવર્તનીય અસદ્ગહવાળા નથી. તેથી સામગ્રીને પામીને સ્યાદ્વાદની દૃષ્ટિને પામે તેવા છે. તેથી સમ્યક્તની અપ્રાપ્તિને કારણે તેઓના પાપાકરણનિયમના પરિણામમાં સામાન્ય ધર્મની સિદ્ધિ છે. મુનિ જેવા શુભભાવ વિશેષની સિદ્ધિ નથી તોપણ તેઓનો તે પાપઅકરણનિયમ પરંપરાએ તો મુનિભાવનું કારણ છે, માટે તેઓમાં સર્વથા ધર્મ નથી તેમ કહી શકાય નહિ.
આ કથનને જ સ્પષ્ટ કરવા અર્થે ટીકાકાર કહે છે કે મુનિઓ જે પાપઅકરણનિયમનું પાલન કરે છે તે જિનવચનાનુસાર સુભટની જેમ મોહના ઉન્મેલનનું કારણ બને તેવા પ્રકારના જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમથી જનિત છે. અને તે સ્વરૂપે સ્વયં જ ભગવાન વડે કહેવાયેલો પાપના અકરણનો નિયમ અન્યદર્શનવાળાઓના સામાન્ય પ્રકારના શુભ અધ્યવસાયરૂપ છે. આમ છતાં પૂર્વપક્ષી કહે કે અન્યદર્શનવાળા યોગીઓ વડે કરાતી અકરણનિયમની પ્રવૃત્તિ વિવેક વગરની હોવાથી નિરનુબંધ શુભ પ્રકૃતિનો હેતુ છે. અર્થાત્ અસાર એવા તુચ્છ પુણ્યબંધનું કારણ છે. માટે સંસારના પરિભ્રમણરૂપ અનર્થનો હેતુ છે. આમ કહીને તેઓમાં લેશ પણ મોક્ષમાર્ગનું આરાધકપણું નથી તેમ પૂર્વપક્ષી સ્થાપન કરે છે તે યુક્ત નથી; કેમ કે અન્યદર્શનમાં પણ જે ભદ્રકપ્રકૃતિવાળા છે, તેઓમાં કદાગ્રહ નથી તેથી ભવના કારણભૂત જે સંગનો પરિણામ છે તેના ત્યાગની ઇચ્છાવાળા માર્ગાનુસારી જીવો છે તેઓ શુભભાવવાળા છે. તેથી તેઓ યોગની પ્રથમની ચાર દૃષ્ટિ સુધીમાં વર્તે છે. તેના કારણે તે તે દર્શનની કદાગ્રહ વગરની કરાયેલી અકરણનિયમની પ્રવૃત્તિથી મોક્ષનું કારણ બને તેવા શુભાનુબંધી પુણ્યને બાંધે છે. આથી જ યોગબિંદુમાં કહ્યું કે અન્યદર્શનમાં રહેલા પણ અપુનબંધક જીવો ક્રોધાદિથી અબાધિત, શાંત પ્રકૃતિવાળા, ઉદાત્ત મહાશયવાળા છે અર્થાત્ પોતાની ભૂમિકાથી ઉપર-ઉપરની ભૂમિકામાં જવા યત્ન કરે તેવા ઉદાત્ત મહાશયવાળા છે. વળી શુભાનુબંધી પુણ્ય હોવાને કારણે તત્ત્વને જોનારી વિશિષ્ટમતિથી યુક્ત છે. અને તેના કારણે પ્રાયઃ કરીને તેઓ ભવના