________________
૨૧૯
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ જેઓને ધર્મ પૂછવાની ઇચ્છા ઉત્પન્ન થયેલી છે તેના કારણે સાધુ પાસે જવાની ઇચ્છાવાળા થયા છે તેવા જીવોને તત્ત્વની પ્રાપ્તિ પ્રત્યેનો પરિણામ ધર્મને પૂછવાની ઉત્પન્ન થયેલી સંજ્ઞાવાળા જીવો કરતાં પણ અધિક છે. આથી જ તત્ત્વનિર્ણય કરવાને અર્થે તત્ત્વના જાણનારા એવા મહાત્મા પાસે જવાના અભિલાષવાળા થયા છે. તેઓને પૂર્વના જીવો કરતાં પણ અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. જેના કારણે સમ્યક્તની પ્રાપ્તિરૂપ તત્ત્વની પ્રાપ્તિ પ્રત્યે તેઓ નજીકની ભૂમિકાવાળા બને છે.
વળી જે જીવો સુસાધુ પાસે જઈને વિનયની ક્રિયાથી યુક્ત થઈને ધર્મની પૃચ્છા કરે છે, તેઓ પૂર્વના જીવો કરતાં પણ અધિક એવી અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. અને તત્ત્વજિજ્ઞાસાથી તત્ત્વ જાણવાના કરાતા યત્નકાળમાં તેઓ સમ્યક્તને અધિક આસન્નતર ભૂમિકાને પામે છે. વળી જે જીવો વિવેકપૂર્વક સુસાધુને ધર્મ પૂછી રહ્યા છે અને સુસાધુ દ્વારા જે સુધર્મ કહેવાઈ રહ્યો છે તેને સ્વપ્રજ્ઞાથી જાણીને સ્વીકારવાને અભિમુખ પરિણામવાળા થયા છે તેઓ પૂર્વના જીવો કરતાં પણ અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. આવા જીવો પ્રાયઃ ધર્મશ્રવણકાળમાં ગ્રંથિભેદને અનુકૂળ એવા અપૂર્વકરણના ભાવોને સ્પર્શનારા હોય છે. જેથી સમ્યત્ત્વની અતિ આસન્ન ભૂમિકામાં હોય છે. તેથી પૂર્વના જીવો કરતાં પણ અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. વળી સદ્ગુરુ પાસેથી ધર્મના યથાર્થ સ્વરૂપને સાંભળ્યા પછી ધર્મના સ્વીકારને અનુકૂળ ઉચિત ક્રિયાથી યુક્ત થઈને ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. તેઓ પૂર્વના જીવો કરતાં પણ અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. આવા જીવો અવશ્ય અનિવૃત્તિકરણ કરીને સમ્યક્તની પ્રાપ્તિ ધર્મસ્વીકારકાળમાં કરે છે. આવા જીવો કરતાં પણ જેઓએ સદ્ગુરુ પાસેથી ધર્મ સ્વીકારી લીધો છે અને સ્વીકારાયેલા ધર્મની ઉચિત મર્યાદાનું સેવન કરી રહ્યા છે, તેઓ પૂર્વના જીવો કરતાં પણ અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. આ જીવો સમ્યક્તના પરિણામથી યુક્ત ઉચિત ક્રિયા કરીને ઉત્તરોત્તર ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા હોવાથી ધર્મને સ્વીકારતા એવા સમ્યગ્દષ્ટિ કરતાં પણ ઉપર-ઉપરની ભૂમિકામાં જનારા હોવાથી વિશેષ પ્રકારના નિર્મળ પરિણામવાળા છે. આ રીતે સમ્યક્તની ઉત્પત્તિ સુધી મિથ્યાષ્ટિ જીવોને પણ પૂર્વ-પૂર્વ કરતાં પણ અધિક અસંખ્યાતગુણ નિર્જરા થતી હોવાથી મિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ ગુણશ્રેણીનો સ્વીકાર આચારાંગસૂત્રના વૃત્તિકારે કરેલ છે.
વળી આચારાંગની વૃત્તિના વચનને ગ્રહણ કરીને કોઈકને શંકા થાય કે સમ્યક્તને અભિમુખ, સમ્યક્તને સ્વીકારનાર અને સભ્યત્વને સ્વીકારેલા જીવોને ગુણશ્રેણીનો સદ્ભાવ છે. જેમ ચારિત્રને સન્મુખ થયેલા, ચારિત્રને સ્વીકારતા અને ચારિત્રને સ્વીકારેલા જીવોમાં ગુણશ્રેણીનો સદ્ભાવ છે. આવો અર્થ આચારાંગના વૃત્તિકારના વચનથી ફલિત થાય છે. માટે જેઓ સમ્યક્તને સન્મુખ છે તેવા જીવોમાં માર્ગાનુસારિતા છે, અન્ય મિથ્યાદૃષ્ટિ જીવોમાં માર્ગાનુસારિતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આવું સ્વીકારવાથી સંગમનયસારમાં માર્ગાનુસારિતા નથી તેમ સ્વીકારવાની આપત્તિ આવે. શાસ્ત્રકારોએ સંગમ, નયસારાદિને માર્ગાનુસારી સ્વીકારેલ છે. માટે જેમ સંગમનો જીવ ધર્મપૃચ્છાની ઉત્પન્ન સંજ્ઞાવાળો ન હતો છતાં પ્રકૃતિભદ્રકતાને કારણે તેનામાં માર્ગાનુસારિતા હતી તેમ જેઓ ધર્મની પૃચ્છાને અભિમુખ પરિણામવાળા થયા નથી છતાં પ્રકૃતિભદ્રકતા છે તેમાં માર્ગાનુસારિતા છે તેવું સ્વીકારવું જોઈએ.