________________
૨૪૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૧
ભાવાર્થ :
ભાવશૂન્ય સર્વવિરતિની સંપૂર્ણ સામાચારી પાલન કરનારને દ્રવ્યથી આરાધક સ્વીકારીને અભવ્યાદિ દ્રવ્યલિંગવાળા સાધુઓને પૂર્વપક્ષી કહે છે તેમ દેશારાધક સ્વીકારીએ તો પરમાર્થથી તેઓને સર્વારાધક સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે સાધુવેશમાં રહીને પૂર્ણ સામાચારી પાળનારા અભવ્યાદિ જીવો પંચાચારનું પૂર્ણ પાલન કરે છે. તેથી ચારિત્રાચારના પાલનને આશ્રયીને તેઓને પૂર્વપક્ષી દેશારાધક સ્વીકારે તો જ્ઞાનાચાર, દર્શનાચારના પાલનના બળથી તેઓને જ્ઞાનાચાર અને દર્શનાચારના આરાધક પણ સ્વીકારવા પડે. તેથી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સંપૂર્ણ મોક્ષમાર્ગના તેઓ આરાધક છે તેમ માનવાની આપત્તિ આવે.
વળી, પૂર્વપક્ષી કહે કે સમ્યક્ત અંશમાં તેઓને ભાવથી સમ્યક્ત નથી તથા ઉસૂત્રભાષણ કરતા નથી. અને સંયમ ગ્રહણ કરતી વખતે જે સમ્યક્તવ્રત ગ્રહણ કરેલ છે તેનું સમ્યફ પાલન કરે છે. તેથી અભવ્યાદિ જીવોને આરાધક-વિરાધક ભાવનો અભાવ સ્વીકારી શકાશે અર્થાત્ ભાવથી સમ્યક્ત નથી તેથી આરાધક નથી. ઉસૂત્રભાષણ કરતા નથી અને સ્વીકારેલા સમ્યક્તવ્રતના ભંગને કરતા નથી તેથી વિરાધક નથી. માટે સમ્યક્ત અંશથી અભવ્યાદિને અનારાધક સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તે રીતે સંપૂર્ણ સામાચારી પાળનારા અભવ્યાદિ જીવો ભાવથી આત્માના અસંગભાવમાં જવા લેશ પણ યત્ન કરતા નથી. માટે ચારિત્રનો અભાવ છે. તેથી ચારિત્રના આરાધક નથી અને પ્રાણાતિપાતાદિ સ્વીકારેલા વ્રતનો ભંગ કરતા નથી. તેથી ચારિત્રના વિરાધક નથી તેમ સ્વીકારીને અભવ્યાદિને સંપૂર્ણ અનારાધક સ્વીકારી શકાય પરંતુ અભવ્યાદિ દ્રવ્ય સામાચારી પાળે છે માટે દેશારાધક છે તેમ સ્વીકારી શકાય નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે અભવ્યાદિ જીવો સંસારના સુખના અર્થી હોવાથી તેના ઉપાયભૂત ચારિત્ર ગ્રહણ કરવાની તેઓને ઇચ્છા વિશેષ થાય છે. તેથી ચારિત્ર ગ્રહણ કરીને દ્રવ્યથી ચારિત્રનું પાલન કરે છે. પરંતુ ભગવાને સંસારનું સ્વરૂપ કેવું બતાવ્યું છે ? અને સંસારથી પર એવા મોક્ષનું સ્વરૂપ કેવું બતાવ્યું છે ? અને મોક્ષના ઉપાયરૂપે જે સર્વ યોગમાર્ગ બતાવ્યો છે તેના વિષયમાં તેઓને લેશ પણ શ્રદ્ધાન નથી. માટે ચારિત્ર અંશથી જ તેઓને દેશારાધક સ્વીકારી શકાય, શ્રદ્ધાઅંશથી સમ્યક્તના આરાધક તેઓને સ્વીકારી શકાય નહિ. તેથી પૂર્ણ સામાચારી પાળનારા અભવ્યાદિને સર્વારાધક સ્વીકારવાની આપત્તિ આવશે નહિ.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ કથન ઉન્મત્તનું પ્રલપિત છે; કેમ કે અખંડ સામાચારીના પાલનથી જ તેઓને રૈવેયકના ઉત્પાદનું કથન છે. તેથી અભવ્યાદિ જેમ ચારિત્રાચારની સામાચારી પૂર્ણ પાળે છે તેમ દર્શનાચારની સામાચારી પણ પૂર્ણ પાળે છે. આમ છતાં તેઓમાં મોક્ષને અનુકૂળ કોઈ ભાવ નથી માટે જ શાસ્ત્રકારોએ તેઓને દેશારાધક સ્વીકાર્યા નથી પરંતુ સર્વવિરાધક સ્વીકાર્યા છે. તેથી તેઓની પૂર્ણ સામાચારીનું પાલન પણ પરમાર્થથી મોક્ષમાર્ગની વિરાધનાસ્વરૂપ જ છે, આરાધનાસ્વરૂપ નથી. માટે તેઓને શીલના આરાધક સ્વીકારીને દેશારાધક કહેવું તે સંપ્રદાયબાહ્યનું વચન અસંગત છે. રક્ષા