________________
૨૩૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૦ પણ મોક્ષને અનુકૂળ આરાધકપણું હોય તો બંને પક્ષના સંઘટનથી મોક્ષને અનુકૂલ સર્વ આરાધકપણાની સિદ્ધિ થાય પરંતુ ક્રિયામાં અભ્યદયની અપેક્ષાએ દેશઆરાધકપણું સ્વીકારવામાં આવે અને જ્ઞાનમાં મોક્ષની અપેક્ષાએ-સર્વઆરાધકપણું સ્વીકારવામાં આવે તો જ્ઞાન અને ક્રિયાના સંઘટનથી સર્વ આરાધકપણાની ઉપપત્તિ થાય નહીં; કેમ કે ક્રિયામાં મોક્ષને અનુકૂલ આરાધકપણું નથી માટે તેના સમુચ્ચયથી સર્વઆરાધકપણાની સિદ્ધિ થઈ શકે નહિ.
વળી, શીલવાન અને અશ્રુતવાન દેશારાધક છે એ કથનમાં મોક્ષમાર્ગની યોગ્યતાના બળથી પણ માર્ગાનુસારી ભાવવાળો જ બાળતપસ્વી ગ્રહણ થઈ શકે; કેમ કે માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી મોક્ષમાર્ગના દેશની આરાધના કરે છે તેમ કહી શકાય. પરંતુ જેઓમાં માર્ગાનુસારી ભાવ નથી તેવા બાલતપસ્વીને ગ્રહણ કરી શકાય નહીં.
આશય એ છે કે સંપ્રદાયબાહ્ય પક્ષવાળા કહે છે કે ભગવાને કહેલ સામાચારીનું પાલન કરનાર અને મોક્ષને અનુકૂલ ભાવશૂન્ય જેઓ છે તેઓ બાલતપસ્વી છે; કેમ કે મોક્ષનો અનુકૂલ ભાવના લેશનો પણ બોધ નથી માટે બાલ છે, અને સંયમની ક્રિયાઓ કરે છે માટે તપસ્વી છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તેવા બાલતપસ્વીને દેશારાધક સ્વીકારી શકાય નહીં; પરંતુ માર્ગાનુસારી એવા બાલતપસ્વીને જ દેશારાધક સ્વીકારી શકાય; કેમ કે સર્વથા ભાવશૂન્ય સંયમની ક્રિયા કરનારની ક્રિયામાં સમુદાયના દેશપણાનો અભાવ છે અર્થાત્ જ્ઞાન-ક્રિયાના સમુદાયના દેશપણાનો અભાવ છે. અપુનબંધકાદિની ક્રિયામાં જ મોક્ષને અનુકૂળ એવી સમુચિત શક્તિનું સમર્થન શાસ્ત્રકારોએ કર્યું છે. તેથી અપુનબંધકાદિની ક્રિયામાં જ દેશઆરાધકપણું સ્વીકારી શકાય. વળી જેમાં ઉપાદાનકારણની શક્તિનો ઉપચય થયો નથી તેમાં જ દેશ–નો શાસ્ત્રીય વ્યવહાર છે. તેથી અપુનબંધક જીવોમાં જે મોક્ષને અનુકૂલ ભાવો છે તે ભાવો અનુચિત શક્તિવાળા ઉપાદાનકારણરૂપ છે. માટે અપુનબંધક જીવોને જ દેશારાધકરૂપે સ્વીકારી શકાય.
આશય એ છે કે અપુનબંધક જીવોમાં પ્રાથમિક ભૂમિકાનો જે માર્ગાનુસારી ભાવ છે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે. તેથી અપુનબંધકાદિ જીવોનો પ્રાથમિક ભૂમિકાનો માર્ગાનુસારી ભાવ મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણ છે. છતાં સમ્યગ્દષ્ટિ જીવોને જેવો મોક્ષ પ્રત્યેનો માર્ગાનુસારી ભાવ છે તેવો માર્ગાનુસારી ભાવ અપુનબંધકમાં નથી. તેથી સમ્યગ્દષ્ટિ આદિ જીવોનો માર્ગાનુસારી ભાવ ઉપચિત શક્તિવાળો છે અને અપુનબંધક જીવોમાં માર્ગાનુસારી ભાવ અનુપચિત શક્તિવાળો છે. વળી, અનુપચિત શક્તિવાળા માનુસારી ભાવને શાસ્ત્રકારોએ દેશારાધક સ્વીકારેલ છે. આથી મૃદુ દ્રવ્ય જ ઘટનો દેશ છે, તંતુ આદિ ઘટનો દેશ નથી તેમ અનુપચિત શક્તિવાળો માર્ગાનુસારી ભાવરૂપ ઉપાદાનકારણને મોક્ષમાર્ગનો દેશ સ્વીકારી શકાય પણ જેમ તંતુ આદિને કે દંડાદિને ઘટનાં કારણ સ્વીકારી ન શકાય તેમ મોક્ષને અનુકૂળ ભાવથી શૂન્ય એવી સાધુસામાચારીને મોક્ષમાર્ગના આરાધકપણાનો દેશ સ્વીકારી શકાય નહિ.