________________
૧૭૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬ ગ્રંથકારશ્રી કહે છે – જીવમાં સ્વાભાવિક આત્માના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાનું કારણ બને તેવી ઉચિત પ્રવૃત્તિનું કારણ એવો જે પરિણામ છે તે માર્ગાનુસારી ભાવ છે. અને આવો માર્ગાનુસારી ભાવ ભગવાનની આજ્ઞાના પરિણમનનું લક્ષણ છે. અને સ્વશાસ્ત્રની ક્રિયા કે પરશાસ્ત્રની ક્રિયા આવી આજ્ઞાના પરિણામના ઉપકારમાં કે પ્રતિબંધમાં નિયત નથી.
આશય એ છે કે ભગવાનની આજ્ઞાના પરિણામરૂપ માર્ગાનુસારી ભાવ સ્વશાસ્ત્રની ક્રિયાથી જ થાય. અન્ય શાસ્ત્રની ક્રિયાથી નહિ તેવું નિયત નથી અને અન્ય શાસ્ત્રની ક્રિયા કરવામાં આવે તો માર્ગાનુસારી ભાવ ન થાય તેવું પણ નિયત નથી. તેથી એ પ્રાપ્ત થાય કે સ્વશાસ્ત્રની ક્રિયા કરનારા પણ જીવો જો ભદ્રકપ્રકૃતિવાળા ન હોય તો જૈન ક્રિયા કરીને પણ માર્ગાનુસારી ભાવ પામતા નથી અને અન્યદર્શનવાળા પોતાના દર્શનની ઉચિત ક્રિયા કરતા હોય તો તે ક્રિયા માર્ગાનુસારી ભાવની નિષ્પત્તિમાં પ્રતિબંધક થાય તેવો પણ એકાંત નિયમ નથી. આથી જ ભગવાનના શાસ્ત્રમાં બતાવાયેલી ક્રિયાકૃત ઉપકાર વગર પણ મેઘકુમારનો જીવ એવો હાથી તેવા પ્રકારની તેની યોગ્યતા પરિપાકને પામેલી હોવાથી તેના કારણે થયેલ અનુકંપાદિને કારણે માર્ગાનુસારી ભાવને પામે છે. વળી, ઉલ્લસિત થયેલી છે યોગદષ્ટિ જેમને એવા પાતંજલિ આદિને અન્યદર્શનની ક્રિયા હોવા છતાં પણ માર્ગાનુસારી ભાવનો વ્યાઘાત થતો નથી. માટે અન્યદર્શનમાં રહેલા જીવો નિસર્ગથી તત્ત્વાનુકૂલ પ્રવૃત્તિના કારણ એવા પરિણામને પામે તો તેઓમાં ભગવાનની આજ્ઞાનો સંભવ છે.
અહીં કોઈક શંકા કરે છે કે પતંજલિ આદિઓને માર્ગાનુસારી ભાવ જ શાસ્ત્રસિદ્ધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં પતંજલિ આદિ ઋષિઓને યોગની દૃષ્ટિઓ છે તેમ કહેલું છે. યોગની દૃષ્ટિ એ સંવેગના પરિણામરૂપ છે. તેથી સ્વાભાવિક મોક્ષને અનુકૂલ એવી પ્રવૃત્તિના પરિણામરૂપ છે. માટે પતંજલિ આદિને માર્ગાનુસારી ભાવ છે; કેમ કે કદાગ્રહ વગરના એવા તેઓ મોક્ષમાર્ગના ઉપાસક હતા.
વળી યોગબિંદુના વૃત્તિકારે પણ કહેલું છે કે પતંજલિ આદિ ઋષિ યોગમાર્ગના જાણનારા હતા. પ્રશમપ્રધાન એવા તપથી ક્ષીણપ્રાય થયેલો છે. માર્ગાનુસારી બોધનો બાધક એવો મોહમલ જેને તેવા છે. તેથી પણ ફલિત થાય છે કે પતંજલિ આદિ ઋષિમાં માર્ગાનુસારી ભાવ છે. અન્યદર્શનમાં રહેલા પતંજલિ આદિ ઋષિને ભગવાનની આજ્ઞાનો પરિણામ છે. આથી જ તેઓને ભાવજૈન શાસ્ત્રકારો સ્વીકારે છે. અર્થાત્ ભાવથી જિનના ઉપાસક છે તેમ સ્વીકારે છે. અન્યદર્શનવાળામાં પણ માર્ગાનુસારી ભાવ છે તેનો પરમાર્થ સ્પષ્ટ કરતાં ટીકાકાર કહે છે –
જેમ કોઈક પરદર્શનમાં રહેલા હોય અને તત્ત્વના માર્ગમાં અવ્યુત્પન્નમતિવાળા હોય અર્થાત્ સ્વપ્રજ્ઞાથી આત્મહિત કરવા માટે શું ઉચિત પ્રયત્ન કરવો જોઈએ ? તે વિષયમાં તેઓની મતિ વ્યુત્પન્ન ન હોય અથવા તો પરસમયમાં રહેલા હોય અને આત્મહિતની પ્રવૃત્તિ વિપરીત કરીને વિપરીત પ્રવૃત્તિમાં વ્યુત્પન્ન હોય તેવા જીવોને યોગ્ય ઉપદેશક ઉપદેશ આપીને તેઓ સંયમ ગ્રહણ કરવા તત્પર થાય તો જૈનશાસનનો સાધુવેશ આપે ત્યારે તેમાં દ્રવ્યસમ્યક્તનું આરોપણ કરે અને દ્રવ્યથી પાંચ મહાવ્રતોનું આરોપણ કરે. વળી,