________________
૧૪૪
ધર્મપરીક્ષા ભાગ-૧ગાથા-૧૨ ગુણસંપન્ન પુરુષની ઉપાસનાનો અધ્યવસાય હોવાથી સર્વ દેવોની ઉપાસના દ્વારા તેઓ ગુણના પક્ષપાતી જ બને છે. તેથી સર્વ દેવોની પૂજાદિ પ્રવૃત્તિ દ્વારા પણ તેઓ નરકપાતાદિ દુર્ગોને તરે છે. માટે તેવા જીવોની સર્વ દેવોને નમસ્કાર કરવાની ક્રિયા તેઓના કલ્યાણનો હેતુ છે.
અહીં પ્રશ્ન થાય કે જો સર્વ દેવોને નમસ્કાર કરવાની ક્રિયા શુભ હોય તો સમજ્યના ઉચ્ચરણ વખતે તેનો ત્યાગ કરવામાં કેમ આવે છે ? તેથી કહે છે –
પૂર્વભૂમિકામાં શુભ અધ્યવસાયના હેતુનું ઉત્તરની ભૂમિકામાં પ્રત્યાખ્યાન કરાય છે તેનું કારણ સર્વ દેવોને નમસ્કાર કરવાની પ્રવૃત્તિ પોતે સ્વીકારેલા વિશેષ ધર્મ પ્રત્યે પ્રતિબંધક છે. તેથી ઉત્તર ભૂમિકામાં જેનું પચ્ચખાણ કરાય તેને પૂર્વભૂમિકામાં પણ સુંદર નથી તેમ કહી શકાય નહિ. આશય એ છે કે આદિધાર્મિકરૂપ પૂર્વ ભૂમિકામાં સર્વ દેવોને નમસ્કાર કરવાનો અધ્યવસાય મધ્યસ્થભાવથી ગુણ પ્રત્યેના પક્ષપાતરૂપ છે. તેથી સર્વ દેવોને નમસ્કારની ક્રિયા આદિધાર્મિક જીવોને માટે શુભ અધ્યવસાયનો હેતુ છે. અને આદિધાર્મિક જીવો કરતાં ઉત્તરની ભૂમિકામાં રહેલા એવા સમ્યગ્દષ્ટિ જીવો માટે સર્વ દેવોને નમસ્કાર કરવાના નિષેધરૂપ પચ્ચખ્ખાણ સમ્યગ્દષ્ટિ જીવોએ સ્વીકારેલા સુદેવને નમસ્કાર કરવાના પરિણામરૂપ ધર્મનું પ્રતિબંધક છે. માટે તેનું પચ્ચખ્ખાણ કરાય છે.
સમ્યગ્દષ્ટિને જે પ્રવૃત્તિ ગુણકારી ન હોય તે પ્રવૃત્તિ તેની પૂર્વભૂમિકામાં પણ ગુણકારી નથી તેમ કહીને તેનો અપલાપ કરવો યુક્ત નથી. તે જ કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જેમ સંપૂર્ણ સંયમ સ્વીકારનાર સાધુને જિનપૂજાના સાક્ષાત્ કરણનો નિષેધ છે; કેમ કે સાધુએ સ્વીકારેલા ચારિત્રનો વિરોધી એવો પુષ્પાદિ ગ્રહણનો પરિણામ છે. તેથી સાધુ પુષ્પાદિ ગ્રહણના પ્રત્યાખ્યાનને કરે છે તોપણ દેશસંયમવાળા શ્રાવકોને સાક્ષાત્ પુષ્પાદિથી જિનપૂજા કરવી અનુચિત નથી. તે પ્રમાણે જેઓએ સમ્યગ્દર્શનનો સ્વીકાર કર્યો છે તેઓને માટે પોતે સ્વીકારેલા સમ્યગ્દર્શનમાં પ્રતિબંધક એવા વિપર્યાસનો હેતુ સર્વ દેવોને નમસ્કાર કરવાની ક્રિયા છે, માટે સમ્યગ્દષ્ટિ જીવો સર્વ દેવોને નમસ્કાર કરતા નથી અને સર્વ દેવોને નમસ્કાર નહિ કરવાના પચ્ચખાણ કરે છે, તોપણ આદિધાર્મિક જીવોને સર્વ દેવોને નમસ્કાર કરવો અનુચિત નથી. આ પ્રમાણે સૂક્ષ્મબુદ્ધિથી સમાલોચન કરવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે સાધુ પુષ્પાદિથી ભગવાનની પૂજા કરતા નથી તે દૃષ્ટાંતના બળથી સમ્યગ્દષ્ટિ જીવો સર્વ દેવોને નમસ્કાર કરતા નથી તેમ સ્થાપન કરીને દેશવિરતિધર શ્રાવકોને જેમ ભગવાનની પૂજા ઉચિત છે તેમ આદિધાર્મિક જીવોને સર્વ દેવોને નમસ્કાર કરવો ઉચિત છે તેમ તમે સ્થાપન કરશો તો સાધુ સાક્ષાત્ જિનપૂજા નહીં કરતા હોવા છતાં વિવેકસંપન્ન શ્રાવકની જિનપૂજાની સાધુ અનુમોદના કરે છે અને કહે છે કે આ શ્રાવકોનો મનુષ્યભવ સફળ છે. જેથી આ રીતે લોકોત્તમ પુરુષની ભક્તિ કરીને પોતાનું હિત સાધે છે. તેમ સમ્યગ્દષ્ટિ જીવોને પણ આદિધાર્મિક જીવોની સર્વ દેવને નમસ્કાર કરવાની ક્રિયાની અનુમોદના કરવાની આપત્તિ આવે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવોએ પણ કહેવું જોઈએ કે આ જીવો સર્વ દેવને નમસ્કાર કરીને પોતાનો જન્મ સફળ કરે છે.