________________
૭૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ ચાર્વાકાદિ દર્શનના પ્રવર્તક આભિગ્રહિકમિથ્યાત્વતા, પરપક્ષના નિરાકરણમાં પ્રવૃત્ત એવો દ્રવ્ય અનુયોગ છે પ્રધાન જેમાં એવા સંમતિતર્કપ્રકરણ આદિ ગ્રંથમાં પ્રસિદ્ધ, છ વિકલ્પો છે. અને તે=પૂર્વે બતાવ્યા તે છ વિકલ્પો, સદા નાસિકમય એવા અભવ્યોને વ્યક્ત જ છે. એથી તેઓને=અભવ્યોને, આભિગ્રહિકના સત્ત્વમાં=આભિગ્રહિકમિથ્યાત્વના સત્વમાં, શું સંશય હોય ? અર્થાત્ સંશય નથી. એ પ્રકારનો ગાથાનો ભાવ છે. ભાવાર્થ :
ચાર્વાકદર્શનવાળા આત્મા નથી તેમ કહે છે. કેટલાક દર્શનકારો આત્માને માને છે, તેમ બૌદ્ધ પણ શરીરથી અતિરિક્ત આત્માને માને છે, છતાં આત્મા નિત્ય નથી પરંતુ ક્ષણિક છે તેમ કહે છે. કેટલાક દર્શનકારો શરીરથી અતિરિક્ત નિત્ય આત્મા સ્વીકારે છે. તેમ વેદાંતી આદિ દર્શનકારો આત્માને શરીરથી અતિરિક્ત નિત્ય માને છે. છતાં આત્મા કૂટનિત્ય છે તેમ કહે છે. અર્થાત્ આત્મા કર્મનો કર્તા અને કરાયેલા કર્મનો વેદન કરનાર નથી, તેમ માને છે. કેટલાક દર્શનકારો શરીરથી અતિરિક્ત નિત્ય આત્મા સ્વીકારે છે અને કર્મનો કર્તા, કરાયેલા કર્મના ફળનું વેદન કરનાર આત્મા સ્વીકારે છે. અર્થાત્ તે આત્માને ચાર ગતિઓમાં પોતાના કર્મ પ્રમાણે ફળને ભોગવનાર માને છે. પરંતુ સર્વ કર્મોથી રહિત એવી નિર્વાણ અવસ્થા નથી તેમ માને છે. કેટલાક દર્શનકારો આત્માને નિર્વાણની પ્રાપ્તિ થાય છે તેમ સ્વીકારે છે. પરંતુ નિર્વાણરૂપ મોક્ષપ્રાપ્તિનો કોઈ ઉપાય નથી, પણ જે દિવસે કેવળીએ કેવળજ્ઞાનમાં તેનો મોક્ષ જોયો છે તે દિવસે તેને મોક્ષની પ્રાપ્તિ થશે તેમ માને છે. આ પ્રકારના ચાર્વાકાદિ દર્શનના પ્રવર્તક છ વિકલ્પો પરપક્ષના નિરાકરણ માટે રચાયેલા દ્રવ્યાનુયોગ છે પ્રધાન જેમાં એવા સમ્મતિતર્કપ્રકરણ આદિ ગ્રંથમાં પ્રસિદ્ધ છે.
આશય એ છે કે સમ્મતિતર્ક નામનો ગ્રંથ અન્ય સર્વ એકાંતવાદનો નિરાસ કરીને સ્યાદ્વાદ જ તત્ત્વવાદ છે તે બતાવવા માટે રચાયો છે. તેમાં પણ ભગવાનના શાસનના પદાર્થો ચરણકરણાનુયોગાદિ ચાર અનુયોગને બતાવનારા છે તેમાંથી જે દ્રવ્યાનુયોગને કહેનાર વચનો છે તે વચનો પ્રધાનરૂપે સમ્મતિ આદિ ગ્રંથમાં કહેલાં છે.
આ સમ્મતિ આદિ ગ્રંથમાં આભિગ્રહિકમિથ્યાત્વના આ છ વિકલ્પો બતાવાયા છે. આ છ વિકલ્પોમાંથી કોઈને કોઈ વિકલ્પો નાસ્તિકમય એવા અભવ્યને વ્યક્ત જ હોય છે. તેથી જ્યારે અભવ્યનો જીવ એકેન્દ્રિય આદિ અવસ્થામાં હોય કે મનુષ્યપણામાં પણ મુગ્ધપણાને કારણે તત્ત્વાતત્ત્વના વિવેકથી શૂન્ય હોય, ત્યારે અનાભોગમિથ્યાત્વ હોય છે અને આત્મા નથી ઇત્યાદિ કોઈ વિકલ્પ પ્રવર્તતો હોય ત્યારે આભિગ્રહિકમિથ્યાત્વ હોય છે. વળી અભવ્યના જીવોને મોક્ષ નામનું તત્ત્વ અભિમત નથી, તેથી પ્રાયઃ મોક્ષ નથી તેમ માને છે. અને મોક્ષ છે તેવું શાસ્ત્રવચનથી સ્વીકાર થાય તોપણ મોક્ષ જીવની સુંદર અવસ્થા નથી તેમ માને છે. માટે નિર્વાણ નથી અથવા નિર્વાણ સુંદર નથી તેવો વિકલ્પ અભવ્યોને સ્થિર હોય છે. માટે તેઓમાં વ્યક્ત આભિગ્રહિકમિથ્યાત્વ પ્રાપ્ત થાય છે.