________________
૯૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ બાદરનિગોદના જીવોથી સિદ્ધના જીવોને અનંતગુણ માનવાનો કેમ પ્રસંગ થાય ? તેમાં મુક્તિ આપે છે કે જેટલા સંવ્યવહારિક રાશિથી સિદ્ધ થાય છે તેટલા જ જીવો અસંવ્યવહારિક રાશિથી નીકળી સંવ્યવહારિક રાશિમાં આવે છે. તેથી એ ફલિત થાય કે વર્તમાનમાં જે સંવ્યવહારિક રાશિવાળા જીવો છે તે, સર્વ સિદ્ધમાં ગયેલા જીવોથી વ્યવહારરાશિમાં આવેલા છે. વળી સિદ્ધમાં ગયેલા જીવો પણ કોઈક સિદ્ધથી નીકળેલા છે માટે વર્તમાનમાં જે વ્યવહારરાશિના જીવો છે તેનાથી સિદ્ધના જીવો અનંતગુણા છે તેમ સિદ્ધ થાય. બાદરનિગોદના જીવોને વ્યવહારરાશિમાં સ્વીકારીએ તો બાદરનિગોદના જીવોથી સિદ્ધના જીવો અનંતગુણા છે તેમ માનવું પડે. વસ્તુતઃ સિદ્ધના જીવો કરતાં બાદરનિગોદના જીવો અનંતગુણા છે. તે પ્રજ્ઞાપનાના વચનથી સિદ્ધ છે. માટે પ્રજ્ઞાપના આગમના બાધાના પરિહાર માટે બાદરનિગોદના જીવોને અવ્યવહારરાશિવાળા સ્વીકારવા જોઈએ એ પ્રકારે પૂર્વપક્ષીનો આશય છે.
પોતાના પક્ષની પુષ્ટિ કરવા માટે નવીન કલ્પના કરનાર પૂર્વપક્ષી ત્રણ અનુમાન બતાવે છે. બાદરનિગોદના જીવો વ્યવહારરાશિવાળા નથી; કેમ કે બાદરનિગોદના જીવો સિદ્ધ કરતાં અનંતગુણા છે. તેમાં દૃષ્ટાંત આપે છે : જેમ સૂક્ષ્મનિગોદના જીવો વ્યવહારરાશિવાળા નથી.
આ અનુમાનથી એ સિદ્ધ થાય કે ગ્રંથકારશ્રી બાદરનિગોદના જીવોને વ્યવહારરાશિવાળા સ્વીકારે છે તે ઉચિત નથી; કેમ કે બાદરનિગોદના જીવો સૂક્ષ્મનિગોદના જીવોની જેમ સિદ્ધ કરતાં અનંતગુણા છે. વસ્તુતઃ સિદ્ધમાં ગયેલા જીવોથી અલ્પ વ્યવહારરાશિમાં આવેલા જીવોને સ્વીકારી શકાય પરંતુ સિદ્ધમાં ગયેલા સિદ્ધ કરતાં અનંતગુણા સ્વીકારી શકાય નહિ અને બાદરનિગોદના જીવો સિદ્ધ કરતાં અનંતગુણા છે. માટે તેઓ વ્યવહારરાશિવાળા છે તેમ કહી શકાય નહિ.
વળી, સ્વસિદ્ધાંત અનુસાર અવ્યવહારરાશિવાળા જીવો કોને સ્વીકારી શકાય ? તે સ્થાપન કરવા માટે પૂર્વપક્ષી બીજું અનુમાન કરે છે – અનાદિવાળા સૂક્ષ્મ-બાદરના જીવો અવ્યવહારી જ છે; કેમ કે અનાદિવાળા સૂક્ષ્મ-બાદરના જીવોને અવ્યવહારી ન સ્વીકારીએ તો વ્યવહારિવભવન અને સિદ્ધિગમનનું જે અપર્યવસિતપણું= અનંતપણું, જે શાસ્ત્રમાં કહેવાયું છે તેની અનુપપત્તિ છે. સંસારી જીવો અવ્યવહારરાશિમાંથી સદા વ્યવહારરાશિમાં આવે છે અને સિદ્ધિગમન સદા રહે છે. જે સિન્ડ્રુતિ નત્તિયા વિકર-એ શાસ્ત્રવચનથી સિદ્ધ છે. આ બીજા અનુમાનથી પૂર્વપક્ષી એ સ્થાપન કરે છે કે ગ્રંથકારશ્રી અનાદિ એવા સૂક્ષ્મનિગોદના જીવોને જ અવ્યવહારરાશિવાળા કહે છે. અને બાદરનિગોદના જીવોને વ્યવહારરાશિવાળા સ્વીકારે છે તે ઉચિત નથી. પરંતુ અનાદિ એવા સૂક્ષ્મનિગોદના અને બાદરનિગોદના જીવો અવ્યવહારરાશિવાળા છે તેમ સ્વીકારવું જોઈએ. અને તેમ સ્વીકારવા માટે પૂર્વપક્ષી યુક્તિ આપે છે કે શાસ્ત્રમાં જેટલા સિદ્ધ થાય છે તેટલા વ્યવહારરાશિમાં આવે છે. તે વચનાનુસાર સિદ્ધિમાં ગમન સદા ચાલુ છે અને સિદ્ધિમાં જેટલા જીવો જાય છે તેટલા જ જીવો વ્યવહારરાશિમાં આવે છે. તેથી વ્યવહારરાશિમાં આવવાનું સદા સ્વીકારવું હોય અને સિદ્ધિગમન સદા સ્વીકારવું હોય તો બાદરનિગોદના જીવોને અવ્યવહારરાશિવાળા સ્વીકારવા પડે. તેથી માનવું જોઈએ કે જેઓ અનાદિ કાળથી સૂક્ષ્મ અને બાદરનિગોદમાં વર્તે છે તેઓ અવ્યવહારરાશિવાળા જ છે.