________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
અહીં નવીન કલ્પના કરનાર અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ સ્થાપન કરવા અર્થે કહે કે ધર્મબુદ્ધિથી ક્રિયારુચિનું નિમિત્ત જે ક્રિયાવાદીનું અભિવ્યંજક છે તે વ્યક્ત મિથ્યાત્વ છે અર્થાત્ શાસ્ત્રમાં કહ્યું છે કે જે જીવોને આત્મકલ્યાણ અર્થે ધર્મની રુચિ થઈ છે અને તેના કારણે ધર્મના અનુષ્ઠાનરૂપ ક્રિયાની રુચિ થઈ છે, તેઓ કોઈ પણ દર્શનમાં હોય તો તેઓ ક્રિયાવાદી છે. અને ક્રિયાવાદી જીવોને ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવર્ત જ સંસાર હોય. તેનાથી વધારે નહિ. તે પ્રકારે શાસ્ત્રવચનથી સિદ્ધ થાય છે કે ચરમાવર્તમાં રહેલા જીવોને જ વ્યક્તમિથ્યાત્વ છે, તેનાથી અન્ય સર્વ જીવોને અવ્યક્ત મિથ્યાત્વ છે. અને અભવ્ય જીવને ક્યારેય એક પુદ્ગલપરાવર્ત શેષ સંસાર નથી. માટે તેને અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે કે સાક્ષી પાઠનો અર્થ આ પ્રમાણે પૂર્વપક્ષી સ્વીકારે તો શરમાવર્તથી અધિક સંસારવાળા ભવ્ય જીવોને પણ અવ્યક્ત મિથ્યાત્વની પ્રાપ્તિ થાય અને તેમ સ્વીકારવાથી આભિગ્રહિક આદિ મિથ્યાત્વના ઉચ્છેદની પ્રાપ્તિ થાય અર્થાત્ ચરમાવર્ત બહારના જીવોમાં ક્યારેય આભિગ્રહિક આદિ મિથ્યાત્વ નથી તેમ માનવાનો પ્રસંગ આવે.
અહીં પૂર્વપક્ષી અભવ્યને અવ્યક્ત મિથ્યાત્વ સ્વીકારવા માટે યુક્તિ આપે છે કે જેમ કોઈ જીવ પોતાના ઘરમાં રહેલો હોય તો તે માર્ગગામી કે ઉન્માર્ગગામી કહેવાતો નથી પરંતુ ગૃહથી નીકળીને કોઈ ઇષ્ટ નગર તરફ જતો હોય અને તે નગરના માર્ગમાં હોય તો માર્ગગામી કહેવાય. અને તે નગરના માર્ગમાં ન હોય પણ ભ્રમથી અન્ય માર્ગમાં હોય તો ઉન્માર્ગગામી કહેવાય. એ રીતે જે જીવો અનાદિના મિથ્યાત્વમાં વર્તતા હોય તે જીવો પોતાના ગૃહ તુલ્ય અનાદિના મિથ્યાત્વમાં વર્તે છે. અને જ્યારે તે જીવો અનાદિના ગૃહ તુલ્ય અનાદિ મિથ્યાત્વનો ત્યાગ કરીને મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરે છે ત્યારે માર્ગગામી કહેવાય છે અને જ્યારે મોક્ષમાર્ગથી વિરુદ્ધ મિથ્યામાર્ગનો સ્વીકાર કરે છે ત્યારે ઉન્માર્ગગામી કહેવાય છે. આ પ્રકારે પોતાની કલ્પના કરાયેલ પ્રક્રિયા દ્વારા પૂર્વપક્ષી સ્થાપના કરે છે કે અભવ્યના જીવોએ ક્યારેય મિથ્યાત્વને છોડ્યું નથી માટે તેઓ માર્ગગામી કે ઉન્માર્ગગામી નથી પરંતુ અનાભોગમિથ્યાત્વવાળા જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રકારના સ્વકલ્પિત દષ્ટાંતના બળથી અભવ્યને અનાભોગમિથ્યાત્વ સ્વીકારવામાં આવે તો અચરમાવર્તમાં રહેલા શાક્યાદિ પણ ઉન્માર્ગગામી નથી તેમ પ્રાપ્ત થાય. જો આવું સ્વીકારવામાં આવે તો કુપ્રવચનના પાખંડી સર્વ ઉન્માર્ગગામી છે.” એ પ્રકારના ઉત્તરાધ્યયનમાં વચનનો વિરોધ થાય.
અહીં વિશેષ કહે છે કે પરમાર્થથી મુક્ત અવસ્થા જીવના ગૃહ તુલ્ય છે; કેમ કે પોતાના ગૃહમાં રહેલો જેમ સુખપૂર્વક રહી શકે છે તેમ સિદ્ધના જીવો નિજ સ્વભાવરૂપ પોતાના સ્થાનમાં રહેલા છે. અને જેઓ મોક્ષપ્રાપ્તિને અનુકૂળ એવા ઇષ્ટમાર્ગમાં પ્રવૃત્ત છે તેવા સર્વ યોગીઓ માર્ગગામી છે. આથી જ અન્યદર્શનમાં પણ ભદ્રકપ્રકૃતિવાળા યોગની દૃષ્ટિને પામેલા જીવો માર્ગગામી છે. અને જે જીવો મોક્ષમાર્ગમાં પ્રસ્થિત નથી કે દૂરદૂરવર્તી પણ મોક્ષમાર્ગને અભિમુખ ગમન કરતા નથી તેવા અન્યદર્શનમાં રહેલા કે જૈનદર્શનમાં રહેલા કે અભવ્યના જીવો કે એકેન્દ્રિયમાં વર્તતા જીવો સર્વ ઉન્માર્ગગામી જ છે; કેમ કે મોક્ષને અનુકૂળ નિર્જરાના માર્ગને છોડીને મોક્ષથી વિરુદ્ધ એવા ભવના માર્ગને અનુકૂળ કર્મબંધનો આશ્રય કરનારા છે.