________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮
ઉપ
શ્રદ્ધા કરે છે. તેઓમાં આભિગ્રહિકમિથ્યાત્વ નથી. પરંતુ તત્ત્વની સ્થિર રુચિરૂપ સમ્યક્ત્વ છે. અને આવો તત્ત્વનો નિર્ણય ગીતાર્થ પુરુષો જ કરી શકે; કેમ કે ભગવાનના વચનાનુસાર તત્ત્વને જાણીને ભગવાને બતાવેલી આ સર્વ પ્રવૃત્તિઓ આ રીતે સેવવાથી સેવનાર પુરુષ ક્રમે કરીને વીતરાગ તુલ્ય થાય છે તેવો સ્થિર નિર્ણય શાસ્ત્રના સૂક્ષ્મ બોધથી થયેલો છે. વળી, જેઓ ગીતાર્થ નથી તેવા માષતુષાદિ સાધુઓ આ રીતે તત્ત્વનો નિર્ણય કરી શકતા નથી તોપણ આત્માનું સુંદર સ્વરૂપ મુક્તાવસ્થામાં જ છે; કેમ કે અંતરંગ રીતે મોહની આકુળતા નથી અને બહિરંગ રીતે દેહકર્માદિ કૃત કોઈ ઉપદ્રવ નથી અને તે અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય વીતરાગે બતાવેલો માર્ગ જ છે તેવો જે સ્થિર નિર્ણય છે, તેથી તેવા સાધુઓએ વીતરાગે બતાવેલા માર્ગમાં ચાલનારા ગીતાર્થ સાધુની પરીક્ષા કરીને ‘આ ગુરુ આશ્રયણીય છે' તેવો યથાર્થ બોધ કર્યો છે અને તેઓના વચનાનુસાર ચાલવાથી મને પણ મોક્ષની પ્રાપ્તિ થશે તેવી સ્થિર શ્રદ્ધા છે તેવા માષતુષાદિ જીવોમાં ભગવાનના વચનમાં રુચિ છે તેનાથી તેઓમાં સમ્યક્ત્વ વર્તે છે, પણ આભિગ્રહિકમિથ્યાત્વ નથી. (૨) અનાભિગ્રહિકમિથ્યાત્વ :
વળી કેટલાક જીવોમાં અનાભિગ્રહિકમિથ્યાત્વ હોય છે. તેઓ સંસારની પ્રવૃત્તિને છોડીને ધર્મની પ્રવૃત્તિની રુચિવાળા હોય છે છતાં સર્વ દર્શનકારો અહિંસાદિ ધર્મને બતાવનારા છે એમ વિચારીને સૂક્ષ્મબુદ્ધિપૂર્વક તત્ત્વાતત્ત્વનો વિભાગ કર્યા વગર સર્વદર્શનના આચારોને જોઈને વિચારે છે કે આ દર્શનો સુંદર છે તેઓને
અનાભિગ્રહિકમિથ્યાત્વ છે.
વળી જે મુનિઓ નિશ્ચય અને વ્યવહારનયના પરમાર્થને જાણનારા છે અને નિશ્ચયનય પરમ ઉપેક્ષાને જ મોક્ષનું કારણ કહે છે તેવો જેમને બોધ છે તેઓ સર્વ ઉચિત વ્યવહારોને પરમ ઉપેક્ષાનું કારણ બને તે રીતે યોજન કરીને જીવનમાં સેવે છે અને તે વ્યવહા૨ના સેવનથી પરમ ઉપેક્ષાના ભાવોમાં વર્તે છે. તેઓ નિશ્ચયપરિકર્મિતમતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો છે. આવા મહાત્માઓ ભગવાનના શાસનના દરેક નયો સ્વ-સ્વસ્થાને યોજન કરીને સર્વ નયોમાં શ્રદ્ધાનવાળા છે અને અન્ય સર્વ દર્શનો પણ કોઈક નય ઉપર ચાલનારા છે. તેથી તે તે દર્શનના તે તે નયને ઉચિત સ્થાને યોજીને સર્વ નયોમાં તે મહાત્માઓને શ્રદ્ધા છે. તેથી તે મહાત્માઓને તે તે નયની અપેક્ષાએ સર્વદર્શનોમાં શોભનતાની બુદ્ધિ છે; તોપણ મુગ્ધ જીવોની જેમ વિશેષનો નિર્ણય કર્યા વગર તેઓનું સર્વ નયોમાં શ્રદ્ધાન નથી. માટે તેવા મહાત્માઓને અનાભિગ્રહિકમિથ્યાત્વ નથી.
(૩) આભિનિવેશિકમિથ્યાત્વ :
કેટલાક જીવો ભવથી વિરક્ત થઈને જિનવચનાનુસાર સંયમ પાળનારા શાસ્ત્રની સ્થિર રુચિવાળા હોય છે. આવા જીવોને પણ કોઈક નિમિત્તથી ભગવાનના વચનથી વિપરીત અર્થમાં રુચિ ઉત્પન્ન થાય છે અને તે રુચિ પ્રત્યેનો પક્ષપાત પેદા થાય છે. જેથી પોતાને ખ્યાલ આવે કે હું જે સ્વીકારું છું, તે સર્વજ્ઞના વચનથી વિરુદ્ધ છે, તોપણ પોતાના દ્વારા કહેવાયેલા તે વચનના રાગને કારણે ભગવાનના વચનાનુસાર તેનો