________________
૬૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮
સ્વીકાર કરતા નથી, તેવા જીવોને આભિનિવેશિકમિથ્યાત્વ છે. જેમ ગોષ્ઠામાજિલનિહ્નવ આદિને ભગવાનના વચનથી વિપરીત પદાર્થમાં રુચિ થયા પછી આ વચન સર્વજ્ઞના વચનથી વિપરીત છે તેવો નિર્ણય થવા છતાં પણ પોતાના બોલાયેલા વચનમાં આગ્રહ હતો જે આભિનિવેશિકમિથ્યાત્વ છે.
વળી સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોય છે. તેથી સ્વશક્તિ અનુસાર સદા વિશેષ-વિશેષ જાણવા માટે અને જાણીને સ્થિર કરવા માટે ઉદ્યમ કરે છે. છતાં કોઈક સ્થાનમાં અનાભોગથી જિનવચનથી વિપરીત અર્થ આ જિનવચનાનુસાર છે તેવો ભ્રમ થાય અથવા તે શાસ્ત્રવચનનું યોજના અનાભોગ આદિથી ઉપદેશક અન્યથા કરે અને તેના કારણે સમ્યગ્દષ્ટિને પણ જિનવચનથી વિપરીત અર્થ જિનવચનાનુસાર છે તેવો ભ્રમ થાય તો પણ તેઓની સ્વરસવાહિ રુચિ ભગવાનના વચનમાં છે, અન્યમાં નથી, માટે તેઓમાં આભિનિવેશિકમિથ્યાત્વ નથી.
વળી કેવળજ્ઞાન-કેવળદર્શન વિષયક જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ જેવા પ્રવચનપ્રભાવક પુરુષોમાં પણ પરસ્પર મતભેદ હતો અને તે સર્વના વચનોમાંથી કોઈક એકનું વચન શાસ્ત્રસંમત છે છતાં તે સર્વ મહાત્માઓને તે પ્રકારનો નિર્ણય હતો કે જે અમે અર્થ કરીએ છીએ તે જ સર્વજ્ઞા સંમત છે. તેથી તેઓમાં આભિનિવેશિકમિથ્યાત્વ ન હતું પરંતુ સમ્યક્ત હતું, કેમ કે તે સર્વમાંથી જેમનું વચન શાસ્ત્રથી બાધિત સિદ્ધ થાય તે વચનમાં શાસ્ત્રના તાત્પર્યનું પ્રતિસંધાન તે મહાત્માને નહીં હોવાથી તે સ્થાનની અપેક્ષાએ તે મહાત્મા વિદ્વાન નથી. વળી જેઓને પોતે સ્વીકારેલા વચનમાં શાસ્ત્રના તાત્પર્યનો બાધ છે તેવો નિર્ણય છે તેઓ તે સ્થાનમાં વિદ્વાન હોવા છતાં કષાયને પરવશ જેઓને ભગવાનના વચનથી સ્વરસવાહી વિપરીત રુચિ છે તેવા જમાલી આદિને આભિનિવેશિકમિથ્યાત્વ છે. (૪) સાંશયિકમિથ્યાત્વ:
કોઈ મહાત્મા શાસ્ત્રના કોઈ પદાર્થનો અર્થ યુક્તિથી અને અનુભવથી નિર્ણય ન કરી શકે અને તેના કારણે સંશય થાય કે ભગવાને કહેલું આ વચન યુક્તિ યુક્ત છે કે નહીં અને તે સંશયના કારણે શાસ્ત્રના કોઈ પદાર્થમાં સંશય થાય તે સાંશયિકમિથ્યાત્વ છે. જેમ કોઈને વિચાર આવે કે સર્વ દર્શન પ્રમાણ છે? કે કોઈ એક દર્શન પ્રમાણ છે ? અથવા જેમ સર્વ દર્શનોનાં વચનો પરસ્પર વિરોધી હોવાથી સર્વ દર્શનોનાં વચનો પ્રમાણભૂત નથી તેમ ભગવાનનું આ વચન પણ યુક્તિસંગત જણાતું નથી તેથી પ્રમાણ છે કે નહિ ? તે પ્રમાણે સંશય થાય તે સાંશયિકમિથ્યાત્વ છે.
વળી, મિથ્યાત્વના પ્રદેશના ઉદયવાળા એવા સુસાધુઓને પણ શાસ્ત્રના કોઈક સૂક્ષ્મ અર્થમાં સંશય થાય તો ભગવાનના વચનમાં સંશય નહીં હોવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ નથી અને આથી જ ભગવાનના વચનના સૂક્ષ્મ અર્થમાં સંશય થાય ત્યારે મહાત્માઓ વિચારે છે કે જે ભગવાને કહ્યું છે તે જ સત્ય છે, નિઃશંક છે, ફક્ત મારી સૂક્ષ્મ પ્રજ્ઞાના અભાવને કારણે આ શાસ્ત્રના ગંભીર અર્થનો ભગવાને જે અર્થ કર્યો છે તે કયો અર્થ છે ? તેનો નિર્ણય અત્યારે હું કરી શકતો નથી, છતાં અવસરે સામગ્રી મળશે ત્યારે નિર્ણય થશે. આ પ્રમાણે પ્રામાણિક સમાલોચનથી તે મહાત્માને ભગવાનના વચનમાં સ્થિર રુચિ થાય છે.