________________
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી તેમ-તેમ એની વધુ ને વધુ વિશાળતા સમજાતી જાય છે; અને છેવટે એમ જ લાગે છે કે એમની સેવાઓનું મૂલ્ય આંકી શકાય એમ નથી. અને છતાં, આટઆટલી સેવાઓ કરનાર પુરુષને આપણે કેટલા બધા વિસરી ગયા છીએ ! આપણી આ વિસ્મરણશીલતા અને અકૃતજ્ઞતાનો વિચાર કરીએ છીએ ત્યારે ચિત્ત ગ્લાનિ અને દુઃખની લાગણીથી ભરાઈ જાય છે.
વિજ્ઞાનની શોધોએ આજે સાત સાગર પારના દુનિયાના દેશોને જાણે પાડોશી બનાવી દીધા છે. પણ ત્યારે તો પરદેશગમન એ ખૂબ-ખૂબ વિરલ અવસર લેખાતો; એટલું જ નહીં, ૫૦-૭૫ વર્ષ પહેલાં સમુદ્રયાત્રા ખેડીને પરદેશ જવું એ પાપ લેખાતું અને એવો પ્રવાસ ખેડનારને પ્રાયશ્ચિત્ત કરવું પડતું – ભલે ને પછી એણે પ્રવાસ દરમ્યાન ધર્મ, દેશ કે સમાજનું સુંદર કામ કર્યું હોય !
સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી એવી સંકુચિતતાના જમાનામાં જ જન્મ્યા, અને દેશના અને દુનિયાના જે કોઈ માનવીઓ એમના થોડા પણ પરિચયમાં આવ્યા એમના ઉપર પોતાના હૃદયની વિશાળતા અને જૈનસંસ્કૃતિની ઉદારતાની ઘેરી છાપ પાડીને ૩૭ વર્ષ જેટલી ભરયુવાન વયે ચાલતા થયા !
પણ કુદરતની એ મોટી કૃપા કે જ્યારે આખા દેશમાં અને ધર્મમાં પણ અંધશ્રદ્ધાએ જન્માવેલ સંકુચિતતાની બોલબાલા હતી, ત્યારે પણ જ્ઞાનદષ્ટિપ્રેરિત ઉદારતા કંઈ સાવ નામશેષ નહોતી થઈ; આછોપાતળા પણ એના ચમકારા નજરે પડતા હતા અને માર્ગ ભૂલેલી માનવજાતને સાચો માર્ગ બતાવતા હતા.
શ્રી આત્મારામજી મહારાજ, સંકુચિતતાના એ અંધકારયુગમાં, આવા જ એક પ્રભાવશાળી યુગપુરુષ થઈ ગયા. જ્ઞાનગરિમાથી શોભતી એમની બુદ્ધિ હતી, ચારિત્રના વૈભવથી સમૃદ્ધ એમનું જીવન હતું, સમયનાં એંધાણ મુજબ પોતાના જીવનને અને જનસમૂહને દોરવાની અસીમ શક્તિથી સભર એમનો આત્મા હતો. હૃદયની વિશાળતા અને ચિત્તની ગંભીરતામાં જાણે મહાસાગર !
આદર્શ જૈન ગુરુ તરીકેનું જીવન જીવીને જૈનસંસ્કૃતિનો મહિમા વધારવાનું કામ તો એમના માથે હતું જ; સાથે-સાથે જૈનધર્મ-વિરોધી અનેક પરિબળોનો સફળ સામનો કરવાની મોટી જવાબદારી પણ એમના ઉપર આવી પડી હતી. એ સમયે વાત-વાતમાં શાસ્ત્રાર્થ કરવાનો અને પોતાના ધર્મને ચડિયાતો બતાવવા માટે બીજાના ધર્મની હીણપત કરવામાં આનંદ માનવાનો – સાંપ્રદાયિક કટ્ટરતાનો – સમય હતો. આત્મારામજી મહારાજે પોતાની જીવનસાધનાથી સંખ્યાબંધ ગ્રંથોનું સર્જન કરીને તેમ જ સામી છાતીએ પડકારોનો સામનો કરીને જૈનધર્મને આવી વિષમ પરિસ્થિતિમાંથી ઉગારી લીધો હતો. તેમની આ સેવાઓ જૈનધર્મ અને જૈનસંઘના ઇતિહાસમાં સોનેરી પ્રકરણ લેખાય એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org