________________
મુનિપ્રવર પૂ.શ્રી ભક્તિવિજયજી મહારાજશ્રી ની અમૃત-સમ વૈરાગ્યમય વ્યાખ્યાન-વાણી સાંભળીને અનેક ભવ્યાત્માઓવ્રત-નિયમો તથા ધાર્મિક કૃત્યોમાં અભિમુખ થવા લાગ્યા. પૂજયશ્રીની વિદ્વતા અને વિશુધ્ધ ચારિત્રાદિ ગુણોથી આકર્ષાઈ કપડવંજમાં પૂ.આ.શ્રી વિજયવીર સૂરિશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી સંઘે કરેલ અઠ્ઠાઈ મહોત્સવ તથા શાંતિસ્નાત્રાદિ મહોત્સવપૂર્વક ખૂબજ ધામધૂમથી તેઓશ્રીને સંવત ૧૯૭૫ના અષાઢ સુદી બીજના શુભ દિને ગણીપદથી અને સુદ પાંચમના પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. ત્યારથી તેઓ પન્યાસશ્રી ભક્તિવિજયજી ગણી એવા શુભ નામથી પ્રસિધ્ધ થયા. કે આમ સ્વ-પરના કલ્યાણાર્થે અનેક પ્રકારની ધર્મઆરાધના કરતાં-કરતાં તેઓશ્રી પાટડી પધાર્યા. પાટડીમાં સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઈએ આવીને તેઓશ્રીને કહ્યું : “આપની વિદ્વતા, શાસન પ્રભાવનાની ધગશ અને વિશુધ્ધ ચારિત્રશીલતા દિના અનેક સદગુણોથી પ્રભાવિત થયેલા શ્રી સંઘે આપને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની પવિત્રછાયામાં આચાર્ય પદવીથી વિભૂષિત કરવાનો નિર્ણય કર્યો છે. જેથી આપ કૃપા કરીને પાલીતાણા પધારો.
આ પ્રમાણે તેમની આગ્રહભરી વિનંતીને માન આપી પૂજ્યશ્રી પોતાના પરિવાર સાથે પાલીતાણા પધાર્યા અને ત્યાં આગમોધ્ધારક પૂ. આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરિશ્વરજી મહારાજે સંવત ૧૯૯૨ના વૈશાખ સુદી-૪ ના દિવસે પ્રાતઃકાળે વિશાળ માનવમેદની વચ્ચે પં.શ્રી ભક્તિવિજયજીગણીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા ત્યારથી તેઓ વિશ્વમાં આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભક્તિ સૂરિજી એવા શુભ નામથી પ્રસિધ્ધ થયા.
પૂજ્યશ્રીનો મહેસાણા, રાધનપુર, સમી, હારીજ અને વીરમગામ વગેરે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ઘણોજ ઉપકાર છે. તેઓશ્રીની ધાર્મિક ક્રિયા એટલી પવિત્ર અને આત્મભાવથી નીતરતી હતી કે જેઓને એમના સંપર્કમાં આવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હશે તેમને એમનામાં રહેલી આત્મ-રમણીયતાથી યુક્ત ક્રિયાથી સુવાસ જોવા મળી હશે.
ભક્તિ પાર્શ્વનાથ