________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
જ્ઞાની જાણે છે કે જે સમયે જે ઘટવા યોગ્ય છે એ જ ઘટી રહ્યું છે. જ્ઞાનીને મન બધુ યોગ્ય જ થઈ રહ્યું છે–કારણ તે ધટનાનો જ તે સ્વકાળ હતો. જીવોના પૂર્વકર્માનુસાર અને તેવા પુરુષાર્થ આદિ કારણોસર જે કાંઈ બનવા યોગ્ય હોય એ બને છે. - જ્ઞાનીને મને કોઈ નવાઈ નથી.
પરીવર્તન તો સંસારનો નિયમ છે. પ્રત્યેક વસ્તુમાં સંયોગોમાં પ્રતિપળ પરિવર્તન ઘટી રહ્યું છે. જ્ઞાની બધા પરિવર્તનોને પચાવે છે. પરિવર્તન જોવાથી એમનામાં કોઈ ઉત્તેજના જોવા નથી મળતી. તમામ પરિવર્તન વેળાએ અંદરથી ધ્રુવ રહે છે-એકરૂપ રહે છે.
જીવનની પરિસ્થિતિ હરક્ષણે પલટાતી રહે છે. જે કોઈ અમૂક પરિસ્થિતિને પકડી રાખવા આતુર થાય છે એ નિરાશ અને દુ:ખી જ થાય છે. કોઈ સ્થિતિ સાથે વળગો નહીં. કોઈ સ્થિતિ સાથે લગાવ - નાતો ન રાખો. બસ, જે પણ સ્થિતિ ઘટે એનો સહજભાવે સ્વીકાર કરો.
જો તમે અમુક સ્થિતિ સાથે લગાવ રાખશો: અમુક સ્થિતિને ગમતી માનશો; તો એ સ્થિતિને પકડી રાખવા મથશો–પણ પકડી રાખી શકવાના નથી–એથી નાહકની ખેદ-ખિન્નતા ખડી થશે. એના કરતાં કોઈ સ્થિતિની ચાહના ન કરો : જે પણ સ્થિતિ ઘટે એના સાક્ષી બની રહો.
પ્રત્યેક સ્થિતિ પ્રત્ય...પ્રત્યેક પરિસ્થિતિ પ્રત્યે જો તમે ઉપેક્ષાવંત બની શકો-પૂર્ણ ઉદાસીન બની શકો તો આ જ ક્ષણે સહજાનંદનો અનુભવ તમને થઈ શકે છે. હાલત પ્રત્યે મધ્યસ્થ થઈ જવાથી, હાલતના મૂકસાક્ષી બનાય છે ને તદુજન્ય સુખ-દુઃખથી પાર ઉઠી જવાય છે.
આંતર સુખનો - નિજાનંદનો ગાઢ અનુભવ પામવો હોય તો બાહ્ય સુખ-દુઃખથી બેપરવા બની જવાની જરૂર છે. હાલતની સામું જ તમે ન જૂઓ.એને દેખી છતાં અણદેખી કરો. હાલતજન્ય સુખ-દુઃખ લક્ષમાં જન લ્યો... હાલતના ઉદાસીન-પ્રેક્ષક બની રહો.
જ્ઞાનીને તો કોઈ હાલત ખાસ સુખદ કે દુઃખદલાગતી પણ નથી. પોતાનું સુખ અકબંધ છેઃ પોતાનું સુખ પોતાને સ્વાધીને છે—એ હાલતવિશેષના કારણે નથી. હાલત ઉપર એમના સુખ-દુઃખનો મદાર જ નથી. હાલત ગમે તે હો...તેઓ નિજાનંદમાં મસ્તાન છે.