________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૫૩
નાથ....મને એટલી બુદ્ધિ તો અવશ્ય આપો કે થયેલી ભૂલોનું હું ભાવીમાં પુનરાવર્તન તો ક્યારેય ન ક... પ્રજ્ઞાનો એટલો ઉજાસ તો અવશ્ય ઝંખું છું. થયેલી ભૂલોનું જ પુનરાવર્તન થયા કરે તો તો જીવની મૂઢતાની ને મૂર્ખતાની કોઈ સીમા નથી.
જીવથી પાર વિનાનો ધર્મ મોહપ્રેરિત થાય છેઃ લોભપ્રેરિત થાય છે, અહપ્રેરિત થાય છે. આવેશ પ્રેરિત થાય છે: માયા કપટથી થાય છે. વિશ્વકલ્યાણની એની ભાવનાના આવેગ પાછળ પણ અહંકારનું જ જોર પ્રબળ હોય છે. ગહેરાઈમાં જઈ ગૂઢભાવોને જીવ ઓળખતો નથી.
ગરબડ ગોટો – “માસ્તર મોટો ને ગરબડ ગોટો' – જેવી જ જીવની દશા છે. જાતમાં ગરબડ ને ગોટાળાનો સુમાર નથી ને એ જગતનો સાહેબ બનવા મથે છે. ગરબડીયા જ્ઞાને જ એને સ્વનું કે સમષ્ટિનું સર્વોત્કૃષ્ટ હિત સાધવું છે. ગટરના પાણીથી ગોળપાપડી કરવી છે !
મૂઢ અર્થાત્ અવિચારક જીવો જ માને છે કે મારા જેવો ડાહ્યો-શાણો બીજો કોઈ નથી, વિચારક જીવને તો પોતાની તમામ મર્યાદાઓનું વિશદભાન હોય છે. અસંભવનો આયાસ કરવા વિચારવાન જીવ ઉઘુક્ત થતા જ નથી. – જ્યારે મૂઢજીવો એમાં જ અપાર ઉર્જા ખર્ચે છે.
રાત થોડી ને વેશ ઝાઝાં – એમ સમય ખૂબ અલ્ય છે અને જીવે સાધવાનું અપાર છે. મોંઘો સમય ને મોંધી ઉર્જા માઝાહીન વેડફાય રહી છે. જીવે મિથ્થા ઉન્માદ મંદ મંદ પાડીને ખુબ શાણા બની જવાની જરૂર છે. કમ સે કમ પોતાની પંગુ હેસિયત જાણી પ્રાર્થનાભીના થવાની જરૂર છે.
સારા અર્થમાં સર્જન થવું સહેલું નથી... એ માટે તો મૂળમાંથી મેલો દૂર કરી પવિત્ર થવું ઘટે. પણ અપરંપાર અંતરશુદ્ધિ કરવી પડે છે પહેલા. અંદરના ઊંડાણમાં ક્યાંય કચરો થોડો પણ રહી ગએલ હશે તો તક મળતા તે અવશ્ય બહાર આવશે જ... ઘણું કપરું કાર્ય છે આ.
માણસની દુર્જનતા આખરતો એને પોતાને જ નડે છે. દુર્જન માનવી કોઈને પ્રિય રહેતો નથી. ખુદ પોતાથી પણ પોતે સુખી થઈ શકતો નથી. સજ્જન માનવી કુદરતી જ હૃદયથી પ્રસન્ન રહે છે. સજ્જનતાની સૌરભ સર્વત્ર પ્રસરે છે ને સજ્જન માનવી સર્વને પ્રિય થઈ રહે છે.