________________
૩૬૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ અન્યને તો દૂર પણ પોતાના આત્માને ય યથાર્થ ન્યાય આપી શકતો નથી. એવી ઉજાસમયી સુક્ષ્મપ્રજ્ઞા પણ જીવમાં નથી. ઈમાનદારીથી સ્વાત્માનો સૂર પકડવો પિછાણવો ને એને ન્યાય આપવા પ્રયાસ કરવો એ કશુ ય આપણાથી બની શકતું નથી.
જગતમાં સુખ સગવડના સાધનો ખૂબ વધેલ છે પણ ભર્યાભાદર્યા વૈભવ વચ્ચેય માનવ અંદરથી અતિ અનહદ કંગાલ થતો જાય છે. એની વિક્ષિપ્તતા અવર્ણનીય છે. ખેર, જગતને તો નહીં સુધારી શકાય પણ પોતાની જાતને તો અવશ્ય સુધારી લેવા જેવી છે.
મિથ્યાદષ્ટિવાન જીવ સ્વસ્થતાથી ભોગવી શકે એ ય સંભવીત નથી, ભોગવવા જતા એ ખુદ ભોગવાય જાય છે. માનવી આજ ઘણો હીનસત્વ થઈ ચૂકેલ છે. સંયમ, તપના તો જીવનમાં નામનિશાન નથી. પરિણામે ભોગ રોગરૂપ બન્યા છે.
ભોગો ત્યાગીને યોગનો પરમાનંદ પામવાની અલૌકીક વાતો તો દૂર દૂર રહીં પણ સંયમપૂર્વક ભોગવતા ય નથી આવડતું. સંયમનો અર્થ જ મર્યાદા થાય છે – અર્થાત્ કોઈ અતિરેકમાં ન તણાવું – આટલું પણ માનવજાત સવેળા સમજે તો સારું
કોઈપણ નિર્ણયમાં અતિશય લેવાય ન જવું. સમજવું કે સકળ દષ્ટિકોણથી શુદ્ધ એવો નિર્ણય પામવો એ કપરું કાર્ય છે. સર્વ અપેક્ષાથી સંતુલીત એવો નિર્ણય એ કાંઈ નાનીમાના ખેલ નથી. માટે પોતાના નિર્ણયમાં ફેરફારનો અવકાશ તો રાખવો.
અજ્ઞાની ને અલ્પમતી જીવ, માર્ગના ગહનમને જાણતો ન હોય ... કોઈ વાતના વાજબી– ગેરવાજબીપણાનો અંતિમ ફેંસલો એ શું આપી શકે ? પોતે જે કંઈ જાણે છે એ ચરમહદે વાજબી જ છે એવા વિભ્રમમાં રાચવા જેવું નથી.
જીવ જો ખામોશ થઈને ખૂબ શાંતિથી વ્યતીત જીવનની અગણિત ઘટનાઓ વિલોકવાનું કરે તો ખચીત એને માલૂમ પડે કે કેટકેટલાય નિર્ણયો આવેગયુક્ત અને ગેરવાજબી હતા. માટે પોતાની નિર્ણય શક્તિ પર રદ કરવા જેવો નથી.