________________
૩૯૪
સાધક અને સરળતા સામાના રોષ-આક્રોશમાં પોતે કેટલો નિમિત્ત છે એ પરિશોધવા ગહન આત્મનિરીક્ષણ કરવું ઘટે છે.
પોતે ઉગ્ર ચારિત્રવાન હોય – સિદ્ધાંતવાદી હોય – નિયમપ્રેમી હોય; તો ઠીક વાત છે; પણ બીજા આત્મા પાસે પણ એવા ઉગ્ર નીતિ-નિયમ પળાવવા જીદ સેવવી એ સરળતાનો અભાવ સૂચવે છે.
આ જીવે જીવનમાં ઘણા પ્રસંગે ઘણી અસહજતા દાખવી છે એવું વિશદ્ભાન થવું ને પસ્તાવો થવો એ વિશેષ સરળ થવાની કૂંચી છે. ઊંડું આત્મનિરીક્ષણ કરનાર પોતાના જીવનમાંથી તમામ અસરળતાઓ દૂર નિવારી શકે છે.
ભાણામાં જે આવે તેને સારું-નરસુ લેખ્યા વિના, પ્રસન્નતાથી જમી લેવું એ સરળતા છે. આ સરળતા અભ્યાસગત બને તો જીવ ઘણો સમપરિણામી બની રહે છે. જ્ઞાનીઓ કહે છેઃ બધુ ભાવશે – ફાવશે એમ રાખવું. સરળ આત્મા શિકાયતો કરવામાં નહીં પણ સ્વીકાર કરવામાં માને છે. પ્રારબ્ધાનુસાર જે પણ પદાર્થ જેવો મળેલ છે તેનો પ્રેમથી સ્વીકાર એ ઘણી શ્રેયસ્કર સરળતા છે. આત્માને રાગ કે દ્વેષની આંધીમાં પડતો બચાવે એવા તમામ પગલા એ સરળતા છે. બનતા પ્રયાસે વધુમાં વધુ સમભાવ આદરી; રાગ-દ્વેષરહિત જીવન જીવી જાણવું એ સાધક જીવનની બુનીયાદી આવશ્યકતા છે. | સરળહૃદયી સાધક, સર્વપ્રથમ ‘સ્વહિતનિમગ્ન થવાની જ્ઞાનીની આજ્ઞા શીરે ચઢાવી, એમાં જ એકતાન બની રહે છે. કોઈપણ મીષેય એ સ્વહિતસાધનાની ઉપેક્ષા કરતા નથી. સ્વહિતના ભોગે કોઈપણ પ્રવૃત્તિ કરવા એ લાલાયિત થતા નથી. પરહિત પણ સ્વહિતના ભોગે સાધવા કટીબદ્ધ થતા નથી. તૃષાથી પોતાનું જ ગળું સુકાતું હોય ને અન્યને પાણી પાવા ઉત્સુક થઈ જવું એ અધ્યાત્મપંથમાં હિતાવહ નથી – અર્થાત, જ્ઞાન-ધ્યાન વડે નિષ્પન્ન થતું સંતોષ-સમાધિનું ગહેરૂં સુખ સ્વયં સંવેદ્યા વિના અન્યને એ અર્થે મોટા મોટા ઉપદેશો કરવા મંડવા એ તો આત્મઘાતી પ્રવૃત્તિ હોય: સરળ આત્મા એવો અતિક્રમ કરતા નથી. સ્વહિતનિરત થવા આગળ ઘણું કહેવાય ગયેલ છે. સરળહૃદયી સાધક જ્ઞાનીની આજ્ઞા અનુસાર સ્વહિત સાધનમાં જ સવિશેષ ડૂબેલા રહે છે. | સરળ બનવું... સરળ બનવું એ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે... જ્ઞાનીની કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એની તીવ્ર તકેદારી રાખવી. બાકી, સરળતા ગુણ સર્વ ગુણોમાં શ્રેષ્ઠ અને અપ્રતિમ શ્રેયસ્કર છે. એ એક ગુણ રૂડીપેરે આત્મસાતું થઈ જાય તો બીજા અનેકાનેક ગુણના ગુલશન આપોઆપ ખીલી જાય એવું છે. આત્મજ્ઞાન પામવામાં પણ સરળતા સમાન સાધન નથી. – અર્થાત – સરળ આત્માને સ્વબોધ ખુલવા – ખીલવાનો પરમ અવકાશ છે. પણ ભાઈ.... ખરેખરા સરળ આત્મા તો લાખોમાં એક લાધે નહીં એવી અજીબોગજીબ વાત છે.
સરળ...સરળ... અત્યંત સરળ થઈ. સર્વ આત્માઓ ગહન સ્વબોધ અને સ્વરમણતા સાધો એ જ મંગલકામના.
# શાંતિ શાંતિ શાંતિ