________________
૩૫૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
ચંદન બળે તોય સુવાસ પ્રસરાવવાનો પોતાનો સ્વભાવ જાળવી રહે એમ નૈસર્ગિક સજ્જનતા પણ ચાહે તેવી કસોટીની કપરી વેળાયેય, સતુની સુવાસ-ભલાઈની મહેક – પ્રસરાવી રહે છે. કેળવાયેલી સજ્જનતાની આ વાત નથી પણ પવિત્ર આત્મદશામાંથી પાંગરતી પ્રાકૃતિક સજ્જનતાની વાત છે.
દિવાલ ઉપર ફેંકેલો દડો પોતાની ઉપર જ પાછો આવે છે એમ અન્યોપ્રતિ આપણે જેવો વ્યવહાર દાખવીએ છીએ – બહુભાગ – એવો જ પ્રતિભાવ આપણને પાછો સાંપડી રહે છે. આપ ભલા તો જગ ભલા' – એ ઘણી માર્મિક હકીકત છે.
માનવીનો અહં અપાર પીડા ઊપજાવે છે... વાતે વાતે એ ઘવાય છે ને રોષ-રંજ પેદા થાય છે – હેલું સળગી ઉઠે છે. અહંકારી માનવીને નજીવી વાતેય પાર વિનાનું વાંકુ પડી જાય છે. ખરે તો સુખને અને માનવીને બહુ છેટું નથી – જો અહંકાર વિલય કરી શકાય તો...
જીવન પ્રત્યે જેને આદર-અહોભાવ નહીં હોય; ઉલ્ટો નફરતનો જ ભાવ હશે, ને કેવળ ફરીયાદો ફરીયાદો જ ફાલીફૂલી હશે તો માનવી, અન્ય સાથે ભલાઈભર્યું વર્તન દાખવી શકશે નહીં. જેને જીવન પ્રત્યે - જાત પ્રત્યે આદરનો ભાવ નથી એ અન્યોનો પણ આદર કરી શકશે નહીં.
જેનામાં આત્મપીડનની વૃત્તિ હશે એને નક્કી પરપીડન પણ એટલું ચશે. પોતાની જાત પ્રત્યે જેનો વર્તાવ કુમાશભર્યો. સમજ ને સુલેહભર્યા હશે: એ જ અન્યો સાથે કુમાશભર્યો સલુકાઈભર્યો વ્યવહાર દાખવી શકશે. માટે જાતનો સમાદર કરતાં પ્રથમ શીખો
દુઃખી માનવી વિભ્રમથી પોતાના દુઃખનું કારણ બીજાને માની લે છે અને બીજાઓ પ્રતિ દ્વેષ-દાજથી ઉભરાય રહે છે. વસ્તુતઃ સુખદુઃખનું કારણ ભીતરની ભાવસ્થિતિ જ છે. અન્યો તો નિમિત્ત માત્ર જ છે. માટે સુજન આત્માએ અન્ય કોઈને દોષ દેવો ઘટે નહીં.
ભાઈ ! દુષણ કે ભુષણ બહારમાં નથી. બાહ્ય જગત તો અંદરની ભાવસ્થિતિનું પ્રતિબિંબ માત્ર છે. દુઃખીને બધા દુઃખ દેનારા ભાસે છે ને સુખીને બધા સુખ દેનારા ભાસે છે... પણ આ તો ભાસ માત્ર જ છે. સુખ કે દુઃખનું મૂળ કારણ ખરે જ આપણી ભીતરમાં જ છે હોં.