________________
६४
સાધનાપથ અને આત્મજ્ઞાન
મનની તમામ ઉત્તેજનાઓ ઉપશાંત થવા ભક્તિ જેવું પરમ સાધન બીજું નથી. ભક્તિ ભીતરમાં ઠરી જવા અનુપમેય સાધન છે. ભગવાને જેમ અનંતતૃષ્ણાઓ ઉપશાંત કરી છે તેમ સાધકે પણ પ્રભુને નિહાળી નિહાળીને તમામ તૃષ્ણા ઠારવાની છે.
આપણો આપણા આત્મદેવ પ્રતિ અતિભીષણ અપરાધ એક જ છે કે કદીયેય આપણે સ્વમાં ઠરવાનું કર્યું જ નથી. સ્વરૂપમાં ડૂબેલા જિનને જોઈને પણ આપણને જિન થવાની અભિલાષા થઈ નથી. જિનને સાચા અર્થમાં ઓળખ્યા જ નથી.
અહાહા.. જ્ઞાની કહે છે કે આ જીવે અનંતવાર દેવ બની, મણીરત્નોના દીવાથી ભગવાનની આરતીઓ ઉતારી છે. - પણ – ભગવાનનું ભગવદ્સ્વરૂપ શું છે એ ઓળખવાની દરકાર પણ કરી નથી ! ઓળખ્યા હોત તો ખુદ ભગવાન થઈ જાત.
ચક્રવર્તી સઘળુંય ત્યાગી જોગી થયા હોય... અને યાદ આવે કે ભૂતકાળમાં એક દાસી પ્રત્યે પોતાનો કંઈક અપરાધ થયો છે... તો એ ખૂદ દાસી પાસે જઈ ગળગળા હૃદયે ક્ષમા માગે. અહંભાવનો ત્યાગ કર્યા વિના આવો મહાન સંમાગુણ ખીલવો સંભવ નથી.
હે નાથ ! હું જગતના તમામ જીવોને ક્ષમાવું . મારો કોઈપણ અપરાધ કોઈના દિલમાં યાદ ન રહે એમ ઈચ્છું છું – તેમ જ – મારા દિલમાં પણ કોઈનો કંઈ અપરાધ યાદ ન રહો. હું સર્વને ક્ષમા આપું છું સર્વ જીવો પણ મને પ્રેમાળભાવે ક્ષમા આપો.
કોઈ જીવ પ્રત્યે.. કોઈપણ વાતનો બદલો લેવાની મને મુદ્દલ ભાવના નથી. સૌ જીવો ક્ષમાને પાત્ર છે. પ્રેમને પાત્ર છે.આદરને પાત્ર છે. મને સર્વ જીવો પ્રત્યે નીતરતો પ્રેમ અને સદ્ભાવ છે. સર્વજીવોનું વધુમાં વધુ હિત થાય એ જ મારી ઉરની ઉત્કંઠા છે.
કોઈ જીવ અણસમજણથી મારા પ્રત્યે – પૂર્વના એવા કોઈ કારણે – વૈરથી વર્તશે... તો એ ચાહે તેવું પ્રચંડ વેરીપણું પણ દાખવે તોય હું સમભાવથી મૃત થઈશ નહીં. હું મારા હૃદયના ખુણેય પ્રતિવેરનો કે પ્રતિકારનો કોઈ ભાવ ઉઠવા દઈશ નહીં.