________________
૫૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
સંતો વીજળીના ચમકારે મોતી પરોવી લેવાનું કહે છે. ઘનઘોર રાત્રી હોય અને મોતીમાં દોરો પરોવવો હોય, આકાશમાં વીજળી થતી હોય તો. વીજ ચમકે કે તુરંત દોરો પરોવવા કેવી સાવધતા જોઈએ? એમ સંપ્રજ્ઞા જાગે ત્યારે સાવધાન થઈ વિપુલ સાધના સાધી લેવી ઘટે.
આત્મહિતના અનંત મૂલ્યવાન રાહ પર આવીને પણ અગણિત અગણિત સાધકો ભટકી જાય છે. આત્મા શું – આત્માનું હીત શું? – ઇત્યાદિ જાણ્યા- પહેચાન્યા વિના, ભળતા ભ્રામક રાહે ચઢી જાય છે. વિરાટ વટવૃક્ષ થવાના બદલે એનું મૂળબીજ સુદ્ધાં બળી જાય છે...
અધ્યાત્મપથમાં સૌથી ખતરનાક ભયસ્થાન એવા જ ભળતાં રાહે ચઢી જવાનું છે. જીવને વિભ્રાંતિ રહી જાય છે કે હું અધ્યાત્મનો અઠંગ સાધક છું – પણ !!! ખરે જ સદ્ગુરુની રાહબરી સિવાય મનસ્વી રીતે ચાલવા જતા ભટકી જવાનો ભય પારાવાર રહે છે.
એવા પણ જીવો છે જે જાણીબુઝીને વિમાર્ગનું સેવન કરે છે. સદ્ગુરુ મળ્યાં છતાં ભટકી જનારા જીવો પણ છે. – જાણી જોઈને જે ખાડામાં પડવા ઈચ્છતા હોય એને કોણ બચાવી શકે ? રાહે ચઢીને પણ જે પાછા ભટકી જાય છે એ તો મહાકરૂણાના ભાજન છે.
અંતરબોધ ખૂબ ખૂબ ઝળકાવીને...નિર્વાણપદ સાધવાનો દઢ નિર્ધાર જેણે કરેલો હોય અને એ નિર્ધાર સદેવ જેના લક્ષમાં હોય; એવો સાધક જ ભટકી જતા બચી શકે છે. બાકી અગણિત સાધકો નિર્વાણમાર્ગના બદલે ભવભ્રમણના ચક્રાવે ચઢી ગયા છે. ખૂબ શોચનીય વાત છે આ.
માનવીનું મન જ્યાંથી પરાભવ પામેલ હોય ત્યાં જ જીતની આશાએ વારંવાર ધસી જાય છે. વિષયો પાસે પરાભવ થવા છતાં ...ચિત્ત વિજયની આશાથી વારંવાર જંગે ચઢે છે. પરાભવ થયો છે એ જ સ્થાનેથી જીત મેળવ્યા વિના માનવહૃદયને જંપ નથી વળતો.
રાગને જીતવો હોય તો વીતરાગ સ્વભાવનું લક્ષ અને ધ્યાન કરવાની જરૂરત છે. રાગ એ તો કલંક છેઃ રાગ આત્માનો સ્વભાવ નથી. સાદું સત્ય આ છે કે સ્વભાવની સન્મુખ થતાં રાગ ઘટશે અને સ્વભાવ સિવાયના કોઈપણ ભાવ સન્મુખ થતાં રાગ વધશે.