________________
૨૫૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
-
શું કરવાનું છે – અને – શું હું કરી રહ્યો છું... એવી ખટક સાધકહૃદયને નિરંતર સાલતી હોય છે. પોતાને જાવું છે દૂર સુદૂર... અને પગ હજુ પણ ઊંધી દિશામાં પડતા બંધ થતા નથી. એનો પરિખેદ સાધકહૃદયમાં સતત-અવિરત પ્રજ્જવળતો હોય છે.
આત્મભાવમાં અભિવૃદ્ધિ કરે... આત્મરુચિને પ્રગાઢ કરે... એ જ વસ્તુતઃ ધર્મકરણી છે. જેને મીષે પણ આત્મસ્વભાવમાં લક્ષ ને લગની જામે તે સર્વનિયથી ધર્મસાધન છે. કોઈપણ ધર્મકરણી કરતા જીવ આત્મતન્મય થવાનું જ લક્ષ રાખે એ પરમશ્રેયકર છે.
ગહન આત્માનુરાગ ઊપજવાનું અવલ્લ સાધન તો ધ્યાન છે. જે જે પ્રકારે ધ્યાનમગ્નતા જામે વા ધ્યાનનો અભ્યાસ પડે તેવી કરણી કરતાં... ક્યારે હું ધ્યાનમાં પરમલીન થાઉં – એ જ લક્ષ રાખવું ઘટે. પરમધ્યાનમાં ડૂબવાની ગહનગાઢ અભિપ્સા રહેવી ઘટે.
આત્મધ્યાન વડે જ રાગ-દ્વેષ અને એના મૂળ એવા અજ્ઞાનનો વિલય સંભવે છે. માટે આત્મધ્યાનસ્થ થવાનું પ્રચૂરઘન લક્ષ રાખવું. એવા ધ્યાનીજનની ખૂબખૂબ સંગત કરવી કે જેની ચિત્તવૃત્તિ પરમ ઉપશાંત ને આત્મમય બની ચૂકી હોય.
સંસાર અણગમતો લાગે તો હજુ વૈરાગ્યની પ્રાથમિક સ્થિતિ છે. ગાઢ વૈરાગ્યમાં તો સંસાર પ્રતિ ગમા કે અણગમાનો કોઈ ભાવ રહેતો નથી. એના પ્રત્યે સહજ વિરક્તિ રહે છે. સંસાર એના અર્થે કૂડો પણ નથી અને રૂડો પણ નથી. સંસાર પ્રતિ સરિયામ ઉપેક્ષા જ સહજ હોય છે.
અનંતસમર્થ જ્ઞાની પુરૂષો કહે છે કે સંસારમાં તણખલાના બે ટૂકડા કરવાનું ય અમારૂં સામર્થ્ય નથી" -ને મૂઢ જીવ બડાશો માર્યા કરે છે કે હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું! ખરેખર જીવનું ધાર્યું કેટલું થાય છે એ એક ગંભીર સવાલ છે.
આત્માનું અમિતભવ્ય સ્વરૂપ જેણે સુપેઠે જાણું માર્યું છે, એવા આત્મજ્ઞપુરુષ વિના બીજા કલ્પનાથી ભલે ચાહે તેવી વાતો કરે પણ એ આત્મસ્વરૂપ યથાર્થ વર્ણવી શકે નહીં. પ્રાપ્તપુરુષની વાણીમાં જે સામર્થ્ય હોય છે એ કલ્પનાવાનની વાણીમાં કદી હોતું નથી.