________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
વાચકો! કહેવું તો અમારે અપાર છે... હૃદયમાં તો અપરંપાર ભાવોદધી ઉછળે છે... પણ બધું લેખીનીમાં લાવી શકાતું નથી. સરસ્વતીની કોઈ મહેર અમારા પર નથી. અમે કોઈ કવિ નથી. ખરે જ હદયગત સંવેદના યથાર્થ વ્યક્ત થતી નથી.
સાધકને ભાવના તો અમાપ આત્મહિત કરવાની છે પણ, જે નથી કરવું એ જ અનિચ્છાએ કરવું પડે છે. આવા વિષમ તકદીરનો ત્રાસ સાધકને ગગદીત કરે છે. મગ્ન રહેવું છે અને વિશુદ્ધ આત્માનંદમાં જ..હા!
યથોચિત આચરણ પ્રગટવા ઘણી વિવેકસભર પ્રજ્ઞા અપેક્ષીત છે. સાધકે સદેવ કાર્ય પ્રજ્ઞાને પરમ વિવેકી કરવાનું જ કરવાનું છે. તદર્થ મોહનું જોર મંદ પડવું પણ આવશ્યક છે. જ્ઞાન-વૈરાગ્યની જેટલી બને તેટલી વૃદ્ધિ તદર્થ જરૂરી છે.
જીવનમાંથી અનંતાનુબંધી દ્વેષને દૂર કરવો હશે તો એવો ઘનગાઢ રાગને પણ દૂર કરવો પડશે. રાગ અને દ્વેષ બંને એક જ સિક્કાની બે બાજુ જેમ સાથે હોય છે. માટે ઉગ્ર દ્વેષ-ક્લેશ નિવારવા હશે તો ઉગ્ર રાગ પણ પરિહરવો જ પડશે.
આજે માનવીનું જીવન ભયાનક ક્લેશોથી ભરપુર છે. ભાઈ-ભાઈ મિત્ર-મિત્ર, પતિ-પત્ની મધ્યે પણ ક્લેશ-કંકાસ છવાયા છે. ભાઈ ! રાગનું જ દ્વેષમાં રૂપાંતર થાય છે હો. વીતરાગને હૈયે વસાવી રાગને જડમૂળથી નિવારવા જેવો છે.
જે માનવી મનોમન પોતાની જાતનો આદર કરી શકે એવી સ્થિતિમાં નથી એ બીજા આત્માઓનો આદર કરી શકે એ સંભવ જ નથી. જેનું આચરણ એવું છે કે પોતાની જાત પ્રત્યે નિંદા પ્રવર્તે છે એ અન્યની પણ નિંદા જ કરવાનો.
અપરિમય અતૃપ્તિથી ગ્રસીત આજનો માનવ ખૂદ જ સંતોષથી લાખો માઈલ વેગળો છે ત્યાં એ બીજાને સંતોષ-શાતા-સમાધિ પમાડી શકે એ સંભવ જ નથી. માનવીની પ્રથમમાં પ્રથમ જરૂરીયાત ધ્યાનમાં ઉતરી જવાની છે.