________________
૩૩૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
કર્તુત્વભાવે કશો ફેરફાર કરવાની ચળવળ શમાવી શકાય તો આસાનીથી શુદ્ધ સાક્ષી બની – કોઈ પણ પરિસ્થિતિ મધ્યમાં – સ્થિતપ્રજ્ઞ રહી શકાય. તો પરિસ્થિતિઓ વડે પેદા થતા તમામ તણાવો ઉપશાંત થઈ જીવન હળવાશભર્યું ને સહજ જીવવા લાયક બની જાય.
જીવનમુક્ત એટલે જીવન સંદર્ભની મોટીનાની તમામે તમામ જંજાળોથી વિમુક્ત એવી દશા. ખરા અર્થમાં તો એ મહાજીવન છે. આપણે જીવીએ છીએ એ વાસ્તવમાં જીવન નથી - ઝંઝટ છે. જીવન કેવું અગાધ આનંદપૂર્ણ છે એ તો જીવનમુક્તો જ જાણે છે.
આ જીવની સાન ઠેકાણે કોણ લાવશે ? ઇન્દ્રિયોના વિષયમાં રાચી માચીને એ પોતાનું કેટલું અમાપ નુકશાન કરી રહેલ છે ? આત્મહિતનો અનંત દુર્લભ અવસર એ કેવા શુદ્ર હેતુસર હારી રહેલ છે ? રે... જીવનનો પરમહેતુ એની યાદદાસ્તમાંથી પણ નીકળી ગયો છે.
અહાહા... જીવ સઘળું ય ભૂલી જાય છે. ચોર્યાસી લાખ યોનીના પરિભ્રમણમાં આ જીવે કેવી કેવી કારમી યાતનાઓ વેઠી છે કે એ સ્મરણમાં આવે તો ય કંપારી વછૂટી જાય... જ્ઞાનીઓ ગદ્ગદ્ હેયે જીવને ચેતવે છે કે આ અવસર પામી અનંત પરિભ્રમણ ટાળી દેવા જેવું છે.”
વર્તમાન સુખ-સગવડના સંયોગો જોઈ જીવ એના કેફમાં જ ગાફેલ બન્યો છે. ક્ષણભંગુરતાનું ભાન ભૂલી, જાણે બધું શાશ્વત હોય એમ એ નચિંતપણે જીવી રહ્યો છે. સંયોગોથી છૂટા પડવાની વાત એને સાંભળવી સુદ્ધાં ગમતી નથી. તો છોડવાની વેળા આવશે ત્યારે ?
આ જીવ શા માટે બીજાની સહાયની ઝંખના કરે છે ? સ્વતંત્રપણે પોતાની સંપ્રજ્ઞા એ કેમ ખીલવતો નથી ?..ખરે તો એને નીજહિતની ખેવના જ નથી. જો એવી ઉત્કટ ગરજ હોત સ્વહિતની... તો અનુભવજ્ઞાનીઓનો એક ઈશારોય પર્યાપ્ત બનત.
અરે જીવ ! દુઃખ-દર્દની વેળા કોઈનીય સહાયની અપેક્ષા ધરીશ નહીં. તું કાં ભૂલી ગયો કે અનંત અવતારોમાં તો તે કેવળ અકેલા અકેલા જ અસીમ અસીમ પીડા-યાતના વેઠી છે... જીવ! આખર તારા કર્મ જ તારી સાથે રહેવાના છે, માટે તું કર્મ સુધાર.