________________
૩૪૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
-
મનથી અલગ તમારી અસ્તિને ઓળખી, મનથી ભિન્ન પડતા શીખો. આત્માને ધ્યાનમાં અને નિજાહિતમાં મગ્ન ન થવા દેવા મન કેવી કેવી ચાલબાજી રમે છે એનો અવલોકનપૂર્વક અભ્યાસ કરો... ખરે આપણું મન જ અભ્યાસનો મહાનમાં મહાન વિષય છે.
" OS જીવ સમ્યફ રીતે શોચ-વિચાર કરતો નથી એ જ મોટી વિટંબણા છે. ફટકડીયા મોતી જેવા કાલ્પનિક સુખોને એણે ખૂબ મોંઘામૂલના માની લીધા છે. એની કલ્પનાના ગઢમાં એ જરાય ગાબડું પણ પડવા દેતો નથી. આથી જ જીવમાં તત્ત્વદષ્ટિ ખીલતી નથી.
જગતના બધા સુખો ક્ષણિક રંગ દર્શાવનારા છે. સ્થાયી સુખ તો માત્ર આત્મધ્યાનનું છે. જીવ તો પોતે કલ્પેલા સુખો જાણે શાશ્વત ટકવાના હોય એવા જ તાનમાં જીવે છે. અર્થાત્ ક્ષણિક અને શાશ્વતનો કોઈ વિવેક મોહમૂઢ જીવને ઉગવા જ પામતો નથી.
જઈOS જ્યાં સુધી જીવ કલ્પનાજન્ય મીઠાશ વેદવાનું ત્યજતો નથી ત્યાં સુધી એનામાં યથાર્થ વિચારશીલતા કે યથાર્થ વૈરાગ્યભાવના ઉગવાનો સંભવ નથી. બાકી વાસ્તવિકતા વિલોકનારને તાત્વિક વૈરાગ્ય ઉદ્દભવવો અત્યંત આસાન છે.
જીવને એટલું ભાન તો અવશ્ય થવું ઘટે કે એની ઉન્નતિમાં મોટી બાધા ઉત્પન્ન કરનાર તો એ પોતે જ છે. જીવને કડવું લાગશે પણ એ પોતે જ પોતાનો હિતશત્રુ છે. અવળા અભિપ્રાયો અને અવળા અરમાનો સેવી સેવી જીવ પોતે જ પોતાનો પ્રબળ શત્રુ બની રહ્યો છે.
હાથે કરીને પોતાના જ પગ ઉપર કૂહાડો મારવાનું કામ કોણ કરે ? કાશ, અત્યંત મોહમૂઢ જીવ બિલકુલ એવું જ કામ અનાદિથી કરી રહ્યો છે... એવું નથી કે જીવ સમજતો નથી: એ સમજે છે બધું પણ હાથે કરીને સમજણ વિસારે પાડી અવળી વર્તના ભજે છે.
ખરું છે કે, વસ્તુના સદ્દભાવમાં વસ્તુની વાસ્તવિક કિંમત સમજાતી નથી. થોડી પળો પ્રાણવાયુ ન મળે તો એની કિંમત શું છે એ સમજાય. સુજન સાથીની કિંમત જીવનમાં કેટલી અમાપ છે એનું હૃદયવેધક ભાન પણ એના અભાવમાં જ થાય છે.