________________
૩૨૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
પાર વગરનું શોચી-ચિંતવીને ય જીવ જો નિષ્કર્ષ પર ન આવી શક્યો હોય ત્યાજય અને ગ્રાહ્ય અર્થાત ઉપાદેય ભાવોનો નિર્ણય ન સાધી શકેલ હોય; શું કરવું... એ વિમાસણનો સ્પષ્ટ તોડ ન પામી શકેલ હોય; તો એ મનોમંથનનું મૂલ્ય કેટલું?
જીવને જ્યારે પોતાના મૂળસ્વરૂપની ઝાંખી થાય છે ત્યારે એને કળાય આવે છે કે ક્રોડો-અબજો. અસંખ્ય વરસો પહેલા પણ પોતે મૂળ સ્વરૂપે જેવો હતો એવો જ બીલકુલ આજે છે... અને... અસંખ્યકાળ વીતશે તો ય પોતે તો સદાય એવો જ રહેશે – જેવો છે.
ભાઈ આપણા આત્માનું મૂળસ્વરૂપ તો સ્ફટિકરત્ન જેવું છે. એ મૂળરૂપમાં કોઈ મલીનતા-જામીખરાબી કદીયેય પેદા થતી નથી. ત્રણેકાળ એ એક સમાન રહે છે. યોગીઓ આ મૂળસ્વરૂપના ધ્યાનવડે જ સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે.
પોતાના ત્રિકાળશુદ્ધ ભગવદ્દસ્વરૂપને પિછાણવા સાધકે ઘેરી ધ્યાનમગ્નતા કેળવવી ઘટે છે. એ ભગવરૂપને ભજતા ભજતા આંખોમાંથી નીરની ધારાઓ વહેવા લાગે છે કે આવું મારૂં અનંત નિર્વિકાર સ્વરૂપ ક્યાં ને મારી વર્તમાન હાલત ક્યાં?
સમ્રાટનો પુત્ર પોતાનું આત્મગૌરવ ભૂલી સામાન્ય માનવી પાસે પાન-બીડીના પૈસા માંગે તો એ કેવું લાંછનપ્રદ લેખાય? જીવ પણ પોતાનું પરમાત્મસ્વરૂપ ભૂલીને જગત પાસે જાતભાતની ભીખ યાચે છે. પુદ્ગલમાં સુખ માન્યું એ જ ભ્રાંતિ છે.
જ્ઞાની પોતાની ભીતરમાં રહેલા ભગવાનને ભલીપેરે જાણે-પિછાણે છે. એ પરમાત્માની પરમભક્તિ પ્રતિપળ એમના અંતસમાં ઉછાળા લેતી હોય છે. અહાહા... ! એમની પરમોચ્ચ આત્મભક્તિ... એનો અલ્પ પણ અંદાજ સામાન્ય માનવીને હોતો નથી.
એ એકદમ સ્પષ્ટ વાત છે કે – જેને રાગની તીવ્રરુચિ છે એને વીતરાગી અવસ્થા અભીસિત જ નથી. એને વીતરાગ વાસ્તવમાં રુચતા નથી. વીતરાગી શાંતિના પરમગહન સુખનો પરિચય પણ એને લાધ્યો નથી – એને આત્માનુભવ નથી.