________________
૨૯૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
મુનિ મહધ્યાયઃ તો નિઃસંગી અને નિજાનંદમાં ખોવાયેલા હોય છે. નિજાનંદની હેલી ચઢી હોય ત્યારે મહાવ્રતાદિના વિકલ્પ પણ બાધારૂપ બને છે. કોઈપણ વિકલ્પ તે સમયે તો બાધારૂપ જ છે. પાછા સવિકલ્પદશામાં આવે ત્યારે વ્રતાદિ-વિકલ્પ હોય છે.
જઈs સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુ પણ લવલેશ પીડાય નહીં એવી ઉત્કૃષ્ટ કક્ષાની અહિંસા પાળતા હોવા છતાં અભવ્ય જીવને આત્મરમણતા કે એની રુચિ મુદ્દલ હોતી નથી. એથી તો એના ઉત્કૃષ્ટ એવા યમ-નિયમ પાલનની પણ જનમાર્ગમાં કિંમત અંકાતી નથી.
આત્માનુભવ પામ્યા વિના મોહજ્વર મૂળથી નષ્ટ થતો નથી. બાકી મંદકષાયી તો જીવ અનંતઅનંત વેળા થયો છે. ભદ્રિક અને સરળ પરિણામી અનંતવાર થયો છે. મોહનો જડમૂળથી નાશ આત્માનુભવની સઘનતા સંવેદ્યા વિના સંભવ નથી.
આંતરસુખનો અપૂર્વ પરિચય લાધતાની સાથે જ બીજા બાહ્યસુખોના બધા દુઃષણો આપોઆપ દષ્ટિગોચર થવા લાગે છે. બીડીનો બંધાણી એકાએક એનો પરિત્યાગ ન કરી શકે તો ય એને હાનિકર તો માને જ માને એમ બાહ્યસુખ તમામ હાનિકર ભાસે છે.
સ્વભાવિક વૈરાગ્યની પ્રગાઢ પરિણતિ પેદા થઈ જાય પછી તો જીવને અંતર્બોધ પ્રતિપળ સહજ ઉદિત થતો રહેતો હોવાથી, એને ઉપદેશની જરૂરત જ રહે એવું ખાસ હોતું નથી. કારણ એવો પરિણત આત્મા પોતે પોતાને જ પ્રબોધ આપી ઘડતો જ રહેતો હોય છે.
ચેતનાને ચોમેરથી બાંધી ચગદે તેનું નામ પરિગ્રહ. માનવી મનોમન ધન-વૈભવની ગણત્રી કર્યા કરી કેવો મલકાય છે કેવો હીજરાય છે... વળી નવું નવું મેળવવાની મંછામાં કેવો વ્યસ્ત-વ્યગ્ર રહે છે – એના પરથી – એ કેવો ગાઢ પરિગ્રહી છે એ નક્કી થાય છે.
વર્તમાન ક્ષણે જ...જે કોઈ પરિસ્થિતિ છે એમાં કશાય ફેરફારની તમનાથી રહિત થઈ... જે પણ સ્થિતિ છે એના સહર્ષ સ્વીકારભાવમાં આવી... પરમ અવ્યાકુળદશામાં આવી... જીવને ખૂબ ખૂબ ઠારી દેવો... એનું નામ સંતોષ છે – એ પરમધર્મ છે.