________________
૩૧૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
આવડા મોટા વિરાટ જીવનપ્રવાહની સંશુદ્ધિ કોણ કરી શકે ? ભાવનાની લાખો સરવાણીઓ જેમાં મળેલી છે એવા જીવનસાગરની પરિદ્ધિ શા વડે થાય? અહો, માનવીનું જીવન કેટકેટલી ઉમદાભવ્ય સંભાવનાઓ ધરાવી શકે છે. પણ...
આટલું અસીમ પામર અને અસીમ મૂઢ જીવન... માનવી આપઘાત કેમ કરી નથી લેતો? કથનાશય એ છે કે માનવી કેમ નભાવી લે છે. આટલું વિમૂઢ જીવન લાખો ભાવનાઓની ફળશ્રુતિ શું છે ? આખર કેમ જીવવું એ નિષ્કર્ષ પર માનવી કેમ કદીય આવી શકતો નથી ?
અનંત ભાવનાઓ જ્યાંથી ઉદ્દભવ પામે છે એ ચેતન્યભૂમિ માનવી કેમ સ્પર્શતો નથી ? અનંતભાવધારાના ઉદ્ગમ-કેન્દ્રરૂપ પરમસત્તા કેમ પિછાણમાં નથી આવતી ? અહાહા.. એ સત્તા સાથે તદુપ-તન્મયતલ્લીન થવાય તો ભાવમાં કેવી અતળ ગહેરાઈ પ્રગટે?
જીવનની ઢળતી સંધ્યાએ પણ માનવ નિર્ણય નથી કરી શકતો કે જીવનનું પરમગંભીર કર્તવ્ય શું છે. બીજા સામાન્ય કર્તવ્યો તો લાખો અદા થાય છે. ઠીક છે. પણ એની જ આડમાં જીવનનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય ઢંકાય જાય છે . રહી જાય છે. ને જીવન વિલીન થઈ જાય છે.
કેવીકેવી ધારણાઓ હોય છે અને જીવન કેવો અકલ્પનીય પલટો લઈ લે છે ! છતાં માનવી સમજતો નથી કે એનું ધાર્યું થનાર નથી. જીવનધારા જે સમયે જેવો પણ વળાંક લે એને પ્રેક્ષકભાવે નિહાળતા રહી, જીવનથી સાવ અલિપ્ત બનવું એ જ જીવનમુક્તિ છે. ઘણી કઠિન વાત છે.
મોક્ષમાં આત્મા એકલો છે છતાં ખાલીપણાનો અનુભવ નથી. નિજાનંદથી છલોછલપૂર્ણપણાનો અનુભવ છે. એકલાપણું ત્યાં સાલતું નથી પણ સુહાય છે. પ્રતિસમય આત્મા પૂર્ણ આનંદથી છલકતો સંવેદાય છે. આ વાત આત્મધ્યાની સ્વાનુભવથી જાણે છે.
સદેહે મુક્તિનો અનુભવ જેને લાવે છે એને જ ખ્યાલ આવે છે કે એકલી ચેતન્યલીન મુક્તદશા કેવી અચિંત્ય રસસંવેદનાથી સભર છે... કેવી અદ્દભુત કૃતાર્થતા અહીં સંવેદાય છે, એ વચનગોચર નથી. પણ જીવ ધારે તો અવશ્ય એનો તાગ સ્વાનુભવથી મેળવી શકે છે.