________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૧૩
કોઈપણ પ્રકારની તૃષ્ણામાં જેને સ્વાભાવિકપણે જ આકુળતા વેદાતી નથી એણે ધર્મધ્યાનની અર્થાત્ આત્મધ્યાનની ગહનમાધુર્યભરી લિજ્જત માણી નથી એમ નિષિત થાય છે. એકવાર સ્વભાવસુખની લિજ્જત માણનારને વિભાવ તમામ આકુળતાપ્રેરક ભાસી રહે છે.
રાગ આગરૂપ છે' – એમ દિમાગથી બોલી દે તેથી શું? રાગના ઉદય વેળા એની આકુળતા સતાવે છે. ખરી ? વીતરાગી શાંતિ એ વેળા યાદ આવે છે ? જીવ જો ઈમાનદારીથી આ નિરીક્ષણ ને પરીક્ષણ ન કરે ને માત્ર ભેજામાં આવે તે ઉચ્ચાર્યા કરે તો એથી કોઈ અર્થ સરે નહીં.
આત્મશ્રેયના પથમાં ઈમાનદારી એ બહુ મોટી વાત છે – ખૂબ ખૂબ મોટી વાત છે. જ્ઞાનીઓ ભલે કહે – પણ પોતાનો અંતરાત્મા પોકારીને એ તથ્યો સંમત કરે છે ખરો ? અંતર્ઝ ઉઘડ્યા વિના – જ્ઞાનીની વાત સાથે એનો તાલ મળ્યા વિના – વાતોથી કંઈ વળે નહીં.
અધ્યાત્મજગતની એ કરુણ બીના છે કે ઘણાંખરાં ધર્મનાયકો સુદ્ધાં ઈમાનદાર નથી ! તેઓ ઊંચી ઊંચી આભને આંબતી વાતો કર્યા કરે છે – પણ – એમના અંતરાત્માનો ધ્વની એમાં તાલ પુરાવતો હોતો નથી. આવા વાચાળ નાયકોથી ખૂબ ચેતવા જેવું છે.
વાત વસમી લાગે કદાચ... પણ આજપર્યત બેઈમાનદારીથી બાંધેલા દિમાગી ખ્યાલો તમામ ભૂલવા પડશે. હું કોણ છું? મારી ભૂખ શેની છે ? – એની નવેસરથી ખોજ કરવી પડશે. જીવને જંજાળો રુચે છે કે ગહન સંતોષ પ્રિય છે એ ઈમાનદારીથી તલસવું પડશે.
સંતશ્રદય પોકારીને કહે છે કે ઈમાનદાર બનો. ભીતરમાં ભૌત્તિકતાની મીઠાશ વેદવી અને વાતો આત્મરસના માધુર્યની કરવી એવી અપ્રમાણિક વર્તના હિંમતથી મૂકી દો. પ્રથમ પ્રગાઢ આત્મરસ પી જાણો પછી એની વાત કરો – કાં એની વાત જ ન કરો.
માનવભેજાની વિચિત્રતાનો ય કોઈ પાર નથી. એ દુઃખી થાય છે પોતાના અવગુણના કારણે ને દોષ કરમનો કાઢે છે ! પોતાની અવળી સમજ... અવળા આગ્રહો ઈત્યાદિના કારણે એ દુઃખી થાય છે એવી કબૂલાત કરવા ય એ ધરાર તત્પર નથી !